ધર્મના નામે ચાલતા વિવાદો વચ્ચે અષાઢીબીજની ઠેર ઠેર ભાવભેર થશે ઉજવણી અશાંતિ ઇચ્છતા તત્વો કોઈ કૃત્ય કરીને કોમી વૈમનસ્ય ન ફેલાવે તે માટે પોલીસ એક્શનમાં
ધર્મ વિરોધીઓના ગળા કાપી નાખવા આ ધર્મ છે ? આવો સો મણનો સવાલ ઉદયપુરની ચકચારી ઘટના બાદ સૌના મનમાં થઈ રહ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતભરમાં પણ પડી રહ્યા છે. તેવામાં આવતીકાલે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઠેર- ઠેર નીકળવાની છે. જેમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીની નગરચર્યા શાંતિ અને અમન લઈ આવે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે.
ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં હિન્દુઓના તહેવારોમાં મુસ્લિમો સામેલ થતા હોય છે અને મુસ્લિમોના તહેવારોમાં હિંદુઓ પણ હરખભેર જોડાતા હોય છે. આ ઉપરાંત ભાઈચારાના અનેક દ્રષ્ટાંતો પણ સામે આવતા હોય છે. આ બધા વચ્ચે ક્યાંક ધર્મના નામે હિંસાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. દરેક ધર્મનું વિશેષ મહત્વ છે. માટે દરેક ધર્મ પ્રત્યે આદરભાવ કેળવવો જરૂરી છે. જ્યારે વાત નિવેદનોની આવે છે. તો કોઈ ધર્મ વિશે નિવેદનો કરતા પહેલા સો વખત વિચાર કરવો જરૂરી છે. અને આ નિવેદન બાદ હિંસાત્મક વિરોધ કરવો પણ અયોગ્ય છે. ઉદયપુરમાં જે ઘટના ઘટી તે આતંકવાદી કૃત્ય જ છે. ગળુ કાપીને જંગલીયાતથી હત્યા કરવી એ ખરેખર શરમજનક ઘટના છે.
દરેક ધર્મ જીવન જીવવાની ઢબ અને અમન શીખવે છે. ખુદ મહમદ પયગંબર પોતે શાંતિના દૂત હતા. તેમના નામે હિંસા ફેલાવવામાં શુ કામ આવી રહી છે ? બીજું કે ધર્મના નામે અમુક તત્વો હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. અને સમગ્ર સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે. તેઓ આવા મુદા લઈને સમગ્ર સંપ્રદાયમાં હિંસા અને ઘૃણાના બીજ રોપવાના પ્રયાસ કરી રહ્યા છે. પણ હવે સમય આવી ગયો છે. જો ધર્મના નામે થતા આવા કૃત્યોને જાકારો આપવામાં નહિ આવે તો ભારતમાંથી બિન સાંપ્રદાયિકનું લેબલ હટતા વાર નહિ લાગે.
બીજી તરફ આવતીકાલે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથ તેમના બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે નગરચર્યાએ નીકળવાના છે. ભારે આસ્થા સાથે હિન્દૂ સમુદાય આ પર્વમાં સામેલ થશે. આ દરમિયાન જે ધર્મના નામે જે વિવાદ ચાલી રહ્યા છે. તે પણ ચરમસીમાએ છે. આ દરમિયાન કોઈ તત્વો કાકરિચાળો કરી કોમી વૈમનસ્ય ન ફેલાવે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.
વાયરસે મુખ્યમંત્રીને પણ રથ ખેંચતા રોક્યા!!
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોના સંક્રમિત થતા તેઓ હોમ આઈસોલેટ થઈ ગયા છે. કોરોનાના હળવા લક્ષણો જણાતા તેમણે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેના રિપોર્ટ બાદ તેમણે કોવિડ પ્રોટોકોલ મુજબ તેમણે પોતાના નિવાસ સ્થાને હાઈસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે.
આજથી જગન્નાથ મંદિરમાં ત્રણ દિવસના કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. રથયાત્રા પૂર્વે પરંપરા મુજબ મુખ્યમંત્રીના હસ્તે કાલે ભગવાનના રથમાં પહિંદ વિધિ કરવામાં આવે છે. આગલા દિવસે અને સવારે પણ વિશેષ પૂજા-અર્ચનામાં પણ મુખ્યમંત્રી હાજરી આપતા હોય છે. પરંતું મુખ્યમંત્રીને કોરોના થયો હોવાથી પહિંદ વિધિ નહીં કરી શકે. તેમના સ્થાને આ સૌભાગ્ય રેવન્યુ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદીને મળી શકે છે.
ધર્મ અંગેની વાંધાજનક પોસ્ટ વિરુદ્ધ તાત્કાલિક રિપોર્ટ કરવા આદેશ
પાડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ નામના દરજીની હત્યાથી ચકચાર મચી છે. આ દરમિયાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે યોજાવા જઇ રહી છે. જેને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. જેમાં ધર્મઅંગેની વાંધાજનક પોસ્ટ વિરુદ્ધ તાત્કાલિક રિપોર્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. મંગળવારે ઉદયપુરમાં બે મુસ્લિમ યુવકોએ એક દરજી યુવકની તાલિબાની સ્ટાઈલથી હત્યા દેતા સમગ્ર દેશમાં આકરા પડઘા પડ્યા છે. તો બીજી તરફ શુક્રવારે ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. તેને લઈને બુધવારે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડા સહિત તમામ જિલ્લાના પોલીસ વડા અને પોલીસ કમિશનર સાથેની એક બેઠક યોજવામાં આવી. જેમાં રાજસ્થાનની ઘટના અને રથયાત્રા અંગેની પોલીસ વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી.
