યે આગ કબ બુઝેગી…

દુ:ખે છે પેટ-કુટે છે માથુ જેવો ઘાટ: કૃષિ ક્ષેત્ર, ખેડૂતો અને ખેતી સંલગ્ન સમસ્યાઓના ઉકેલ માટેની સાચી દિશાને અવળે પાટે ચડાવવાની કુટનીતિ કોણ રમી રહ્યું છે?

ખેડૂતો અને સરકાર વચ્ચે કૃષિ કાયદાની મડાગાંઠ આડે કેટલાક મહત્વના મુદ્દાઓનો અવરોધ ઉકેલાય તેવા પ્રયાસોમાં ક્યાંકને ક્યાંક કાચું કપાય છે

ઈલેક્ટ્રીસિટી એમેન્ડમેન્ટ બીલ, પંજાબમાં પરાળ સળગાવવાના મુદ્દાઓ સમાધાન આડે બની રહ્યાં છે ‘સ્પીડ બ્રેકર’

ખેડૂતો અને સરકાર વચ્ચેની મડાગાંઠમાં ત્રાહિત પરિબળોના હવનમાં હાડકા

કૃષિ પ્રધાન દેશના કૃષિ ક્ષેત્રને ૨૧મી સદીના વિશ્ર્વની રફતાર સાથે તાલ મિલાવવા માટે ખેતી અને ખેડૂતને આત્મનિર્ભર બનાવવાની આવશ્યકતાને લઈને ત્રણ નવા કૃષિ કાયદાના અમલ માટેની મથામણ ચાલી રહી છે ત્યારે ખેડૂત આંદોલન અને સરકાર વચ્ચેની મડાગાંઠ ઉકેલવાની મથામણ આજે વધુ એકવાર અસફળ રહે તેવા સંજોગો ઉભા થયા છે. ખેડૂત અને સરકાર વચ્ચેની મડાગાંઠના ઉકેલ માટેના પ્રયાસો વચ્ચે યે આગ કબ બુઝેગી જેવી સ્થિતિમાં આ આંદોલનનો અંત ક્યારે આવશે તે હવે અનિશ્ર્ચિત જેવી પરિસ્થિતિ સર્જી રહ્યું છે.

કેન્દ્ર સરકારે મોકલેલી દરખાસ્ત મુજબ ખેડૂતો સાથેની મીટીંગ ફરી એકવાર નિષ્ફળ જાય તેવી સંભાવના ઉભી થઈ છે. ખેડૂત સંગઠનોએ નવા કૃષિ કાયદાને કોઈપણ સંજોગોમાં રદ કરવાની માંગ યથાવત રાખી છે. સરકારે આ કાયદામાં જરૂરી ફેરફારની સાથે સાથે ઈલેકટ્રીસિટી એમેન્ટમેન્ટ બીલના મુદ્દે પણ ચર્ચા માટેની તૈયારી કરી છે. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય અને ખેડૂત સંગઠનો વચ્ચે નરેન્દ્રસિંહ તોમરના માધ્યમથી પિયુષ ગોયલ, અમિત શાહે આગળની રણનીતિ માટે પ્રયાસો શરૂ કર્યા છે.

કેન્દ્ર સરકારે ઈલેકટ્રીસિટી એમેન્ટમેન્ટ બીલ અન્ય મહત્વના મુદ્દાઓને લઈને બાંધછોડ કરવાની તૈયારી કરી રહી છે. સોમવારે વ્યાજબી ઉકેલની વાતચીત ચલાવવામાં આવી હતી. ત્રણ કૃષિ કાયદાઓના સુધારા, આંતર માળખાકીય સુવિધામાં વધારો અને લઘુતમ ટેકાના ભાવોને લઈને ખેડૂત જણસની ભાવ બાંધણાની વાત વહેતી મુકવામાં આવી છે. ખેડૂતોના હિતમાં ઈલેકટ્રીસિટી એમેન્ટમેન્ટ બીલ પડતું મુકવાની વાત મુકવામાં આવી છે. ખેડૂત સંગઠનોએ વધુ એકવાર સરકાર સમક્ષ ત્રણ કૃષિ કાયદામાં વાપસી અને ઈલેકટ્રીસિટી એમેન્ટમેન્ટ બીલ પાછુ ખેંચવાની માંગણી કરવામાં આવી છે.

