રાજ્યમાં જૂનાગઢ 13.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર: રાજકોટમાં પારો 17.5 ડિગ્રી
ગુજરાતમાં એક તરફ ચૂંટણીના પ્રચાર-પ્રસારનો ગરમાવો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હવે શિયાળો ધીમે-ધીમે જમાવટ કરી રહ્યો છે. ઠંડીનું જોર વધી રહ્યું છે. આજે સતત બીજા દિવસે જૂનાગઢમાં ગીરનાર પર્વત પર લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચી ગયો હતો. જૂનાગઢ પણ 13.9 ડિગ્રી સેલ્શીયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયુ હતું. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
આજે જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન 13.9 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 97 ટકા અને પવનની સરેરાશ ઝડપ 2.4 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. સામાન્ય રીતે જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન હોય તેના કરતા ગિરનાર પર્વત પર પાંચ ડિગ્રી ઓછુ તાપમાન હોય છે. આજે ગિરનાર પર તાપમાનનો પારો 8.9 ડિગ્રી આસપાસ રહેવા પામ્યુ હતું. સોરઠવાસીઓ કડકડતી ઠંડીથી ધ્રૂજી ઉઠ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરનું તાપમાન 16 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 16.2 ડિગ્રી, ભૂજનું તાપમાન 17.9 ડિગ્રી, ડિસાનું તાપમાન 16.1 ડિગ્રી, નલીયાનું તાપમાન 16 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 17.6 ડિગ્રી અને રાજકોટનું તાપમાન 17.5 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું.
આગામી દિવસોમાં ઠંડીનું જોર સતત વધતું રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.