હાલના સમયમાં કોમી વિવાદોમાં સોશિયલ મીડિયાનું માધ્યમ મહત્વની ભૂમિકા બજાવી રહ્યું છે. માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ધર્મને લગતી પોસ્ટ ઉપર નજર રાખવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
સોશિયલનો ઉન્માદ ફેલાવવા સરહદ પારથી ઘડાયું હતું કાવતરૂ: પોલીસે ગંભીરતા નહીં લેતા ‘આગ’ ભભૂકી!!
રાજસ્થાનના ઉદયપુરમાં દરજી ક્ધહૈયાલાલનું ગળું કાપીને નિર્મમ હત્યાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં અલર્ટ છે. આ ઘટના બાદ રાજ્યમાં અનેક જગ્યાએ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ પણ સામે આવી છે. સુરક્ષા કારણોસર પ્રશાસને અનેક જિલ્લામાં કરફ્યૂ લાગૂ કર્યો છે. આ ઘટના અંગે એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી રહી છે. એવું કહેવાય છે કે દરજી ક્ધહૈયાલાલે 15 જૂનના રોજ પોલીસને પત્ર લખીને પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને સુરક્ષા માંગી હતી. જો કે પોલીસ તરફથી કોઈ પગલું ભરાયું નહીં. મૃતક ક્ધહૈયાલાલના પરિજનોએ પોલીસ પર બેદરકારી વર્તવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે ફરિયાદ બાદ પણ કાર્યવાહી થઈ નહીં. દુકાનના સીસીટવી બંધ કરાયા હતા. ઘટના બાદ ક્ધહૈયાલાલના ઘરની બહાર પ્રદર્શન કરાયું હતું.
પરિજનોએ આ મામલે ન્યાયની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે બંને આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ.હત્યા મામલે રાજસ્થાન પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હત્યાના એક આરોપીની કડી પાકિસ્તાન સ્થિત ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે મળી આવી છે. રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશકએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ઉદયપુરમાં કનૈયાલાલ મર્ડરની ઘાતકી હત્યાની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે હત્યામાં સામેલ ગૌસ મોહમ્મદ અને તેના સાથીના પાકિસ્તાનના ઈસ્લામિક સંગઠન સાથે લિંક મળી છે. રાજ્યના પોલીસ વડાએ કહ્યું કે પોલીસે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે જેઓ કનૈયાલાલની હત્યામાં સામેલ મુખ્ય બે આરોપીઓના સંપર્કમાં હતા. જયપુરમાં મીડિયા સાથે વાત કરતા પોલીસ મહાનિર્દેશક એમએલ લાથેરે જણાવ્યું હતું કે હત્યામાં સામેલ એક આરોપી ગૌસ મોહમ્મદના કરાચી સ્થિત ઈસ્લામિક સંગઠન ’દાવત-એ-ઈસ્લામી’ સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. તે 2014 માં કરાચી ગયો હતો. અત્યાર સુધીમાં અમે હત્યામાં સામેલ બે મુખ્ય આરોપીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.
વિચારધારાના ‘ઝેર’ સમાન મદરેસામાં અપાતા શિક્ષણ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવા કેરળના રાજ્યપાલની માંગ!!
ઉદયપુર હત્યાકાંડ બાદ ભડકેલા કેરળના રાજ્યપાલ આરિફ ખાને કહ્યું હતું કે મદરેસાઓમાં બાળકોને ખોટી તાલિમ મળી રહી છે. તેથી તેની પણ તપાસ થવી જોઇએ. તેઓએ કહ્યું હતું કે જે પણ ખોટી તાલિમ મળી રહી હોય તેની સામે આંખ આડા કાન ન કરી શકાય. ઉદયપુરમાં ક્ધહૈયાલાલ તેલીની નૂપુર શર્માને સમર્થન આપતી પોસ્ટ કરવા બદલ ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે ભડકેલા કેરળના રાજ્યપાલ આરિફ ખાને કહ્યું હતું કે જ્યારે આ પ્રકારના લક્ષણો સામે આવે છે ત્યારે આપણે ચિંતા તો કરીએ છીએ પણ મોટી બીમારી શું છે તેના પર કોઇ ધ્યાન નથી આપતું. તેઓએ દાવો કર્યો હતો કે મદરેસામાં જ બાળકોને એવુ ભણાવવામાં આવે છે કે ઇશનિંદાની સજા માથુ કાપી નાખવાની છે. આવો કાયદો ભગવાને ઘડયો હોવાનું જુઠ બોલીને બાળકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. તેથી મદરેસાઓમાં જે પણ શીખવવામાં આવી રહ્યું છે તેની પણ તપાસ થવી જ જોઇએ. દેશભરમાં આ હત્યાકાંડની ટીકા થઇ રહી છે.