લોકશાહીના ખરા આધાર ગણાતા તમામ વર્ગના છેવાડાના મતદારોના એક-એક મતનું મુલ્ય હવે કામે લાગશે, દેશનો કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા માટે ગોઠવાતો તખ્તો
મતદાર રાજા, મતદાન ધર્મ… વિશ્વનું સૌથી મોટુ લોકતંત્ર અને સંસદ અને વિધાનસભા લોકતંત્રના મંદિર… જેવા શબ્દો ભારતની લોકશાહી અને ભારતીયોને મળેલા મતાધિકાર અને સ્વતંત્ર્તાને સુગંધી ભાષાકીય અલંકારથી શોભાવીને વાપરવામાં આવે છે. પરંતુ ખરેખર ક્યાંકને ક્યાંક હજુ લોકતંત્રમાં જે મતદારોને લોકશાહીનો આધાર માનવામાં આવે છે તેવા છેવાડાના મતદારો અને સ્થળાંતરીત લોકોને મતાધિકાર આપવામાં ક્યાંકને ક્યાંક કચાસ રહી જતી હોય તેવું મેણુ હવે ભાંગશે તેવી આશા ઉભી થઈ છે. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે વિશ્ર્વના વિવિધ વિસ્તારોમાં વસતા ૧.૧૭ લાખ જેટલા બિનનિવાસી નાગરિકોને ઈ-વોટીંગથી ભારતીય લોકતંત્રમાં હિસ્સેદાર બનાવવાની વિદેશ મંત્રાલયની દરખાસ્તને લઈને બિનનિવાસી ભારતીયોના મતદાનના કવાયત બાદ હવે દેશમાં જ સામાજિક, આર્થિક કારણોસર વતનથી દૂર વસતા મતદારોને પોતાના વતનમાં દૂરથી મતદાન કરી શકે તે વ્યવસ્થા માટે કવાયત શરૂ થઈ હોય તેમ સરકારે માર્ચ મહિનાથી જ તમામ સ્થળાંતરીતોના સર્વેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. હાલ આ સર્વે તમામ સ્થળાંતરીતોની ચોકક્સ સંખ્યા અને સ્થિતિનો તાગ મેળવી વ્યવસ્થા ગોઠવવા માટેનો સર્વે માર્ચ મહિનાથી શરૂ કરવામાં આવશે.
સરકારે અખિલ ભારતીય વિસ્થાપિત કામદારો અને અખિલ ભારતીય સ્થાનિક લોકોના સર્વેનું મહાઅભિયાન આ વર્ષે માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયાથી શરૂ કરવાનું આયોજન કર્યું છે. વરિષ્ઠ શ્રમિક મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાતમાં જણાવાયું છે કે, આ સર્વેક્ષણનું માળખુ તૈયાર છે અને આ સર્વે માટે કર્મચારીઓને આવતા મહિનેથી તાલીમ આપવાનું પણ શરૂ કરી દેવાશે. ‘મેરા દેશ બદલ રહા હૈ’ મતદારોને ચૂંટણી દરમિયાન પોતાના મતાધિકાર વાપરવાની બંધારણીય અધિકારની જોગવાઈને સરળ બનાવવા માટે હવે દેશના સ્થળાંતરીત લોકો પણ પોતાના વતનથી દૂર હોય તો પણ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા આકાર પામી રહી છે. જે લોકો લોકતંત્રના ખરા આધાર ગણાય છે તેવા વંચિત, ગરીબ અને અસંગઠીત લોકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે તંદુરસ્ત લોકતંત્ર માટે આવશ્યક ગણાય છે પરંતુ ચૂંટણીના રાજકીય ખેલમાં જેવી રીતે વધુ મતદાન કરાવીને વિજય મેળવવામાં આવે છે તેવી જ રીતે કેટલાક ચોક્કસ મતદારોને મતદાનથી વંચિત રાખીને પણ રાજકીય ખેલ પાર પાડવામાં આવે છે. હવે આ પરિસ્થિતિ અને નકારાત્મક રાજકારણ અને લોકતંત્રના આધાર ગણાતા છેવાડાના મતદારોને મતદાનથી કોઈ સંજોગોમાં વંચિત ન રાખી શકાય તેવી વ્યવસ્થા આકાર પામી રહી છે. સરકારે તમામ સ્થળાંતરીતોનો સર્વે શરૂ કરાવવાની કવાયત હાથ ધરી છે. આવનાર દિવસોમાં જેવી રીતે વિદેશમાં વસતા એન.આર.આઈ. મતદારોને ઈ-ઈલેકટ્રો વોટીંગથી મતાધિકારના ઉપયોગની સવલત આપવાની તૈયારી થઈ રહી છે તેવી જ રીતે દેશના તમામ સ્થળાંતરીત મતદારો પણ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
વિસ્થાપિત કામદારોના સર્વેથી દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે રોજીરોટી કે સામાજિક કારણોસર વસેલા તમામ નાગરિકોની આંકડાકીય સ્થિતિનો તાગ મળશે અને આવા વિસ્થાપિતોની મુશ્કેલીઓ અને સમસ્યાઓની પણ સરકારને જાણકારી મળી જશે. ભારતના કુલ વસ્તીના ચાર ટકા જેટલી વસ્તી એક યા બીજી રીતે સરકારી ગણતરીમાં આવતી નથી અને તેનાથી છેવાડાના નાગરિકો સુધી સુવિધાઓ પહોંચાડવામાં અગવડ ઉભી થાય છે. હવે સરકાર દ્વારા તમામ નાગરિકોના સર્વેની નીતિનો અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે.
