રાજકારણમાં “કાયમ” કોઈ મિત્ર કે દુશ્મન નથી હોતા,
ફક્ત વિચારધારા જ હોય છે!!
શહેનશાહના નિવાસ સ્થાને ત્રિપુટીની બેઠક મળી, 2-2 સભ્યોની કમિટી બનાવી સીટ શેરિંગ અને મેનિફેસ્ટો તૈયાર કરવાનું આયોજન ઘડ્યું
અબતક, નવી દિલ્હી : પંજાબમાં ભાજપ, કેપ્ટન અમરિન્દર સિંઘ અને સુખદેવ ઢીંડસાની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. આ રીતે પંજાબની ચૂંટણીની મોસમમાં ત્રણ પાર્ટીઓ એકસાથે આવવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સોમવારે આ જાણકારી આપી હતી. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંઘ ગૃહમંત્રી અમિત શાહના ઘરે પહોંચ્યા હતા. પંજાબમાં ગઠબંધન અંગેનો નિર્ણય અહીંની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
આ બેઠક દરમિયાન જેપી નડ્ડા, પંજાબ પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર હતા. આ બેઠકમાં જ ત્રણેય પક્ષો સાથે મળીને લડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી સીટ સમજૂતી પર ભાજપ કે કેપ્ટન અમરિંદર સિંઘ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પંજાબના બીજેપી પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે આજે ત્રણેય પક્ષોના વડાઓની બેઠક થઈ હતી.
જેમાં તમામ પક્ષોના 2-2 સભ્યોની કમિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કમિટી રાજ્યમાં સીટ શેરિંગ અને મેનિફેસ્ટો તૈયાર કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું કે પંજાબને લઈને ત્રણેય પક્ષો દ્વારા એક સામાન્ય ઢંઢેરો જારી કરવામાં આવશે. પંજાબની વિધાનસભા ચૂંટણી આ વખતે બહુકોણીય બની ગઈ છે. કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આ સિવાય અકાલી દળ અને બસપાએ ગઠબંધનમાં પ્રવેશ કર્યો છે.
બીજી તરફ, ભાજપ, કેપ્ટન અમરિંદર સિંહ અને સુખદેવ ઢીંડસાની પાર્ટીએ ત્રીજો મોરચો બનાવ્યો છે. તે જ સમયે, ખેડૂત સંગઠનોએ તેમની નવી પાર્ટી બનાવીને ચૂંટણીની મોસમમાં ઉતરવાનું નક્કી કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના પક્ષની મોટી અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી શકે છે.
ન હોય, પંજાબમાં 66 ટકા લોકો સરકાર બદલવા ઈચ્છે છે!!!
પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ચાલી રહેલી ગડમથલ વચ્ચે આપ તેનાથી આગળ નીકળી શકે છે. વોટર સર્વે અનુસાર, 32 ટકા લોકો આમ આદમી પાર્ટીના પક્ષમાં જતા હોય તેવું લાગે છે. સર્વે મુજબ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં પંજાબના લોકો પરિવર્તન માટે મત આપી શકે છે અને કોંગ્રેસ માટે આ કિલ્લો બચાવવો મુશ્કેલ બની શકે છે.વોટર સર્વે અનુસાર, 32 ટકા લોકો કેજરીવાલની પાર્ટી AAPની તરફેણમાં છે જ્યારે 27 ટકા લોકો કોંગ્રેસની તરફેણમાં છે. અકાલી દળની વાત કરીએ તો 11 ટકા લોકોને લાગે છે કે આ પાર્ટી સત્તામાં આવશે. જ્યારે છ ટકા લોકો માને છે કે ચૂંટણી પછી ત્રિશંકુ વિધાનસભા થઈ શકે છે.
આ સર્વેમાં બીજી એક વાત સામે આવી છે કે 21 ટકા લોકો કોઈની તરફેણમાં નથી જોઈ રહ્યા. નિષ્ણાતોના મતે આ 21 ટકા લોકો જે બાજુ જશે, તેમના દ્વારા સરકાર બની શકે છે. સી વોટરના સર્વેમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. જ્યારે જનતાને સરકાર બદલવાના પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે 66 ટકા લોકોએ કહ્યું કે તેઓ સરકાર બદલવા માંગે છે, જોકે 34 ટકા લોકો વર્તમાન કોંગ્રેસ સરકારથી ખુશ છે અને સરકાર બદલવાના પક્ષમાં નથી. એટલે કે કોંગ્રેસ હજુ પણ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.
તે જ સમયે, છેલ્લા સર્વેમાં, સીએમ ચન્નીની લોકપ્રિયતા અકબંધ હતી અને તેઓ લોકોની પસંદગીમાં નંબર વન હતા.ચન્ની સીએમ બન્યા બાદ કોંગ્રેસની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. ચન્ની દલિત હોવાના કારણે કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 117માંથી 77 સીટો જીતીને સત્તામાં વાપસી કરી હતી અને કેપ્ટન અમરિંદર સિંહને સીએમ બનાવ્યા હતા. કેટલાક મહિનાઓ પહેલા જ્યારે કેપ્ટને ધારાસભ્યોની નારાજગી સાથે અનેક વિવાદોને કારણે સીએમ પદ છોડવું પડ્યું હતું ત્યારે કોંગ્રેસ દ્વારા ચરણજીત સિંઘ ચન્નીને પંજાબની ગાદી સોંપવામાં આવી હતી.