ખેડૂત આંદોલન ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યાં છે પરંતુ બન્ને પક્ષો એકબીજા સામે પોતાની રણનીતિ ન બદલવા અડગ હોવાથી સમાધાનની હાલ પુરતી શકયતા દેખાતી નથી. બીજી તરફ એફસીઆઈ સરકાર વતી અનાજની ખરીદી કરે છે. ચોખ્ખા અને ઘઉંની ખરીદી હવે જોખમમાં મુકાય તેવો ખેડૂતોને ડર ઉભો થયો છે. ખેડૂતો માની રહ્યાં છે કે, નવા કાયદાના કારણે ઉત્પાદન પર નિયમનના કારણે એફસીઆઈ ખરીદનાર તરીકે છેલ્લો ઉપાય હોય તેનાથી મોટા પ્રમાણમાં અનાજનો ભરાવો થતાં ખેડૂતોના અહિતની ચિંતા છે. વિશ્ર્વના સૌથી મોટા અન્ન કલ્યાણ પરિયોજનાને ખેડૂતોના હિતનું કામ બનાવવામાં આવ્યું છે. એફસીઆઈ નેટવર્કમાં પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં ચોખા અને ઘઉંના પાક માટે પ્રોત્સાહન આપી રહ્યું છે ત્યારે એફસીઆઈ ૮૦૦ મીલીયનથી વધુ લાભકારોને અનાજ પહોંચાડી રહ્યું છે. દર મહિને ૩ રૂપિયા કિલો ચોખા અને ૨ રૂપિયા કિલો ઘઉંના ભાવે વિતરણ કરી રહ્યું છે. તેવા સંજોગોમાં ખરીદીના કારણે એફસીઆઈ પર માલનું ભારણ વધી રહ્યું છે.

૨૦૨૦ સુધીમાં એફસીઆઈના ગોડાઉનમાં ૪૧૧૨૨ મીલીયન ટન ઘઉંની જગ્યાએ બેવડો ભરાવો થઈ ગયો છે. સત્તાવાર અંદાજ મુજબ સરકારી ગોદામોમાં પડેલા અનાજની કિંમત ૩૯ અબજ ડોલર થવા પામી છે. એફસીઆઈ નિકાસ કરી શકતું ન હોવાના કારણે ચોખા અને ઘઉંની પડતર કિંમત વૈશ્ર્વિક બજારમાં સૌથી ઉંચે છે.

૧૯૬૦માં પંજાબ અને હરિયાણા હરીત ક્રાંતિમાં આગળ હતા. પરંતુ બે દાયકામાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ખેડૂતો એફસીઆઈને માલ આપવામાં આગળ નીકળી ગયા છે. ૨૦૨૦માં મધ્યપ્રદેશે એફસીઆઈને ૧૨૨.૪ મીલીયન ટન ઘઉંનું વેંચાણ કર્યું હતું. છત્તીસગઢમાં પણ મોટા પ્રમાણમાં ચોખાની ખરીદી થઈ હતી. એફસીઆઈનો ખર્ચ વધતો જાય છે. ચોખાની લઘુતમ કિંમતમાં ૭૩ ટકા અને ઘઉં ૬૪ ટકા મોંઘા થયા છે. વર્તમાન નાણાકીય વર્ષ માર્ચ ૨૦૨૧માં સરકારે એફસીઆઈને સબસીડીમાં રૂા.૧.૧૫ લાખ કરોડની ફાળવણી કરી છે પણ એફસીઆઈને આશરે ૨.૩૩ લાખ કરોડનો ખર્ચ થાય તેમ છે. કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન મફત અનાજ વિતરણનું ભારણ પણ એફસીઆઈને વધુ બોજરૂપ બનાવે છે. ખેડૂત આંદોલનને સમેટી લેવા માટે સમાધાનના પ્રયાસો વચ્ચે પણ આ મામલો હજુ યથાવત રહે તેવી આશંકા ઉભી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.