૨૦૧૬ના આર્થિક સર્વેમાં પ્રાપ્ત થયેલી વિગતો મુજબ દેશમાં ઓછામાં ઓછા ૧૦ કરોડ જેટલા લોકો વિસ્થાપિત રીતે વતનથી દૂર રહેતા હોય છે. આ વર્ગ દેશના અર્થતંત્રની સાથે સાથે લોકતંત્રમાં પણ ખુબ જ મહત્વના પરિમાણ ગણાય છે. પરંતુ દુ:ખની વાત એ છે કે, આ વર્ગ ઓજલ અને સરકારના વિકાસ અને લાભોથી દૂર રહે છે. અત્યાર સુધી આ વર્ગની ઉપેક્ષા થઈ છે. તેને ભૂતકાળ બનાવવા સરકારે હવે આયોજન બદ્ધ રીતે તમામ સ્થળાંતરીત નાગરિકોના સર્વેનું અભિયાન શરૂ કરવાનું આયોજન કર્યું છે. પ્રારંભીક ધોરણે ૧.૨૫ લાખ જેટલા પરિવારોને આ સર્વેમાં આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ૯ જેટલી પ્રાદેશીક ભાષાઓમાં હાથવગા ઉપકરણથી વિગતો મેળવવામાં આવશે.
મુખ્ય શ્રમિક મહાનિર્દેશક ડી.પી.એસ.નેગીએ જણાવ્યું હતું કે, અમે સંપૂર્ણપણે વિગતોનું ડિજીટલાઈઝેશન કરવાનું આયોજન કર્યું છે. જેનાથી આ વિગતો ભવિષ્યના નિતી વિષયક આયોજનમાં ઉપયોગી થાય. માર્ચ મહિનામાં શરૂ થનારૂ આ સર્વેના આંકડા ઓકટોબર ૨૦૨૧માં જાહેર કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અખિલ ભારત વ્યવસાયીક સંગઠનો અને પરિવહન સ્થળાંતરીત કામદારોની સાથે સાથે તમામ વર્ગની ગણતરી થશે.
ચૂંટણીમાં મતદાનની નજીવી ટકાવારી પણ પરિણામો ફેરવી શકે છે તો…
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં મતદારને લોકતંત્રના રાજા ગણવામાં આવે છે. ચૂંટણીમાં એક-એક મતની કિંમત હોય છે. તાજેતરમાં ઘણી ચૂંટણીઓમાં નજીવી ટકાવારીએ સત્તા પ્રાપ્તીના સમીકરણો ફરી ગયા. ચૂંટણીમાં મતદાનથી ચોક્કસ વર્ગને રોકીને ધાર્યા પરિણામોના ખેલ થાય છે. હવે એનઆરઆઈની સાથે સાથે સ્થળાંતરીતોને પણ મતદાનની સવલત આપવાની કવાયત જો અમલીય બને તો ભારતનું લોકતંત્ર ખરા અર્થમાં પારદર્શક અને મતદાર ખરા અર્થમાં રાજા બની જશે.
૨૦૨૪ની ચૂંટણીમાં એનઆરઆઈ અને સ્થળાંતરીત મતદારોને આવરી લેવા ગોઠવાતો તખ્તો
વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ૨૦૨૪ની ચૂંટણીમાં શકય છે કે, તમામ બિનનિવાસી ભારતીયોની સાથે સાથે સ્થળાંતરીત મતદારોને પણ મતદાનની સવલત મળી જાય. સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ૧.૧૭ લાખ જેટલા એનઆરઆઈને ઈ-ઈલેકટ્રો વોટની સુવિધા આપવા માટે કમરકસી છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વિશ્ર્વભરના બિનનિવાસી ભારતીયો મતદાન કરી શકશે અને સાથે સાથે એ પણ શક્ય છે કે, દેશમાં અલગ અલગ જગ્યાએ વતનથી દૂર વસતા તમામ સ્થળાંતરીતો પણ મતદાન કરી શકે. આ ભારતના લોકતંત્ર માટે એક વૈશ્ર્વિક ઉપલબ્ધી બની શકે.