કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, સંસદનું શિયાળુ સત્ર 15 ડિસેમ્બરથી શરુ થશે, જે 5 જાન્યુઆરી સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, સંસદના શિયાળુ સત્રમાં વિલંબ માટે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ મોદી સરકારની આલોચના કરી હતી. મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે શિયાળુ સત્રમાં વિલંબ કરવાનો મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ સંસદના શિયાળુ સત્રમાં વિલંબ માટે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા હતા અને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં સંસદનો સામનો કરવાના સાહસનો અભાવ છે. સરકાર તથ્યહીન આધારો રજૂ કરીને સંસદ સત્ર શરુ કરવામાં વિલંબ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય સંજોગોમાં સંસદનું શિયાળુ સત્ર નવેમ્બર મહિનામાં શરુ કરવામાં આવે છે અને ચાર સપ્તાહ જેટલું ચાલે છે. પરંતુ આ વખતે પીએમ મોદી સહિત ભાજપના અન્ય નેતાઓ ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીના પ્રચારકાર્યમાં વ્યસ્ત છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી BJP સંસદના શિયાળુ સત્રને સીધું જાન્યુઆરીમાં લઈ જવાની શક્યતા અંગે પણ ચર્ચા કરી રહી છે.

વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કટાક્ષનો જવાબ આપતા નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે, શિયાળુ સત્રને આગળ લઈ જવામાં કંઈજ અસ્વાભાવિક નથી. વધુમાં જેટલીએ કહ્યું કે, આ જ પરંપરા ચાલી આવે છે અને જો કોઈ ચૂંટણી યોજાઈ રહી હોય તેવા સંજાગોમાં સંસદ સત્રને આ પહેલા પણ અનેકવાર પુનર્નિધારિત કરવામાં આવ્યું છે. આમ પણ સૈદ્ધાંતિક રીતે જોવામાં આવે તો, કેન્દ્ર સરકાર પાસે શિયાળુ સત્ર બોલાવવા માટે ફેબ્રુઆરી મહિના સુધીનો સમય છે. જેથી ચોમાસું સત્ર પુરું થયાને છ મહિના પુરા થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.