ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે જાણે શહેર પર કુદરતે બરફની ચાદર ઓઢાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં ઠંડીની લહેર છવાઈ ગઈ છે. તો કચ્છનું નલિયા સૌથી વધુ ઠંડુગાર બની ગયું છે. ઉતર ભારતના પહાડી ભાગોમાં એકધારી સતત બરફ વર્ષાને કારણે મેદાની ભાગોમાં પણ ઠંડી વધવા લાગી છે. ઉતરાખંડનાં કેદારનાથ, બદ્રીનાથ સહિતના ઉંચાઈવાળા ભાગોમાં વધુ હિમવર્ષા થઇ રહી છે જ્યારે નીચલા ભાગોમાં સુસવાટા મારતા તેજ પવનોથી શિયાળાની કાતિલતા વધવા લાગી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં સમગ્ર કાશ્મીરમાં બરફ વર્ષા થઇ શકે છે અને સાથોસાથ અમુક ભાગોમાં વરસાદ પણ પડી શકે છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ હવે ઠંડી પોતાની અસર દેખાડશે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને પગલે શીત લહેર ચાલી રહી છે અને મનાલીમાં મોસમની પ્રથમ હિમવર્ષા થઇ છે ત્યારે પ્રવાસીઓ પણ તેનો આનંદ લઇ રહ્યા છે. જોકે હિમવર્ષાને પગલે અહીં પણ અનેક રસ્તા બંધ થઇ ગયા છે અને પરિવહન પર અસર થઈ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.