દેશ-વિદેશના ચલણો કોરોના વાયરસના કારણે જોખમમાં મુકાયા: શું સોના-ચાંદી છેલ્લો ઉપાય
ઘર આંગણે ડોલર સામે રૂપિયો નબળો પડતા અને અત્યાર સુધીની નીચી સપાટીએ પહોંચતા અહીં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો મર્યાદિત
કોરોના વાયરસના પગલે વિશ્ર્વભરના શેરબજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અર્થતંત્ર ઉંધેકાંધ પટકાયા છે. ક્રુડના ભાવ પણ સતત નીચે સરકી રહ્યાં છે. આવા સંજોગોમાં રૂપિયો સતત ગગડી રહ્યો હોવાની નજીકના ભવિષ્યમાં પણ આવી સ્થિતિ રહેશે તો પસ્તી થઈ જશે તેવો ઘાટ ઘડાયો છે. વર્તમાન સમયે ડોલર સામે રૂપિયો ગગડી ૭૫ નજીક પહોંચી જતાં ભારતનું અર્થતંત્ર લગભગ ડહોળાઈ ગયું હોય તેવું ફલીત થાય છે.
એક તરફ વૈશ્ર્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે ત્યારે એક દેશથી બીજા દેશ વચ્ચેના આર્થિક વ્યવહારોમાં સોના ચાંદી જેવી મોંઘી ધાતુ મહત્વનો ભાગ ભજવશે કે કેમ તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે. રૂપિયો સતત તૂટી રહ્યો હોવાના કારણે ભારત મુશ્કેલીમાં છે. આવું જ અન્ય દેશો સાથે પણ બની રહ્યું છે. યુરોપનું ચલણ પણ પડી ભાંગ્યું છે. ચીન અને જાપાનની કરન્સીમાં પણ ભારે ડામાડોળ જેવી સ્થિતિ જોવા મળી છે. લગભગ તમામ કરન્સી ઐતિહાસિક નીચા સ્તરે પહોંચી જતા રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે.
ડોલર સામે રુપિયો ગબડીને ૭૫ રુપિયાની નજીક પહેંચી જતા ભારતીય કંપનીઓ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. છેલ્લા કેટલાક સમયથી રુપિયો નબળો ચાલી રહ્યો છે પરંતુ આજનું તેનું ધોવાણ ચિંતાનો વિષય બન્યો છે. રુપિયો ૭૫.૧૦ના ઐતિહાસિક નીચા સ્તરે ગયો હતો. આજે તે ૮૪ પૈસા તૂટયો હતો.
વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં કિંમતી સોનાચાંદીના ભાવમાં ગઈકાલનો ઉછાળો આજે ટકી શકયો નહતો. વૈશ્વિક ફન્ડવાળા રોકાણ સાધન તરીકે હવે ગોલ્ડને બદલે ડોલર તરફ વળી રહ્યા હોવાને કારણે પણ વિશ્વ બજારમાં ગોલ્ડ દબાયું હતું. જો કે ઘર આંગણે ડોલર સામે રૂપિયો નબળો પડતા અને અત્યાર સુધીની નીચી સપાટીએ પહોંચતા અહીં સોનાચાંદીના ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. ચાંદીની ટેરિફ વેલ્યુમાં સરકારે આજે નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે જ્યારે સોનાની ટેરિફ વેલ્યુ યથાવત રાખી છે. ચીનમાં કોરોના વાઈરસની અસર હળવી થઈ રહી છે અને સામાન્ય જનજીવન તથા વેપાર કામકાજ ધીમી ગતિએ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે જેને કારણે ક્રુડ ઓઈલમાં ઘટાડો અટકયો છે.