સત્તારૂઢ જેડીયુ-ભાજપ સામે વિપક્ષોનું મહાગઠ્ઠબંધન કરવા કોંગ્રેસના પ્રયાસો યથાવત: કોંગ્રેસે જીતનરામ માંઝીને મનાવવા બેઠક યોજી

બિહારમાં સત્તારૂઢ નીતીશ સરકારનો કાર્યકાળ આગામી ર૯મી નવેમ્બરે પૂર્ણ થનારો છે. જેથી, ચૂંટણી પંચ દ્વારા ચાલુ વર્ષના અંત અથવા નવા વર્ષના પ્રારંભે વિધાનસભાની ચુંટણી યોજવામાં આવે તેવી સંભાવના છે. જેથી, વિધાનસભાની આગામી ચુંટણી માટે અત્યારથી દરેક પક્ષો પોતાના રાજકીય સોગઠા ગોઠવવામાં વ્યસ્ત થઇ ગયા છે. કેન્દ્રની અટલ બિહારી સરકારના મંત્રી અને બિહારના પીઢ રાજકારણી યશવંતસિંહાએ ગઇકાલે પોતાનો નવો મોરચો રચવાની જાહેરાત કરી છે. છેલ્લા લાંબા સમયથી ભાજપ વિરોધી વલણ ધરાવતા યશવંતસિંહાની આ જાહેરાતથી વિપક્ષોને મળનારા મતોમાં વધુ એક વિભાજન થવાની સંભાવના ઉભી થવા પામી છે. જેથી, યશવંતસિંહાનો નવો મોરચો બિહારમાં વિપક્ષોનું રાજકીય ગણિત બગાડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે અટલ સરકારમાં નાણા પ્રધાન રહેલા ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહા આજે પોતાના નવા મોરચાની ઘોષણા કરી શકે છે.  બિહારમાં નીતીશ કુમારની આગેવાનીવાળી એનડીએ સરકારની નિષ્ફળતા અંગે મોરચા રાજ્યભરમાં અભિયાન કરશે. યશવંત સિંહાએ આ અંગે જણાવ્યું હતું કે, તેઓ આગળની વ્યૂહરચના વિશે આજે પટનામાં જાહેરાત કરશે, પરંતુ આ મોરચો શું હશે ? તે અંગે વધુ કહેવાનો ઇનકાર કર્યો હતો.  સુત્રોના જણાવ્યા અનુસાર આશરે એક ડઝન જેટલા પૂર્વ સાંસદો, ધારાસભ્યો અને વિવિધ પક્ષોના કાઉન્સિલરો યશવંત સિંહાના મોરચામાં જોડાશે. યશવંત સિંહાએ સામાન્ય ચૂંટણીઓ પૂર્વે જ દેશમાં નવો મોરચો બનાવવાનો પ્રયાસ કર્યો છે.

બીજી તરફ, વિપક્ષના મહાગઠબંધનની રચનામાં મુશ્કેલી ઓછી થતી નથી.  મહાગઠબંધનના નાના પક્ષોએ કોંગ્રેસ દ્વારા ગઠબંધન અંતર્ગત કોઓર્ડિનેશન કમિટીની રચના કરવાની વિનંતી પર ૭ દિવસનો વધુ સમય આપ્યો હતો અને જો તે કરવામાં નિષ્ફળ જાય તો તેઓ તેમના તમામ વિકલ્પો ખુલ્લા રાખશે  તેમ જણાવ્યું હતું. આ બાબતે શુક્રવારે કોંગ્રેસના નેતાઓ જીતેનરામ માંઝીને પટનામાં મળ્યા હતા. આ બેઠક બાદ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ધીરેન્દ્ર કુમાર મુન્નાએ કહ્યું કે ગઠબંધન અંગેની તમામ બાબતોનો નિર્ણય ૨૬ જૂને થવાનો હતો પરંતુ કોંગ્રેસની વિનંતી બાદ સાત દિવસની મુલતવી રાખવામાં આવી હતી. જો કે, તેમણે સ્પષ્ટપણે નકારી કાઢયું હતું કે માંઝીની પાર્ટી જેડીયુમાં ભળી જશે.

બીજી બાજુ, કોંગ્રેસે રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગઠબંધનનું નેતૃત્વ જાહેર કરતા પહેલા તમામ વિકલ્પોની તપાસવાનો નિર્ણય લીધો છે.  આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ આગામી બે દિવસમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આરજેડી સાથે જોડાણ અંગે કોઈ શંકા નથી પરંતુ તે નિશ્ચિતપણે કહેવામાં આવે છે કે હજી પણ નેતૃત્વનો પ્રશ્ર્ન ઉભો જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.