આગામી 7 ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી પદે વિજયભાઈ રૂપાણી 5 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે: આવી સિદ્ધી પ્રાપ્ત કરનાર તેઓ ગુજરાતના ચોથા મુખ્યમંત્રી બનશે
ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની યશકલ્ગીમાં આગામી 7મી ઓગષ્ટના રોજ વધુ એક છોગુ ઉમેરવા જઈ રહ્યું છે. તેઓ 7 ઓગષ્ટે રાજ્યના મુખ્યમંત્રી પદે 5 વર્ષ પુરા કરશે. આવી સિદ્ધી હાંસલ કરનારા તે રાજ્યના ચોથા મુખ્યમંત્રી બનશે. તેઓ નરેન્દ્ર મોદી બાદ વધુ સમય મુખ્યમંત્રી પદે રહેવાનો રેકોર્ડ બનાવે તેવી પણ હાલ સુખદ સંભાવના જણાય રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 7 ઓગષ્ટ 2016ના રોજ વિજયભાઈ રૂપાણીએ શપથ લીધા હતા. આગામી મહિને તેઓ મુખ્યમંત્રી પદે 5 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે. આ પૂર્વે માત્ર ગુજરાતમાં ત્રણ જ એવા મુખ્યમંત્રી છે કે, જેઓએ 5 વર્ષ સુધી સીએમની ખુરશી શોભાવી હોય જ્યારે નરેન્દ્રભાઈ મોદીને બાદ કરતા વિજયભાઈ માત્ર એક એવા મુખ્યમંત્રી છે જે પાંચ વર્ષ પૂર્ણ ર્ક્યા હોય. સૌથી વધુ ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેવાનો રેકોર્ડ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામે છે. તેઓ સતત 12 વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહ્યાં હતા. જ્યારે હિતેન્દ્રભાઈ દેસાઈ અને માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે રહ્યાં હતા. રાજ્યના 16માં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ વિજયભાઈ રૂપાણીને સતત 5 વર્ષ ગુજરાતના લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે.
વર્ષ 2016માં મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા બાદ સવા વર્ષના કાર્યકાળમાં જ ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી હતી. જેમાં ભાજપે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું અને પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર વચ્ચે પૂર્ણ બહુમત હાંસલ કર્યો હતો. છેલ્લા 4 વર્ષથી સતત લોકોની ચિંતા સાથે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ શાસન ધુરા સંભાળી રહ્યાં છે. કોરોના કાળમાં પણ તેઓએ ગુજરાતવાસીઓને મહામારીથી બચાવવા માટે અથાક પરિશ્રમ ર્ક્યો હતો. તેઓની છાપ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પ્રસ્થાપિત થવા પામી છે.
છેલ્લે ચાર વર્ષથી એકધારી રાજ્યવાસીઓની સેવા કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી 7મી ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી પદે 5 વર્ષ પૂર્ણ કરતાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે પ્રસ્થાપિત કરશે જેમાં સતત 5 વર્ષ સુધી શાસન ચલાવનાર તેઓ રાજ્યના માત્ર ચોથા અને ભાજપના બીજા મુખ્યમંત્રી બનશે. તેઓના નામે નરેન્દ્ર મોદી બાદ ગુજરાતના સીએમ પદે સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ પણ સર્જાય તેવા આસાર હાલ વર્તાઈ રહ્યાં છે. જે રીતે તેઓ હાલ કામગીરી કરી રહ્યાં છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પણ ભાજપ વિજયભાઈ રૂપાણીને ચહેરો બનાવીને જ લડશે.