પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધવાથી મંદીનો સામનો કરી રહેલા ભારતીય અર્થતંત્રને વધુ ફટકાનો સામનો કરવો પડે તેવી સંભાવના

ગઈકાલે વહેલી સવારે અમેરિકાએ ઈરાકના બગદાદના એરપોર્ટ પર મિસાઈ હુમલો કરીને ઈરાની સેનાના જનરલ સુલેમાની સહિત આઠ લોકોની હત્યા કરી નાખી હતી. જેના પગલે અમેરિકા અને ઈરાન વચ્ચે ખટરાગમાં ચાલી રહેલા સંબંધો વધારે તંગ બનવા પામ્યા છે. ઈરાને પોતાના જનરલના હત્યાનો બદલો લેવાની જાહેરાત કરતા આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવી સંભાવના છે. જેથી અમેરિકા અને ઈરાન વચ્ચે સંતુલન જાળવીને ચાલી રહેલા ભારતને મોટી નુકશાની થવાની સંભાવના વિદેશ નીતિના નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે. યુદ્ધની સંભાવનાથી પેટ્રોલીયમ પેદાશોના આંતરરાષ્ટ્રીય ભાવો વધી જતા ભારતનું આર્થિક ભારણ વધી જવા પામ્યું છે.

અમેરિકા અને ઇરાનની વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે અમેરિકાના હવાઇ હુમલામાં ઇરાનના કુદ્સ ફોર્સના વડા જનરલ કાસીમ સુલેમાનીની હત્યાને પગલે વિદેશી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નવ મહિનાની ટોચે પહોંચી ગયા છે.  લંડનમાં એક બેરલ ક્રૂડ ઓઇલનો ભાવ ૪.૧ ટકા એટલે કે ૨.૭૦ ડોલર વધીને ૬૮.૯૫ ડોલર થઇ ગયો છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે ભારતમાં મોંઘવારી વધવાની શંકા છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે ભાતને અન્ય દેશોમાંથી ક્રૂડ ઓઇલ ખરીદવા પાછળ વધારે ખર્ચ કરવો પડે છે. જેના કારણે ચાલુ ખાતાની ખાધ વધી જાય છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે રૂપિયા ઉપર પણ દબાણ વધી જાય છે. જેના કારણે ભારતને ક્રૂડ ઓઇલ વધુ મોંઘુ પડે છે.

7537d2f3 3

ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે ઓઇલ કંપનીઓ પર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાનું દબાણ વધી જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે મોંઘવારી વધી જાય છે. મોંઘવારીની અસર શાકભાજીથી લઇને રોજબરોજ વપરાતી વસ્તુઓ ઉપર પણ પડે છે.  મોંઘવારી ઓછી હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઉપર પણ દબાણ ઓછું રહેશે અને તે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. વ્યાજ દરમાં ઘટાડા થવાના કારણે લોનનો ઇએમઆઇ ઘટી જાય છે.

ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરિયાતના ૮૦ ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. એક અંદાજ મુજબ ક્રૂડ ઓઇલના ભાવમાં ડોલરનો વધારો થવાને કારણે વાર્ષિક આયાત બિલ ૧૦,૭૦૦ કરોડ રૂપિયા વધી જાય છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતે ૧૧૧.૯ અબજ ડોલરના ઓઇલની આયાત કરી હતી.

ઇરાકના બગદાદ એરપોર્ટ પર અમેરિકન હુમલાથી સમગ્ર વિશ્વના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૪૧,૪૬૪ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફટી ૫૫ પોઇન્ટ ઘટીને ૧૨,૨૨૬ સપાટીએ બંદ રહ્યો હતો.

ઈરાન-અમેરિકા વચ્ચેની અત્યારની લડાઈના મૂળમાં ઈરાકમાં થયેલો હુમલો છે. ઈરાક અત્યારે અમેરિકાનું સમર્થક છે. ઈરાકમાં કેટલાક સ્થળોએ ઈરાન સમર્થિત આતંકી અડ્ડાઓ હતા, જેના પર અમેરિકાએ હુમલો કર્યો હતો. એ પછી ઈરાકના પાટનગર બગદાદમાં આવેલા અમેરિકી એમ્બેસીના મકાન પર હુમલો થયો હતો. એ હુમલો ઈરાને કરાવ્યો હતો એવુ ટ્રમ્પે કહ્યું હતું. એ પછી ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે હવે અમે હુમલો કરીશું. થોડા દિવસ પહેલા ઈરાનમાં માર્યા ગયેલા આતંકીઓના સમર્થનમાં રેલી નીકળી હતી અને એ વખતે અમેરિકી એમ્બેસી પર પથ્થરમારો થયો હતો. એ પછી જ અમેરિકાએ આ આક્રમક હુમલાનું આયોજન કર્યું હતું.

7537d2f3 3

અમેરિકન વિદેશ મંત્રાલયે એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે ઈરાક અને અખાતના પ્રદેશમાં ભારે તંગદિલીના કારણે અમે અમેરિકન નાગરિકોને તાત્કાલિક ઈરાક છોડી દેવાની વિનંતી કરીએ છીએ.  બગદાદમાં અમેરિકન એમ્બસી પર ઈરાનનું પીઠબળ ધરાવતા બળવાખોરોના હુમલાના કારણે કોન્સ્યુલરની બધી જ કામગીરીઓ રદ કરી દેવાઈ છે. અમેરિકન નાગરિકોએ એમ્બસીનો સંપર્ક કરવો નહીં. પેન્ટાગોને કહ્યું કે વિદેશમાં અમેરિકન કર્મચારીઓની સલામતી માટે રક્ષાત્મક કાર્યવાહી કરતાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર-કુદ્સ ફોર્સના પ્રમુખ કાસિમ સુલેમાનીને મારી નાંખ્યા હતા. આ સંગઠનને અમેરિકાએ પ્રતિબંધિત વિદેશી આતંકવાદી સંગઠનની યાદીમાં રાખ્યું છે.

પેન્ટાગોને દાવો કર્યો હતો કે આ હુમલાનો આશય ભવિષ્યમાં ઈરાનના હુમલાના આશયને રોકવાનો હતો. જનરલ સોલેમની સક્રિય રીતે ઈરાક અને અખાતના દેશોમાં અમેરિકન દૂતાલયો અને કર્મચારીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા. સોલેમની અને તેમની કુદ્સ દળો સેંકડો અમેરિકન અને સંયુક્ત દળોના જવાનોના મોત માટે જવાબદાર હતા. સોલેમનીએ ૨૭મી ડિસેમ્બરના હુમલા સહિત છેલ્લા કેટલાક મહિનાઓથી સંયુક્ત દળો પર થયેલા હુમલાના કાવતરાં ઘડયા હતા. સોલેમનીએ જ આ સપ્તાહે બગદાદમાં અમેરિકન દૂતાલાયમાં હુમલાને મંજૂરી આપી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો ભારતના વ્યુહાત્મક એવા ચાબહાર પોર્ટની યોજના પણ વિલંબમાં પડવાની સંભાવના છે. જેથી ભારતે ચાબહાર પોર્ટના વિકાસ માટે રોકાયેલા કરોડો ડોલરના રોકાણને પણ સીધી અસર થવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.