હૈદરાબાદમાં વડાપ્રધાને ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો પ્રારંભ કરાવ્યો, વિજયભાઈ રૂપાણીની પણ વિશેષ ઉપસ્થિતિ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા વિજયભાઈ રૂપાણીના કદ પ્રમાણે સ્થાન આપવું ભાજપ માટે જરૂરી છે. તેવામાં હૈદરાબાદમાં વડાપ્રધાને ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં વિજયભાઈ રૂપાણીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી છે. માટે વિજયભાઈને સંગઠનમાં સારું સ્થાન અપાઈ તેવી શકયતા સેવાઈ રહી છે.

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આ વખતે હૈદરાબાદમાં થઈ રહી છે. હૈદરાબાદના નોવાટેલ કોન્વેંશન સેન્ટરમાં આ બેઠક આજથી શરૂ થઈ છે અને કાલ એટલે કે 3 જૂલાઈ સુધી ચાલુ રહેશે. આ બેઠકની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કરાવી છે.

રાષ્ટ્રીય કાર્યકારિણીના અધિવેશન બાદ એક વિશાળ રેલી પણ થશે. જેમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. આ રેલી 3 જૂલાઈ સાંજે 6.30 કલાકે પરેડ ગ્રાઉન્ડમાં થશે.રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક હૈદરાબાદમાં 18 વર્ષ બાદ થઈ રહી છે.આ એક મોટો કાર્યક્રમ છે.

કહેવાય છે કે, કાર્યકારિણીની બેઠક દરમિયાન તેલંગણામાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી ઉપરાંત 2024માં પ્રસ્તાવિત લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી રણનીતિ તૈયાર કરવામાં આવશે. વર્ષ 2014માં કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ ભાજપની આ ત્રીજી બેઠક છે જે કોઈ દક્ષિણ ભારતીય રાજ્યમાં આયોજીત થઈ રહી છે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી ઉપર ફોકસ

વિજયભાઈ રૂપાણીએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું કે રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં રાષ્ટ્રીય પરિપેક્ષમાં પોલિસી નક્કી થાય છે. આ બેઠકમાં સરકારની તમામ યોજનાઓનો વ્યાપ વધારવા તેમજ સંગઠનને મજબૂત બનાવવા સહિતના મુદ્દાઓ ઉપર નિર્ણયો લેવામાં આવે છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આ બેઠકમાં આ બન્ને ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.