વહેલી સવારે ઠંડીનો અનુભવ: સુકા પવનો ફુંકાયા
સૌરાષ્ટ્રમાં દિવાળીનાં તહેવાર પહેલા જ શિયાળાનાં પગરવ થઈ ચુકયો છે. જોકે હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે, રાજયમાં નવેમ્બર માસથી શિયાળાનો પ્રારંભ થશે. વહેલી સવારે અને મોડીરાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને સુકા પવનો પણ ફુંકાવા લાગ્યા છે. ચામડી પર પણ શિયાળાની સીઝન જોવા મળી રહી છે.
હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૦.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૫ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. વહેલી સવારે અને મોડીરાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજયમાં શિયાળાનો ધીમે-ધીમે પગરવ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુકા પવનો પણ ફુંકાવા લાગ્યા છે જેની અસર ચામડી પર જોવા મળી રહી છે. હવામાન વિભાગનાં સુત્રો એવું જણાવી રહ્યા છે કે, ગુજરાતમાં નવેમ્બર માસથી શિયાળાની સીઝનનો વિધિવત પ્રારંભ થશે પરંતુ છેલ્લા બે-ચાર દિવસથી શિયાળાની સીઝન ધીમે-ધીમે શરૂ થઈ રહી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારનાં સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જોકે બપોરનાં સમયે ઉનાળા જેવા આકરા તાપ પડે છે. હજી એક પખવાડિયું બેવડુ ઋતુનો અનુભવ થશે ત્યારબાદ વિધિવત રીતે શિયાળાનો આરંભ થશે.