અબતક, અમદાવાદ : આમ આદમી પાર્ટીએ ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાય જાય તેવી દહેશત ઉભી થઇ છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસીય ગુજરાત પ્રવાસે છે જેને લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો શરૂ થઈ છે. અધૂરામાં પૂરું કેજરીવાલે ગઈકાલે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘હું આવતીકાલે ગુજરાત આવી રહ્યો છું, ગુજરાતમાં પરિવર્તન આવશે’ તેમના આ પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે એવી પુરી શક્યતા છે. આગમન પહેલા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ નવા પ્રદેશ કાર્યાલયની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

અરવિંદ કેજરીવાલનું ગુજરાત તરફનું આકર્ષણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દયે તેવી દહેશત

અરવિંદ કેજરીવાલની મુલાકાત અને વર્ષ ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિપેક્ષમાં જો વાત કરવામાં આવે તો જે રીતે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ કોંગ્રેસની જગ્યા લઈને મુખ્ય વિપક્ષની ભૂમિકા તરફ આગળ વધતું નજરે પડ્યું હતું અને કોંગ્રેસ હાંસિયામાં ધકેલાતી જોવા મળી હતી. હવે કેજરીવાલની મુલાકાત, પીઢ પત્રકારોની આપમાં એન્ટ્રી અને કોંગ્રેસનું નબળું પ્રદર્શન જોતા હાલ એવું લાગી રહ્યું છે કે, આગામી વિધાનસભાની ચુંટણીમાં આપનું ઝાડુ કોંગ્રેસ પર ફરી વળે તો નવાઈ નહીં.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. બપોરે દિલ્હી મુખ્યમંત્રી નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. જેને લઈને કાર્યકરો સવારથી સ્વાગતની કામગીરીમાં જોડાઈ ગયા છે. કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા. કેજરીવાલના સ્વાગતને લઈને અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો એરપોર્ટ પર ઉપસ્થિત. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારી સહિત ૪૦ જેટલાં કર્મીઓ ગોઠવાયા ગયા છે. એરપોર્ટ પર કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સહિત કેટલાક નેતાઓની વરણી, ભાજપમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાત અને ૧૫ જૂને ધારાસભ્યોની બેઠક મળવાની છે. જેની વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે.  આજે આપના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે આ પ્રવાસના એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું કે “હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ”.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ શાહીબાગ ખાતે કેજરીવાલ એક ગુપ્ત બેઠકમાં ભાગ લેનાર છે જેમાં ઇસુદાન ગઢવી સહિતના ૧૦ જેટલા પૂર્વ પત્રકારો પણ ભાગ લે તેવી માહિતી મળી છે. બેઠક બાદ તમામ પત્રકારો વિધિવત આપનો ખેસ ધારણ કરે તેવી પ્રબળ શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.