MD-MS તબીબોએ સુપ્રીમ સમક્ષ લગાવી ગુહાર: વર્ષ બગડે નહીં માટે કટ-ઓફ પર્સેન્ટાઇલમાં રાહતની કરી માંગ

મેડિકલ કાઉન્સેલિંગ કમિટી(એમસીસી) દ્વારા આયોજિત મોપ-અપ/સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન માટે લાયકાત મેળવવા અને હાજર રહેવા માટે લાયકાત ઘટાડવાની માંગ કરતી એમડી/એમએસ ડોકટરો દ્વારા કરાયેલી રિટ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે વિચારણા કરવા સંમત થઈ છે.
અરજીમાં કરાયેલી માંગ એડવોકેટ કરણજોતસિંહ મેની દ્વારા ચીફ જસ્ટિસ રમનાની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ મુકવામાં આવી હતી જેમાં ચીફ જસ્ટિસએ આ વાત જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ તેનો ઉલ્લેખ કરવા જણાવ્યું હતું.
ત્યારબાદ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને પીએસ નરસિમ્હાની બેન્ચ સમક્ષ અરજીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એવી જ રાહતની માંગ કરતી અરજીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અમે તાજેતરમાં એક અરજી કાઢી નાખી હતી. તે અરજી યુનિવર્સિટી દ્વારા કરાઈ હતી અને આ વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ છે, તેવો જવાબ એડવોકેટ દ્વારા અપાયો છે.
અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે મોટી સંખ્યામાં બેઠકો વ્યર્થ ન જાય તે સુનિશ્ચિત કરવા માટે યુનિયને ભૂતકાળમાં પાત્રતાના માપદંડોમાં સતત ઘટાડો કર્યો હતો, તેમ છતાં મહામારીની બીજી લહેરમાં ફરજિયાત કોવિડ ડ્યુટીનું વિસ્તરણ, પરીક્ષાની પેટર્નમાં ફેરફાર, જૂની પેટર્નમાં બદલાવ, નીટ-એસએસ પરીક્ષાનું સમયપત્રક અને પુનઃનિર્ધારણ, અરજદારોને કાયદેસરની અપેક્ષા હતી કે તેમના વરિષ્ઠોને આપવામાં આવતા લાભો તેમને પણ વિસ્તૃત કરવામાં આવશે.
અરજીમાં માંગ કરાઈ છે કે, કટ-ઓફ પર્સેન્ટાઇલમાં ઘટાડો લરવામાં આવે જેથી અગાઉ કોરોના કાળમાં અભ્યાસ નહીં કરી શકનાર તબીબો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે અને તેમનું વર્ષ બગડે નહીં.
એમડી/એમએસ ડોકટરોએ વધુમાં દલીલ કરી હતી કે કોવિડ અને અન્ય સંજોગોને લીધે સત્ર પહેલાથી જ મોડું ચાલી રહ્યું હતું અને આગામી નીટ પરીક્ષા ટૂંક સમયમાં યોજાવાની અપેક્ષા છે તેથી ઘણી બેઠકો ખાલી રહેવાની સંભાવના છે. હાલ સુપ્રીમ આ મામલે સુનાવણી કરવા સહમત થઈ છે જેથી આગામી દિવસોમાં કોઈ નવાજુની થાય તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.