ટ્રાફિક પોલીસે કાયદાની આટીઘૂંટીમાં વાહન ચાલકને ફસાવી વર્ષે રૂ.૨.૬૭ કરોડ વસુલ કર્યા!
ટોઇંગ, ટ્રાફિક ડ્રાઇવ, ઇ મેમો અને હાજર દંડ સહિતના મુદે વાહન ચાલકોને પોલીસની પરેશાની
પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણની ઘટના રોજીંદી બની
હેલ્મેટ ડ્રાઇવ ગોઠવી વિદ્યાર્થીઓના ખિસ્સા ખર્ચી પોલીસ ખંખેરી લેતા લોકોમાં રોષ
અધિકારીઓ દ્વારા અપાયેલા ટાર્ગેટને પુરો કરવાના પોલીસના પ્રયાસથી વિના કારણે ભોગ બનતા સામાન્ય નાગરિકો
ટ્રાફિક સમસ્યા નિવારવા અધિકારીઓના અવનવા નુસ્ખાથી સ્થિતી સુધરવાના બદલે વણસી
શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસના અધિકારીઓના અનવના નુસ્ખાથી સ્થિતી સુધરવાના બદલે વધુને વધુ વણસી રહી છે. પોલીસની પરેસાનીના કારણે આગામી સમયમાં પ્રબુધ્ધ નાગરિકો પોલીસ સામે મોરચો માડે તેવી સ્થિતી નિર્માણ પામી છે. લોકોના રોષ ફાટી નીકળે તે પહેલાં પોલીસ અધિકારીઓ ટ્રાફિકના મુદે થતી પજવણી અને હેરાનગતિ અંગે સમિક્ષા કરવાનો સમય પાકી ગયો છે.
પોલીસ અધિકારીઓ દ્વારા નો પાર્કિંગ ટોઇંગ, ઇ મેમો, ટ્રાફિક ડ્રાઇવ અને હાજર દંડ સહિતના મુદે વાહન ચાલકોને જાગૃત કરવાના બદલે પોલીસ દ્વારા આડેધડ દંડ ફટકારી છેલ્લા કેટલાક સમયથી પોલીસ સમસ્યા સર્જી રહ્યા છે. શહેરમાં સારી રીતે ટ્રાફિક નિયમન તે આવશ્યક છે. પણ તેનો જડતાથી અમલ કરાવી લોકોની સુખાકારીના બદલે અગવડ ઉભી કરવી તેને અતિરેક પોલીસ દ્વારા થતો હોય તેમ સુત્રો જણાવી રહ્યા છે.
પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજની સાથે ટ્રાફિક નિયમન કરાવવાની ફરજ અદા કરવાની હોય છે. કાયદો અને વ્યવસ્થા પોલીસ માટે સાઇડ લાઇન બની ગયા હોય તેમ માત્ર ટ્રાફિક દંડ વસુલ કરવાને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. કાયદો લોકોની સુખાકારી માટે હોય છે. તેના બદલે કાયદાની આટીઘૂંટીનું ખોટુ અર્થઘટન કરી વાહન ચાલકને કોઇને કોઇ મુદે વાંકમાં લઇ તેની પાસેથી દંડ વસુલ કરવાનો એક મુદાનો પોલીસ માટે કાર્યક્રમ બની ગયો હોવાથી વાહન ચાલકોનો રોષ ફાટી નીકળે તે પહેલાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળે તે પહેલાં ઉચ્ચપોલીસ અધિકારીઓએ સાવધ થવાની જરૂર બની છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિક બ્રાન્ચના સ્ટાફ અને દરેક પોલીસ મથકના સ્ટાફને વાહન ચેકીંગ ડ્રાઇવ માટે ચોક્કસ સમય ફાળવવાની સાથે ચોક્કસ રક્મનો દંડ એકઠો કરવાનો ટાર્ગેટ આપવામાં આવતો હોવાથી વાહન ચેકીંગમાં જતા પોલીસ સ્ટાફ પણ ઉચ્ચ અધિકારીનો હુકમથી પરેશાની અનુભવી રહ્યા હોવાથી તેઓ પણ ચોક્કસ ઇરાદા સાથે વાહન ચાલક સાથે દંડ વસુલ કરવા ઘર્ષણ કરી રહ્યા છે. માથા ફરેલા વાહન ચાલકો પોલીસ સાથે સરા જાહેરમાં જીભા જોડી કરી પોલીસની રહીસહી આબરૂના ધજાગરા ઉડાડી દંડ ભરવાનો ઇન્કાર કરે ત્યારે પોલીસ પાસે રહેલું હાથ વગા હથિયાર તરીકે ‘ફરજમાં રૂકાવટ’નો ગુનો નોંધવામાં આવે છે.
વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના કારણે છેલ્લા કેટલાક સમયથી ‘ફરજમાં રૂકાવટ’ના ગુનાનું પ્રમાણ વધી ગયું છે. સ્કૂલ કે કોલેજ બાઇક પર જતાં વિદ્યાર્થીઓ પાસેથી દંડ વસુલ કરવા સ્કૂલ કે કોલેજ પાસે જ ‘આંતકવાદી’ને પકડવો હોય તે રીતે પોલીસ સ્ટાફ વોચમાં ગોઠવાઇ જતા હોય છે. અને વિદ્યાર્થી મોટો ગુનેગાર હોય તે રીતે તેને અટકાવીને દંડના સ્વરૂપે રૂ.૧૦૦ ખંખેરી લેવામાં આવે છે. વિદ્યાર્થી પાસે ખિસ્સા ખર્ચીની રકમ પોલીસ દંડના સ્વરૂપે પડાવી લીધી હોવાથી વિદ્યાર્થીઓ નિસાસા નાખી પોલીસની કાર્યપધ્ધતીને જાહેરમાં ફિટકાર વરસાવતા હોય છે.
ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વાહન ચાલકોને હેલ્મેટ, લાયસન્સ, પીયુસી, સીટ બેલ્ડ, નો પાર્કીંગ, ફેન્સી નંબર પ્લેટ, મોબાઇલ પર વાત કરવી, રોંગ સાઇડ અને સ્ટોપ લાઇન ઓળંગવા સહિતના મુદે વાહન ચાલકો સામે વર્ષ દરમિયાન ૧,૬૭, ૫૨૪ જેટલા કેસ કરી ‚રૂ|.૨,૬૭,૩૬,૮૫૭ દંડ વસુલ કર્યો છે. આ ઉપરાંત ઇ ચલણથી મેમો મોકલી ‚રૂ|.૨,૧૫,૩૦૦ દંડ વસુલ કર્યો છે.
યુવરાજનગરનો બુટલેગર દારૂ કયાંથી લાવ્યો પૂછપરછ કરવામાં પોલીસ નિષ્ફળ
ચૂનારાવાડમાંથી ૩૧ બોટલ દારૂ મળ્યો પણ બુટલેગર ન મળ્યો: સટ્ટાની જેમ દારૂના કેસમાં પોલીસની સાંઠગાંઠ?
શહેરમાં પોલીસને દારૂ અને જુગારની બાતમી મળે છે પણ મિલકત વિરૂધ્ધના ગુનાની બાતમી મળતી ન હોવાથી ચોરીના કેસ નોંધવાનું પોલીસે ઘણા સમયથી બંધ કર્યુ હોવાની ચર્ચા સાથે માત્ર દારૂ-જુગારના જ કેસ નોંધાય છે. ક્રિકેટ સટ્ટાનો દરોડો પાડયા પછી મુળ સુધી પોલીસ પહોચી નથી તેમ દારૂનું કટીંગ કયાં થયું અને કયાં દારૂના ધંધાથી પાસેથી દારૂ લાવવામાં આવ્યો તે અંગેની વધુ એક વખત પોલીસ નિષ્ફળ રહી છે.
યુવરાજનગર મફતીયાપરામાં રહેતા નરેન્દ્ર દિલુ સોલંકી નામનો શખ્સ રૂ.૨૬,૯૫૦ની કિંમતની ૭૭ બોટલ વિદેશી દારૂ સાથે આજી ડેમ પોલીસે ઝડપી લીધો છે. પણ તે દારૂ કયાંથી લાવ્યો અને દારૂનું કટીંગ કયાં થયું તે અંગેની વિગતો મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી છે.
જ્યારે ચુનારાવાડના સંજય ઓધવજી સનુરા નામના શખ્સના મકાનમાંથી રૂ.૧૨,૪૦૦ની કિંમતની ૩૧ બોટલ દારૂ મળી આવ્યો હતો પણ સંજય સનુરા મળ્યો ન હતો.
દારૂના કેસમાં ઝડપાયેલા શખ્સોના કોર્ટ દ્વારા રિમાન્ડ મળતા હોવા છતાં દારૂ કયાંથી આવ્યો તે અંગેની મુળ સુધી પોલીસ દ્વારા તપાસ થતી ન હોવાથી ક્રિકેટના સટ્ટાની જેમ દારૂના કેસમાં પણ પોલીસની સાંઠગાંઠ હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે.