વડી અદાલતમાં કોંગ્રેસે કરેલી અરજી બાદ ચૂંટણીપંચનો આકરો જવાબ
વીવીપેટમાં પ્રિન્ટેડ પેપર સ્લીપ ડિસ્પ્લે થવાનો સમય સાતથી વધારે પંદર સેકન્ડ કરવાની માંગણી સ્વીકારાશે તો મતદાનનો સમય પણ ખુબજ વધી જશે
કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચ સમક્ષ માંગણી કરાઈ છે કે, મતદારોની યાદી વર્ડ ફોર્મેન્ટમાં આપવામાં આવે તેમજ વીવીપેટમાં પ્રિન્ટેડ પેપર સ્લીપ માટેનો ડિસ્પ્લે થતો સમય સાત સેકન્ડથી વધારી પંદર સેકન્ડ કરવામાં આવે. કોંગ્રેસની આ માંગ વડી અદાલત સુધી પહોંચી છે અને વડી અદાલતમાં ચૂંટણીપંચે કહ્યું છે કે, કોંગ્રેસની પોતાની માન્યતાનુસાર ચૂંટણી થાય નહીં, કોંગ્રેસ ચૂંટણી કેવી રીતે યોજવી તેવું અમને ન શીખવાડે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ કોંગ્રેસના પ્રમુખ કમલનાથ, સચિન પાયલોટ અને ભુપેશ બાઘેલ દ્વારા ચૂંટણીપંચ વિધાનસભા ચૂંટણીઓમાં મુક્ત રીતે થાય તેવા પગલા ન લઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ આક્ષેપ બાદ ચૂંટણીપંચ કોંગ્રેસના સવાલોનો જવાબ વડી અદાલતમાં આપી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કમલનાથે આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણીમાં ૬૦ લાખ બોગસ અને ગેરકાનૂની એન્ટ્રી જોવા મળી છે. પરિણામે મતદારોની યાદી વર્ડ ફોર્મેન્ટમાં આપવામાં આવે તેવી માંગ સુપ્રીમ કોર્ટ સમક્ષ મુકાઈ હતી. આ આક્ષેપોનો જવાબ આપતા ચૂંટણીપંચે કહ્યું હતું કે, આ આક્ષેપ કાયદાની વિરુધ્ધ છે. તેઓ ચૂંટણીપંચ જેવી બંધારણીય ઓથોરીટીને આદેશ આપી રહ્યાં છે. તેઓ પોતાના વ્યક્તિગત વિચાર અનુસાર અરજીઓ કરે છે.
તેમની માંગણી મુજબ વીવીપેટ મશીનમાં પેપરનો ડિસ્પ્લે થવાનો સમય સાત સેકન્ડથી વધારે પંદર સેકન્ડ કરવામાં આવશે તો સમગ્ર મતદાન માટે લાગતા સમયમાં પણ બે ગણા જેટલો વધારો થઈ શકે છે. તેમની આ માંગણી કોઈ રીતે પ્રેકટીકલ નથી. આ ઉપરાંત સાતમાંથી ૧૫ સેકન્ડ જેટલો સમય વધી શકે તેમ પણ નથી.