સત્ર મોંઘવારી સહિતના મુદ્દે તોફાની બનવાના એંધાણ: 16 બિલો રજૂ થશે: કોંગ્રેસ 3 બિલો સામે નોંધાવશે વિરોધ
સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. મોંઘવારી સહિતના મુદ્દે આ સત્ર તોફાની બને તેવા એંધાણ મળી રહ્યા છે. બીજી તરફ આ સત્રમાં 16 બિલો રજૂ કરવામાં આવનાર છે. જેમાં 3 સામે વિપક્ષ વિરોધ પણ નોંધાવવાનું છે.
આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયુ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિયાળુ સત્ર પહેલા સંબોધન કરી શકે છે. શિયાળુ સત્ર દરમિયાન સંસદ 17 દિવસ સુધી કામ કરશે અને આ વખતે સરકાર આ સત્રમાં કુલ 23 બિલ પસાર કરવાની યોજના ધરાવે છે. આ 23 બિલોમાંથી, 16 નવા બિલ છે અને 7 જૂના છે જે છેલ્લા સત્રમાં એક ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યા છે.
ગૃહ પ્રધાન અમિત શાહ સંસદના શિયાળુ સત્રમાં આજે લોકસભામાં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (સુધારા) બિલ, 2022 રજૂ કરશે. આ સિવાય વિદેશ મંત્રી એસ જયશંકર એન્ટી મરીન પાઈરેસી બિલ, 2019 રજૂ કરશે. આ ઉપરાંત, વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતની વર્તમાન વિદેશ નીતિના અપડેટ્સ અને નવીનતમ વિકાસ વિશે ગૃહને માહિતગાર કરશે. તે જ સમયે, ઉદ્યોગ પરની સંસદીય સ્થાયી સમિતિ એમએસએમઇ અનુદાન પર પોતાનો અહેવાલ આપશે.
લોકસભામાં અલગથી હાજર રહેવા ઉપરાંત રાજ્યસભામાં વિદેશ મંત્રીનું નિવેદન રજૂ કરવામાં આવશે. તે જ સમયે, પર્યાવરણ પ્રધાન વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એમેન્ડમેન્ટ બિલ 2022 રજૂ કરશે, જે લોકસભા દ્વારા પસાર થઈ ચૂક્યું છે.
બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે ત્રણ બિલ, જૈવવિવિધતા સુધારા બિલ 2021, મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એમેન્ડમેન્ટ બિલ અને ફોરેસ્ટ ક્ધઝર્વેશન એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. પાર્ટીની માંગ છે કે આ બિલોને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવે.
સંસદના શિયાળુ સત્રમાં તાજેતરમાં જીવ ગુમાવનારા 9 નેતાઓ અને લોકસભા સભ્યો પ્રત્યે શોક વ્યક્ત કરવામાં આવશે. જેમાં સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ સામેલ છે. આ સિવાય લોકસભાના પૂર્વ સભ્યો છે, જેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં આવશે.
સરકારને અનેક મુદાઓ ઉઠાવી ઘેરવાનો પ્રયાસ કરશે વિપક્ષ
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર એક ડઝનથી વધુ બિલ પાસ કરાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ સરકારને ઘેરવાની પુરી તૈયારી કરી લીધી છે. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, જૂની પેન્શન યોજનાની પુન:સ્થાપના, આસામ-મેઘાલય સરહદ વિવાદ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવામાં આવશે.
શિયાળુ સત્રમાં કામકાજના 17 દિવસો રહેશે
શિયાળુ સત્ર 29 ડિસેમ્બર 2022 સુધી ચાલશે અને તેમાં કુલ 17 કામકાજના દિવસો હશે. પ્રથમ દિવસે, લોકસભા આંતર-સત્રના સમયગાળા દરમિયાન મૃત્યુ પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ આપશે. ઓક્ટોબરમાં અવસાન પામેલા સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવને પણ યાદ કરવામાં આવશે.