૨૪ બેઠકોની પેટા ચૂંટણીમાં નેતૃત્વ મુદે ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવતા કોંગ્રેસી છાવણી ગેલમાં
થોડા સમય પહેલા મધ્યપ્રદેશના ગ્વાલિયરના મહારાજા જયોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસનો હાથ છોડીને કેસરીયો ધારણ કર્યો હતો. જેના પગલે કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કલનાથ સરકાર લઘુમતિમાં આવી જતા રાજીનામું આપ્યું હતુ જે બાદ આ રાજીનામા આપનારા ૨૨ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. ટુંક સમયમાં મધ્યપ્રદેશમાં આ બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાનારી છે. ત્યારે આ ચૂંટણી સિંધિયાની આગેવાનીમા લડવાની આ કોંગ્રેસી બળવાખોરો માંગ કરી રહ્યા છે. જેથી કોંગ્રેસ બાદ ભાજપમાં મહારાજાઓની સર્વોપરીતા સ્થાપવા મોનોજંગ શરૂ થયો હોય મધ્યપ્રદેશમા તખ્તો બદલાય તેવી સંભાવના રાજકીય પંડીતો વ્યકત કરી રહ્યા છે.
આઝાદી બાદ પણ મધ્યપ્રદેશમાં રજવાડાઓનો દબદબો યથાવત રહેવા પામ્યો છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદે અનેક પૂર્વ મહારાજાઓ શોભાવી ચૂકયા છે. દાયકાઓથી આ રાજયમાં ઠાકુરો અને ઓબીસી સમાજ વચ્ચે ચૂંટણીઓમાં સર્વોપરીતા સાબિત કરવા જંગ ખેલાતો રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે પાતળી બહુમતિ મેળવી હતી. જે બાદ ઓબીસી સમાજના કમલનાથ અને મહારાજા જયોતિરાદિત્ય સિંધિયા વચ્ચે મુખ્યમંત્રી બનવા માટે ખેંચાખેંચી થઈ હતી. કોંગ્રેસે જયોતિરાદિત્યને કેન્દ્રમાં લઈ જવાની ખાત્રી આપીને કમલનાથને મુખ્યમંત્રી બનાવ્યા હતા પરંતુ, લોકસભાની ચૂંટણીમાં જયોતિરાદિત્ય તેની પરંપરાગત બેઠક પરથી હારી જતા તેમને કમલનાથએ હરાવ્યાની શંકા હતી.
જે બાદ કમલનાથ અને સિંધિયા વચ્ચે સર્વોપરીતા માટે જંગ ચાલ્યો હતો. કોંગ્રેસે હાઈકમાન્ડે આમુદે કોઈ કાર્યવાહી ન કરતા જયોતિરાદિત્યએ કોંગ્રેસનો હાથ છોડી કેસરીયા કર્યા હતા જેથી, તેમના સમર્થક ૨૨ ધારાસભ્યોએ ધારાસભ્ય પદે રાજીનામા આપી દીધા હતા આ રાજીનામા સ્વીકારવાના મુદે અનેક રાજકીય જંગ થયા બાદ કમલનાથે પોતાની હાર સ્વીકારીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતુ કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યો એ આપેલા રાજીનામાથી ખાલી પડેલી ૨૨ બેઠકો અનેબે ધારાસભ્યોના અવસાનથી ખાલી પડેલ બે બેઠકો એમ કુલ ૨૪ બેઠકો પર આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાનારી છે.
ભાજપમાં ગયેલા સિંધિયા સમર્થક કોંગ્રેસના ૨૨ પૂર્વ ધારાસભ્યો અને આગેવાનો આ પેટા ચૂંટણી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની આગેવાનીમાં નહી પરંતુ જયોતિરાદિત્ય સિંધિયાની આગેવાનીમા લડવાની માંગ કરવા લાગ્યા છે. જેથી ભાજપમાં મહારાજાની સર્વોપરિતા સ્થાપવાની દોહ લાગી છે. પેટા ચૂંટણી પહેલા ભાજપનું ઘર સળગતા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભાજપની ચૂટકી લીધી છે. કમલનાથે આ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ૨૨ પૂર્વ ધારાસભ્યો સ્વસ્થતા અનુભવતા ન હોવાનું જણાવીને કોરોના વાયરસ સામેના જંગ અને લોકડાઉનમાં યોગ્ય કાર્યવાહી કરવામાં શિવરાજસિંહ ચૌહાણ સરકાર નિષ્ફળ ગયાનો આક્ષેપ કર્યો હતો. જેથી મધ્યપ્રદેશના રાજકારણમાં પેટા ચૂંટણી પહેલા ગરમી આવી જવા પામી છે.
૨૩૦ બેઠકો વાળી મધ્યપ્રદેશ વિધાનસભાનું હાલ ભાજપ પાસે ૧૦૭ અને કોંગ્રેસ પાસે ૯૯ ધારાસભ્યોનું સંખ્યાબળ છે ૨૪ બેઠકો માટે પેટા ચૂંટણી આગામી સમયમાં થનારી છે. આ પેટા ચૂંટણીમાં જે પક્ષ વધારે બેઠકો મેળવશે તે આગામી સમયમાં સતા પ્રાપ્ત કરી શકશે જેથી બંને પક્ષો આ પેટા ચૂંટણીમાં વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવનારા છે. ત્યારે સર્વોપરીતાના મુદે ભાજપમાં શરૂ થયેલો આંતરિક વિખવાદ પેટા ચૂંટણીમાં વિજય મેળવવાના ભાજપના સ્વપ્નાઓમાં વિઘ્નરૂપ બને તેવી સંભાવના રાજકીય પંડીતો વ્યકત કરી રહ્યા છે. જેથી મધ્યપ્રદેશમાં મહારાજાઓની સર્વોપરીતા સ્થાપવાની મહેચ્છા ફરી તખ્તો બદલાવશે કે કેમ? તે ચર્ચાનો વિષય બન્યો છે.