કાલથી બે દિવસ ઉત્તર ગુજરાત-કચ્છમાં હળવો વરસાદ થવાની શકયતા ઉત્તરીય ઠંડા પવનોની અસરનાં પગલે સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું
રાજયમાં શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે. પાટનગર સહિત અમદાવાદ, રાજકોટ, સુરત અને નલીયા સહિતનાં વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વઘ્યું છે. છેલ્લા ચાર દિવસમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનો લઘુતમ તાપમાનનો પારો ૨ થી ૩ ડિગ્રી પટકાતા ઠંડી આક્રમક બની છે. નલીયાનું આજનું લઘુતમ તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું છે ત્યારે રાજકોટનું ૧૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જયારે અમદાવાદનું ૧૩.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ઉતર ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલી હિમવર્ષાનાં પગલે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હોય અને ઠંડી આક્રમક બની હોય તેવા વાતાવરણનો લોકો સામનો કરી રહ્યા છે. હજુ એકથી બે દિવસમાં પારો ઘટવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી હિમવર્ષા થઈ રહી છે તેનાં પગલે ઠંડીનાં પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. હિમવર્ષાનાં કારણે ઠંડા પવનો ફુંકાતા ધીમે-ધીમે ઠંડી પણ આક્રમક બની રહી છે.
રાજકોટનાં લઘુતમ તાપમાનની વાત કરીએ તો આજે ૧૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જયારે મહતમ તાપમાન ૩૧ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા અને ૩ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. નલીયાનું લઘુતમ તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું હતું. જયારે મહતમ તાપમાન ૩૦.૪ ડિગ્રી જેટલું નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા નોંધાયું હતું. ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૨.૬ ડિગ્રી અને મહતમ તાપમાન ૩૦.૬ ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા ત્રણ દિવસથી અચાનક જ લઘુતમ તાપમાનનાં પારામાં થઈ રહેલા ઘટાડાનાં કારણે લોકો પણ ઠુંઠવાઈ ગયા છે.
રાજયભરનાં શહેરોનાં લઘુતમ તાપમાન પર નજર કરીએ તો અમદાવાદનું ૧૩.૪ ડિગ્રી, ડિસાનું ૧૧.૫ ડિગ્રી, બરોડાનું ૧૫.૬ ડિગ્રી, સુરતનું ૧૯.૨ ડિગ્રી, રાજકોટનું ૧૩.૩ ડિગ્રી, ભાવનગરનું ૧૬.૮ ડિગ્રી, પોરબંદરનું ૧૩.૮ ડિગ્રી, વેરાવળનું ૧૯.૧ ડિગ્રી, દ્વારકાનું ૧૮.૪ ડિગ્રી, ઓખાનું ૧૯.૬ ડિગ્રી, ભુજનું ૧૫.૪ ડિગ્રી, નલીયાનું ૧૦.૬ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૪ ડિગ્રી, ન્યુ કંડલાનું ૧૩.૪ ડિગ્રી, કંડલાનું ૧૩.૪ ડિગ્રી, ગાંધીનગરનું ૧૨.૬ ડિગ્રી, મહુવાનું ૧૫.૧ ડિગ્રી, દીવનું ૧૯.૪ ડિગ્રી, વલસાડનું ૧૯.૧ ડિગ્રી, વલ્લભવિદ્યાનગરનું ૧૬.૮ જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ધીમે-ધીમે શિયાળાની ઠંડી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી હોય તેવી અસર વચ્ચે નગરજનો પણ ઠંડીમાં રક્ષણ મળી શકે તે માટે ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીર અને લદાખમાં ૩ દિવસથી ગાઢ ધુમ્મસ છવાયેલું છે. છેલ્લા ૨૪ કલાકમાં શ્રીનગરનું લઘુતમ તાપમાન -૨.૪ ડિગ્રી રહ્યું હતું.
બંને કેન્દ્રશાસિત પ્રદેશમાં -૧૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન એજન્સીનાં જણાવ્યા મુજબ નવેમ્બરમાં થયેલી હિમવર્ષાનાં કારણે પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાનમાં ઠંડી વધી છે અને હજુ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં તાપમાનનો પારો ગગડશે અને ઠંડીનું જોર વધે તેવી શકયતા સેવાઈ રહી છે.
તાલાલામાં વહેલી સવારે ભુકંપનાં બે આંચકા અનુભવાયા
સૌરાષ્ટ્રની ધરતી આજે ફરી એકવાર ધ્રુજી ઉઠી હતી. વહેલી સવારે ૮:૩૦ વાગ્યે ૨.૨ની તિવ્રતાનો ભુંકપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૮ કિલોમીટર દુર નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું ત્યારબાદ સવારે ૯:૦૯ વાગ્યે ફરી એકવાર ૧.૨ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૮ કિલોમીટર દુર નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયું હતું. ૩ રીકટર સ્કેલનો ભુકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભુકંપનાં કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.