રાજયમાં તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો: આવી વસ્તુઓ અંગે મુશ્કેલી નિવારવા ૨૪ડ૭ હેલ્પલાઈનનો પ્રારંભ
વિશ્ર્વભરનાં મોટાભાગના દેશોને પોતાના સકંજામાં લેનારા કોરોના વાયરસનાં કારણે અનેક દેશોમાં ટપોટપ મોત થઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અગમચેતીના ભાગરૂપે સુરક્ષાત્મક પગલા લઈને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા ૨૧ દિવસનો દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યો હતો. આ લોકડાઉન દરમ્યાન જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનોને ખૂલ્લી રાખવાની છૂટ અપાઈ હતી. પરંતુ, આવી ચીજ વસ્તુઓનું પરિવહન કરતા ભારે ટ્રાન્સપોર્ટ વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરાય હતી જેને લઈને બજારમાં ધીમે ધીમે મોટાભાગની જીવન જરૂરી ચીજ વસ્તુઓની તંગી દર્શાવવા લાગી હતી આ તંગીના કારણે અંધાધૂંધી ફેલાઈ તેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. જેથી સરકારે લોકોને તેમની સવલતો ઘર આંગણે મળે તોબહાર નીકળતા અટકે તેવી હકિકતને ધ્યાનમાં લઈને સરકારે જીવન જરૂરી ચીજ વસ્તુઓનાં વાહનો પરની પ્રવેશ બંધીને દૂર કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ અંગે દેશની તમામ રાજય અને કેન્દ્ર શાસીત પ્રદેશોની સરકારો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે અનાજ, કરીયાણા ફૂટ શાકભાજી દૂધ અને દુધના ઉત્પાદનો વગેર જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓનું એક રાજયમાંથી બીજા રાજયમાં ભારે ટ્રાન્સપોર્ટ વાહનો દ્વારા પરિવહન કરવામાં આવે છે. હાલમાં લોકડાઉનના કારણે દરેક રાજયો અને શહેરોમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. આ પ્રવેશ બંધીના કારણે આવી જીવન જરૂરી ચીજ વસ્તુઓનું પરિવહન અટકી જતા વિવિધ સ્થાનો પર તંગી ઉભી થવા લાગી છે. તંગીના કારણે લોકો ગભરાટમાં મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા હોય વેપારીઓ દ્વારા પણ કાળાબજાર કરીને ઉંચા ભાવે વસુલવામાં આવી રહ્યાની ફરિયાદો ઉઠવા પામી છે. જેથી આવી ચીજ વસ્તુઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં જળવાય રહે તે અતિ જરૂરી છે. જેથી આવી જીવન જરૂરી ચીજ વસ્તુઓનાં પરિવહન કરતા વાહનોને પ્રવેશ બંધીમાં મૂકિત આપવામાં આવી છે.
ઉપરાંત અનેક કારણોસર હોટલ કે રેટોરન્માંથી ભોજન મંગાવવા લોકોની હાલત પણ લોકડાઉનના કારણે જાહેર સ્થળો બંધ રખાતા કફોડી બની જવા પામી છે. જેથી આવા હોટલ કે રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવતા લોકો માટે તેમને ભોજનની હોમ ડીલેવરી થાય તે માટે ફુડની હોમ ડીલેવરી કરનારી કંપનીઓને છૂટછાટ આપવા ગૃંહમંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવી છે. આવી ફૂડની હોમ ડીલેવરી કરનારા લોકોને સ્થાનિક તંત્ર દ્વારા પાસ આપવા માટેની ભલમાણ કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયની આ છૂટછાટનો ઉદેશ્ય લોકડાઉનમાં ઘરે રહેલા લોકોને ઘર આંગણે તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડવાનોછે. જેથી સરકારનો આ પ્રયાસ લોક ડાઉનના કારણે થનારી અંધાધૂંધી અટકાવી શકાશે.
બાંધકામ ક્ષેત્રનાં ૩.૫ કરોડ મજૂરો માટે ૩૧ હજાર કરોડનું પેકેજ
દેશમાં ૨૧ દિવસનાં લોકડાઉનની સ્થિતિ સર્જાયા બાદ નાણા મંત્રાલય દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રને તથા રાજય સરકાર સાથે જોડાયેલા તમામ બાંધકામ ક્ષેત્રનાં બિલ્ડરોને તેમનાં મજુરો માટે રાહત પેકેજ આપવા માટેનો નિર્ણય લીધેલો છે. આ નિર્ણયનાં પગલે અંદાજે સાડા ત્રણ કરોડ મજુરોને ૩૧ હજાર કરોડ રૂપિયાનું પેકેજ ઘોષિત કરવામાં આવ્યું છે જેથી આ લોકડાઉન પીરીયડમાં તેઓને કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યાનો સામનો કરવો ન પડે. કોરોના વાયરસનાં પગલે જે રીતે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેનાથી તમામ કાર્યો ઠપ્પ થઈ ગયા છે અને તે કાર્યોમાં જોડાયેલા કર્મચારીઓ અને કારીગરોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. આ તમામ મુદાઓને ધ્યાને લઈ નાણા મંત્રાલય દ્વારા સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કારીગરોને તેમની જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ મળતી રહે. નાણા મંત્રાલયનાં સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ તમામ બિલ્ડર એસોસીએશનને તાકિદ કરવામાં આવી છે અને જણાવાયું છે કે, તેમના પાસે રહેલા જે સ્ટ્રેસ ફંડ અને કહી શકાય કે જે રીલીફ ફંડ રહેલું છે તેનો ઉપયોગ પૂર્ણત: કરવામાં આવે. આ અંગેની રજુઆત વિવિધ ક્ષેત્રનાં ઉધોગપતિઓ, રિયલ એસ્ટેટ ડેવલોપર દ્વારા કરવામાં આવી હતી અને તેઓને લોકડાઉન પીરીયડમાં આર્થિક રીતે મજબુત બનાવવા માટેની માંગણી કરવામાં આવી છે જેને નાણા મંત્રાલય દ્વારા સ્વિકારી અંદાજે ૩૧,૦૦૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરાયું છે.