- નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા
- ગુજરાતના ‘ટેબ્લો’ માટે રાજ્ય સરકાર વતી ટ્રોફી-પ્રશસ્તિ પત્ર સ્વીકારતા માહિતી સચિવ અવંતિકા સિંધ
- પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની હેટ્રીક
- * 2023માં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત” ટેબ્લો
- * 2024માં “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO” ટેબ્લો
- * 2025માં “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ” ટેબ્લો દ્વારા સતત ત્રીજી વાર પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં દેશની જનતાની પ્રથમ પસંદ બનતું ગુજરાત
26મી જાન્યુઆરી-2025 એટલે કે 76માં ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને ‘પોપ્યુલર ચોઇસ એવોર્ડ’ કેટેગરીમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.
નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતેના ઝંકાર હોલમાં ટેબ્લો અંગે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી સંજય શેઠના હસ્તે ગુજરાત સરકાર વતી વિજેતા ટ્રોફી તથા પ્રશસ્તિપત્ર મુખ્યમંત્રીના સચિવ તેમજ માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંધ ઔલખે સ્વીકાર્યું હતું. આ પ્રસંગે માહિતી નિયામક કે.એલ.બચાણી તથા સંયુક્ત નિયામક ડો. સંજય ક્ચોટ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ અમિતાભ પાઠક, ડાયરેક્ટર-સેરીમોનીયલ, વિકાસ કુમાર તથા સંરક્ષણ મંત્રાલયના ખાસ ફરજ પરના અધિકારી શિવકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરીકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વિરાસત ભી, વિકાસ ભી”નો જે મંત્ર આપ્યો છે તેને ગુજરાત જનભાગીદારી થી સાકાર કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યો અને સરકારના વિભાગોના 31 ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા પ્રાચીન વિરાસતની ઝાંખી સાથે પ્રસ્તુત થઈ હતી.
આ પરેડમાં રજૂ થતા વિવિધ ટેબ્લૉઝ માટે નાગરિકો પોતાના વોટ ઓનલાઇન આપીને “પોપ્યુલર ચોઇસ”ના શ્રેષ્ઠ ટેબ્લોને પસંદ કરી શકે તેવો નવતર અને પારદર્શી અભિગમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અપનાવવામાં આવ્યો છે જેમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે વિજેતા બન્યું છે.
ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી છે.
આ પરેડમાં રાજ્ય સરકારે “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં વડાપ્રધાનએ પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી.
ગત વર્ષ-2024ના 75માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજુ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો.
એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ 2024માં બીજો ક્રમ મેળવ્યો હતો.
આ જ પરંપરામાં વધુ એક સિધ્ધિ મેળવીને 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજી વાર પ્રથમ ક્રમ મેળવીને હેટ્રીક સર્જવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.
76માં પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલા આ ટેબ્લોમાં – સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઇ હતી તેણે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય પરંતુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સંમિશ્રણને અસરકારકતાથી સાકાર કર્યું હતું.
ગુજરાતની ઝાંખીના 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પો સી-૨૯૫ એરક્રાફ્ટ ઉત્પાદન યુનીટ, સેમી કન્ડક્ટર ચીપ અને તેના આનુષંગીક ઉપકરણો તથા અટલ બ્રિજ વગેરનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું.
રાજ્યની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળમાં વડનગર સ્થિત 12મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ તો છેડે 21મી સદીની શાન સમી 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી હતી.
ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક કિન્તુ અર્વાચીન દુહાના તાલે રાજ્યનો જોમવંતો ‘મણિયારો’ રાસ જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો હતો.
ગુજરાતની પારંપારીક લોક સંસ્કૃતિના મેરૂ સમાન આ મણિયારા રાસને વિવિધ રાજ્યોના ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં પણ ત્રીજું સ્થાન મળ્યું છે.