દેશના પૂર્વ રાજ્યોમાં 5000 કિમીનો જળમાર્ગ વિકસાવવાનો પ્રોજેક્ટ, જેનાથી પૂર્વના દેશો સાથે વ્યાપાર સબંધ મોકળો થઈ જશે
નદીઓના જોડાણથી પરિવહન સસ્તું થવાની સાથે પાણીની અછતથી પીડાતા વિસ્તારોને પણ થઈ શકે લાભ
દેશના પૂર્વ રાજ્યોમાં 5000 કિમીનો જળમાર્ગ વિકસાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેનાથી પૂર્વના દેશો સાથે વ્યાપાર સબંધ મોકળો થઈ જશે. ત્યારે પૂર્વીય રાજ્યોની જેમ દેશભરમાં નદીઓના જોડાણનું વાજપાઈનું સ્વપ્ન સાકાર થશે કે કેમ તેના ઉપર સૌની નજર છે.
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર 5,000 કિલોમીટરના નેવિગેબલ જળમાર્ગો સાથે ઈસ્ટર્ન ગ્રીડ વિકસાવવાની યોજના છે. મંત્રીએ નવી દિલ્હીમાં ઉદ્યોગ મંડળ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત બીજી ઇનલેન્ડ વોટરવેઝ સમિટમાં બોલી રહ્યા હતા.
મંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય જળમાર્ગ 1 નદી ગંગા પર કરવામાં આવેલા કામોના પરિણામોથી કેન્દ્ર સરકાર ખુશ છે. પૂર્વ ભારતમાં નદીઓનું સમૃદ્ધ નેટવર્ક છે. તેમાં કેટલાક આંતરરાષ્ટ્રીય માર્ગો સાથે 4 મુખ્ય જળમાર્ગોનો સમાવેશ થાય છે. અમે આ ગ્રીડ દ્વારા 5,000 કિલોમીટર નેવિગેબલ જળમાર્ગો વિકસાવવાનો ઇરાદો ધરાવીએ છીએ.
તેમણે કહ્યું કે આ ગ્રીડનો વિકાસ માત્ર પ્રાદેશિક એકીકરણ અને વૃદ્ધિને પ્રોત્સાહન આપશે નહીં, પરંતુ બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળમાં પૂર્વ ભારતના વેપારને વધુ મજબૂત કરશે. તે મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપોર જેવા દેશો સાથે વેપારની સંભાવનાને પણ વધારશે.
નદીને જોડવાની પરિકલ્પના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈની હતી. રાષ્ટ્રીય જળવિકાસ એજન્સી તરફથી નદીઓને જોડવા માટે 31 પરિયોજના ચલાવાઈ રહી છે. વાજપાઈનું આ સ્વપ્ન સાકાર કરવા કેન્દ્ર સરકાર પ્રયાસો તો કરી રહી છે. જો આ સ્વપ્ન સાકાર થાય તો પરિવહન ક્ષેત્રે ક્રાંતિ સર્જાવાની સાથે પાણીની અછતથી પીડાતા વિસ્તારોને લાભ થઈ શકે છે.
નદીઓનું પાણી સમુદ્રમાં જતું બચાવી શકાશે
આપણા દેશમાં માત્ર 65 ટકા પાણીનો ઉપયોગ થાય છે. બાકીનું પાણી સમુદ્રમાં ભળી જાય છે, પાણીની ઉપલબ્ધતાને અસર કરતા ઘણા પરિબળો પણ છે. આના કારણે ભારતમાં દુષ્કાળ અને પૂર જેવી સ્થિતિ એકસાથે ચાલે છે. જે દેશની વસ્તીના મોટા ભાગને શુધ્ધ પાણી ઉપલબ્ધ નથી ત્યાં માટે આ સ્થિતિ ચોક્કસપણે ચિંતાજનક છે.
રાજ્યો વચ્ચે ચાલતા પાણી વિવાદ પ્રોજેક્ટમાં બાધારૂપ
નદીને જોડવાનો પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી છે. પરંતુ રાજ્યો વચ્ચે પાણીને લઈને ચાલી રહેલો વિવાદ નદીઓના આંતર-જોડાણના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. નદીઓને એકબીજા સાથે જોડવી એ પોતે જ એક કપરું કાર્ય છે, પરંતુ જ્યારે તેમાં સામેલ રાજ્યો પાણીની વહેંચણીને લઈને વિવાદમાં હોય ત્યારે તે વધુ મુશ્કેલ બની જાય છે.
અલગ-અલગ રાજ્યો વચ્ચે નદીના પાણીની વહેંચણીને લઈને દેશભરમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે વિવિધ ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના આદેશો પણ તેનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે.
નદીઓને જોડવાનો પ્રોજેક્ટ 161 વર્ષ જૂનો
નદીઓને એકબીજા સાથે જોડવાનો વિચાર 161 વર્ષ જુનો છે. 1858માં બ્રિટિશ સૈન્ય એન્જિનીયર આર્થર થોમસ કોટને મોટી નદીઓને જોડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી ઈસ્ટી ઈન્ડિયા કંપનીને પોર્ટ્સની સુવિધાઓ મળી શકે અને દક્ષિણ-પૂર્વ વિસ્તારોમાં વારં વાર પડી રહેલા દુષ્કાળનો નિવેડો આવી શકે.