ભૂજનું  તાપમાન 12 ડિગ્રી, ગાંધીનગર 11.9 ડિગ્રી, અમદાવાદ 12.8 ડિગ્રી અને રાજકોટ 13.6 ડિગ્રી સાથે ઠુઠવાયા: હજી ઠંડીનું જોર વધશે

અડધો ડિસેમ્બર માસ વિતી ગયા છતા ઉનાળા જેવી આકરી  ગરમી પડતી હતી. દરમિયાન  છેલ્લા  ત્રણેક   દિવસથી સૌરાષ્ટ્ર સહિત  રાજયભરમાં  શિયાળાની અસર દેખાવા લાગી છે. આજે સતત ત્રીજા  દિવસે  લઘુતમ તાપમાનનો   પારો પટકાયો હતો. નલીયા અને ગીરનાર પર્વત પર તાપમાન સિંગલ  ડીજીટમાં  પહોચી ગયું હતુ હવે શિયાળો બરાબર જમાવટ કરશે અને ઠંડીનું જોર સતત  વધતું રહેશે. આજે રાજયભરમાં  કાતીલ ઠંડીએ બોકાસો બોલાવ્યો હતો. કચ્છનું  નલીયા  8.4 ડિગ્રી સેલ્સીયસ ડિગ્રી તાપમાન સાથે રાજયનું  સૌથી ઠંડુ  શહેર તરીકે નોંધાયું હતુ.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત  રાજયભરમાં ઠંડીનું  જોર વધ્યું છે.  કચ્છના  નલીયાનું  લઘુતમ તાપમાન આજે  8.4 ડિગ્રી નોંધાયું હતુ એક દિવસમાં તાપમાનનો પારો બે ડિગ્રી સુધી નીચો   પટકાયો હતો. જૂનાગઢનું  લઘુતમ તાપમાન 14 ડિગ્રી રહેવા પામ્યું હતુ જયારે ગીરનાર પર્વત પર પારો 9 ડિગ્રીએ પહોચી જવા પામ્યો છે. રાજકોટનું તાપમાન  13.6 ડિગ્રી નોંધાયું હતુ વાતાવરણમાં  ભેજનું પ્રમાણ 53 ટકા અને પવનની   સરેરાશ ઝડપ 7 કિ.મી. પ્રતિ કલાક  રહેવા પામી હતી.આ ઉપરાંત  અમદાવાદનું  તાપમાન  12.8 ડિગ્રી, અમરેલીનું  તાપમાન  14.5  ડિગ્રી, વડોદરાનું તાપમાન  13.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 17 ડિગ્રી, ભૂજનું તાપમાન 12 ડિગ્રી, ડિસાનું તાપમાન  13.5 ડિગ્રી, દ્વારકાનું તાપમાન  16.9 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 11.9 ડિગ્રી, પોરબંદરનું તાપમાન  15.8 ડિગ્રી, સુરતનું  તાપમાન  17.8 ડિગ્રી અને વેરાવળનું  તાપમાન  18.5 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.

દિવાળીના બે માસ બાદ પણ ઠંડી  ન પડતા  લોકો ભારે   આશ્ર્ચર્યમાં  મૂકાય ગયા હતા  હવે વેસ્ટર્ન  ડિસ્ટબન્સની અસર પૂર્ણ થઈ જતા અને ઉતર  ભારતના રાજયોમાં બરફ વર્ષાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં  ઠંડીનું  જોર   વધ્યું છે. આજે નલીયામાં તાપમાન  સિંગલ ડીજીટમાં પહોચી જવા પામ્યું છે.આગામી  દિવસોમાં  હજી ઠંડીનું  જોર વધશે. શનિ રવિમાં તાપમાનનો પારો સૌથી નીચો  રહે તેવું  અનુમાન  છે.ઠંડીથી  બચવા માટે  લોકો તાપણાના સહારો લઈ રહ્યા છે. હવે સ્વેટર, મફલર, જેકેટ અને ટોપી સહિતના   ગરમ વસ્ત્રો દેખાવા લાગ્યા છે.  આ વખતે શિયાળો ભલે મોડો શરૂ  થયો હોય પરંતુ તેનીઅસર ફેબ્રુઆરી માસના અંત સુધી જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.