ચારેક દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે: 15મી બાદ તાપમાનનો પારો ઉંચકાશે
અબતક-રાજકોટ
શિયાળાની સિઝન હવે વિદાય લેવા ભણી જઇ રહી છે. આગામી ત્રણ થી ચાર દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. 15મી બાદ પવનની દિશા ફરતા તાપમાનનો પારો ઉંચકાશે 15મી માર્ચ સુધી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થશે અને બપોરે ગરમીનો અહેસાસ થશે. માર્ચના બીજા પખવાડીયાથી જ ઉનાળાનો આરંભ થઇ જશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આગામી 3 થી 4 દિવસ લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી સેલ્શીયસ વચ્ચે રહેશે. હાલ મહત્તમ તાપમાનનો પારો 28 ડિગ્રી આસપાસ નોંધાઇ રહ્યું છે.
આજે રાજકોટમાં ઠંડીનું જોર વધ્યું હતું. ગઇકાલની સરખામણીએ આજે શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા અને પવનની સરેરાશ ઝડપ 9 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. સવારે 8:30 કલાકે શહેરનું તાપમાન 18.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું. મહત્તમ તાપમાનનો પારો હાલ 28 ડિગ્રી નોંધાઇ રહ્યું છે.હિમાલયની તળેટીમાં આવતીકાલે એક નવુ વેસ્ટર્ન ડિસ્ટબન્સ ઉદ્ભવશે. જો કે તે બહુ પાવર ફૂલ નથી સામાન્ય બરફ વર્ષા થવાની સંભાવના છે. જેની અસર ગુજરાતમાં ખાસ જોવા મળશે નહી આગામી 15મી ફેબ્રુઆરી બાદ પવનની દિશા ફરશે.
જેથી વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થશે. એકાદ મહિના સુધી મિશ્ર સિઝનનો અનુભવ થશે ત્યારબાદ 15મી માર્ચ પછી ઉનાળાનો આરંભ થઇ જશે.હાલ સ્વાસ્થ્ય પ્રત્યે જાળવણી રાખવાની સિઝન છે કારણ કે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી પડી રહી હોવાના કારણે બીમારીની સંભાવના વધી જાય છે.