ભારતે ૭ વિકેટે ૧૭૦ રન કર્યા, વિન્ડિઝે ૧૮.૩ ઓવરમાં ૨ વિકેટે ટાર્ગેટ હાંસલ કર્યો: ટી-૨૦ સિરીઝ ૧-૧ની બરોબરી પર: ત્રીજી મેચ ૧૧ ડિસેમ્બરે મુંબઈમાં રમાશે
થિવનંતપુરમમાં રમાયેલ બીજી ટી-૨૦ મેચમાં સીમંસની આક્રમક બેટીંગનાં સહારે વિન્ડીઝે ભારતને ૮ વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ વેસ્ટ ઈન્ડિઝે ૩ મેચોની ટી-૨૦ સીરીઝમાં ૧-૧થી બરાબરી કરી લીધી છે અને હવે આગામી નિર્ણાયક મેચ મુંબઈ ખાતે રમાનાર છે.
પહેલા બેટીંગ કરીને ટીમ ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટનાં ભોગે ૧૭૦ રન બનાવ્યા હતા અને વિન્ડીઝને જીતવા માટે ૧૭૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૧૭૧ રનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે ૨ વિકેટનાં ભોગે ૧૭૩ રન કરીને સીરીઝમાં ૧-૧ની બરાબરી કરી લીધી હતી. લીંડલ સીમંસની અણનમ ૬૭ રનની ઈનીંગનાં જોરે વેસ્ટ ઈન્ડિઝે ભારતને હાર આપવામાં સફળ રહી હતી. સીમંસે ૪૫ બોલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૬૭ રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની જીત માટે તે છેલ્લી સુધી ઉભો રહ્યો હતો. સીમંસની ઉપરાંત ઓપનર લુઈસે પણ ૩૫ બોલમાં ૪૦ રન બનાવ્યા હતા ત્યારબાદ ૧૮ બોલની પોતાની રમતમાં નિકોલસ પુરને શાનદાર અણનમ ૩૮ રન બનાવ્યા હતા. તેમજ સીમરોન હેટમાયર ૧૪ બોલમાં ૨૩ રન બનાવી આઉટ થઈ ગયો હતો તે જાડેજાની બોલીંગમાં કોહલીએ તેનો કેચ ઝડપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે આ મેચમાં કુલ ૧૨ છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા હૈદરાબાદ ટી-૨૦ મેચમાં ૧૫ છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ફિલ્ડરોમાં શઆત કંગાળ દેખાવ કર્યો હતો અને તેનો ફાયદો વેસ્ટ ઈન્ડિઝને મળ્યો હતો અને જીત મેળવી હતી.
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટી-૨૦માં પ્લેયીંગ ઈલેવનમાં કોઈ પરીવર્તન કર્યું ન હતું. ભારતની શઆત સારી રહી ન હતી અને પ્રથમ ટી-૨૦માં અડધી સદી ફટકારનાર લોકેશ રાહુલ ૧૧ રને પીયરેનો શિકાર બન્યો હતો. આ પછી રોહિત ૧૫ રને હોલ્ડરની બોલીંગમાં કલીન બોલ થતા ભારતે ૫૬ રનમાં ૨ વિકેટ ગુમાવી હતી. ભારતે વન ડાઉન તરીકે યુવા ઓલ રાઉન્ડર શિવમ દુબેને તક આપી હતી. તેણે ૩૦ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે આક્રમક ૫૪ રન ફટકાર્યા હતા જે તેની કારકિર્દીની સૌપ્રથમ ટી-૨૦ ઈન્ટરનેશનલ અડધી સદી હતી. તેણે રોહિત સાથે ૩૨ અને કોહલી સાથે ૪૧ રન જોડયા હતા. ત્યારબાદ ભારતે નિયમિત અંતે વિકેટ ગુમાવી ભારે પડી હતી. ભારતે શઆતની ૧૦ ઓવરમાં ૨ વિકેટે ૯૩ રન ફટકાર્યા હતા. ૧૧મી ઓવરમાં શિવમ દુબે અને ત્યારબાદ ૧૪મી ઓવરમાં કોહલી ૧૯ રને આઉટ થતા ભારતની રન ગતિ પર બ્રેક લાગી હતી. અય્યર ૧૦, જાડેજા ૯ તેમજ સુંદર ૦ રને આઉટ થતા કોઈ ભાગીદારી મળી શકી ન હતી. પંતે ફોમ બતાવતા ૨૨ બોલમાં અણનમ ૩૩ રન ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝનાં બોલરોએ અસરકારક દેખાવ કરતા આખરી ૩ ઓવરમાં માત્ર ૩૦ જ રન આપ્યા હતા જયારે ૫ વિકેટ ગુમાવી હતી. વિલિયમ અને વોલસે ૨-૨ વિકેટ ઝડપી હતી જયારે કોટરેલ, ઈયરે અને હોલ્ડરે ૧-૧ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝનાં બોલરોએ ૧૩ વાઈડ નાખી ૧૮ રન એકસ્ટ્રા આપ્યા હતા જોકે વેસ્ટ ઈન્ડિઝની બોલીંગ અને આક્રમક બેટીંગનાં સહારે ભારત સામે ૮ વિકેટે વિજય મેળવ્યો હતો.