ગુજરાતમાં જાતિ-ધર્મ આધારિત મતદાન વધુ થતુ હોવાના એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ દ્વારા થયેલા અભ્યાસના તારણો: લોકો ઉમેદવાર કરતા લ્હાણીના આધારે વધુ મતદાન કરતા હોવાનો રિપોર્ટ
વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીગ્નેશ મેવાણીના કારણે પરિણામો અલગ જ આવે તેવી સંભાવના છે. અત્યાર સુધી તો ચૂંટણી વિકાસવાદ ઉપર લડાતી હતી પરંતુ હવે જ્ઞાતિ-જાતિવાદનો ભોરીંગ ચૂંટણીના પરિણામો નક્કી કરે તેવી શકયતા છે.
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ દ્વારા કરવામાં આવેલા સર્વેના તારણો મુજબ મતદાન માટે ઉમેદવાર કરતા લ્હાણીના આધારે વધુ લોકો મતદાન કરે છે. ચોંકાવનારી રીતે ગુજરાતના લોકો જાતિ-ધર્મના આધારે મતદાન કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં લોકોની મતદાન કરવાની પેટર્નમાં જાતિ-ધર્મ ટોપ પર આવે છે. ત્યારબાદ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના ઉમેદવાર કોણ છે તેના આધારે લોકો મતદાન કરતા હોય છે. જયારે આ કેટેગરીમાં ઉમેદવાર છેલ્લે આવે છે. આમ ઉમેદવાર કોઈ પણ હોય ચાલે પરંતુ તે સિવાયના પરિબળો મતદાન માટે મહત્વનો ભાગ ભજવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ સર્વેમાં સમગ્ર દેશમાં ૨.૭૦ લાખ મતદારોને આવરી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ તમામ ૨૬ લોકસભાની બેઠકોને આવરી સર્વે હાથ ધરાયો હતો. જેમાં ગુજરાતની જનતા માટે અગત્યના ૧૦ પ્રશ્નો અલગ તારવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના મતદારો મત આપતી વખતે કઈ બાબતને પ્રાધાન્ય આપે છે તેનો પણ સર્વે કરાયો હતો. ગુજરાતની જનતા માટે અગત્યના પ્રશ્નોની વાત કરીએ તો શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર માટે ટોપ પર રોજગારીનો પ્રશ્ન હતો. આ ઉપરાંત રોડ, રસ્તા, વીજળી, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટેકાના ભાવ, મહિલાઓની સુરક્ષા જેવી બાબતોને સમાવેશ થાય છે. ગુજરાતના લોકો મત આપતી વખતે કઈ બાબતને પ્રધાન્ય આપે છે તે અંગે કરાયેલા સર્વેમાં ટોપ પર જાતિ-ધર્મ છે. ગુજરાતના લોકો જાતિ-ધર્મના આધારે મતદાન કરતા હોવાનું સર્વેના તારણ પરથી સ્પષ્ટ થાય છે. આ માટે લોકો પાસેથી વિગતો એકત્ર કરાઈ હતી. જેમાં જાતિ-ધર્મને ૧૦માંથી ૮.૨૭ અંક મળ્યા હતા. ત્યાર બાદ બીજા ક્રમે વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના ઉમેદવાર કોણ છે તેના આધારે મતદાન થાય છે તેવું તારણ બહાર આવ્યું છે. ત્રીજા ક્રમે પક્ષ અને ચોથા ક્રમે બક્ષિસ-પૈસાનો હતો. જયારે બેઠક પર ઉમેદવાર કોણ છે તે સૌથી છેલ્લે આવ્યો હતો. આમ, ઉમેદવારની લાયકાત મતદાન માટે બહુ મહત્વ રાખતી ન હોવાનું આ સર્વે પરથી સાબિત થાય છે.
ગુનાહીત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને પણ લોકો કેમ મત આપે છે તે અંગે સર્વેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ૮૦ ટકા લોકો એવું માને છે કે તેમની પર દાખલ થયેલો કેસ ગંભીર પ્રકારનો નથી માટે મત આપે છે. જ્યારે ૬૫ ટકા લોકોને તો ખબર જ નથી કે તેમની સામે કયા ગુના છે. જ્યારે ૭૨ ટકા લોકો ગુનાહીત ઈતિહાસ હોવા છતાં જાતિ અને ધર્મના આધારે તેમને મત આપે છે. ૭૦ ટકા લોકો ઉમેદવારે સારૂ કામ કર્યુ હોઈ મત આપતા હોવાનું જણાવ્યું હતું.