ઉદ્યોગોમાં સ્થાનિકોને ૮૦ ટકા નિમણૂંકનો રૂપાણી સરકારનો પ્રયત્ન એળે જશે?
પ્રાંતવાદનું ઝેર હવે સ્થાનિકોની રોજી-રોટી છીનવી બેકાર બનાવે તેવી ભીતિ ઉભી થઈ છે. હાલ પરપ્રાંતિયો સામેના હુમલાને રાજકિય રંગ આપવામાં આવી રહ્યો છે. શાંતીપ્રિય ગુજરાતને બદનામ કરવાનો હિન પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં લોકોને પુરતી રોજગારી મળે તે માટે રૂપાણી સરકારે ઉધોગોમાં ૮૫ ટકા સ્થાનિકોની ભરતીનો કરેલો વિચાર પડતો મુકવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
રાજયમાં યુવાનોને રોજગારીની બહોળી તકો મળી રહે તે માટે ઉધોગોમાં ૮૫ ટકા નોકરીઓ સ્થાનિકોને આપવામાં આવે તેવા ધારાધોરણો ઘડી કાઢવાની તૈયારીઓ ચાલતી હતી જે દરમિયાન વર્તમાન સમયમાં પરપ્રાંતિયો સામેના હુમલાના બનાવોને રાજકીય રૂપ આપી દબાણ લાવવાનો પ્રયાસ થયો છે. પરીણામે હવે રાજય સરકાર આ વિચાર પડતો મુકી શકે તેવી સ્થિતિ છે. જેનાથી ભવિષ્યમાં સ્થાનિક યુવાનોને મળનારી પ્રાથમિકતાનો વિકલ્પ જ રહેશે નહીં. સુત્રોના જણાવ્યા મુજબ અત્યારે તો સરકાર કાયદાકિય સલાહ લઈ રહી છે. અન્ય રાજયની સરકારોની પોલીસી અંગે અધ્યયન કરી રહી છે.
આ મામલે શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના જણાવ્યા અનુસાર ગુજરાતીઓને વધુમાં વધુ રોજગારીની તકો મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. જો ઉધોગોને સરકાર તરફથી જમીન, પાણી અને ફાયનાન્સીયલ રાહતો મળતી હોય તો સ્થાનિકોને વધુને વધુ રોજગારી મળી રહે તેવી આશા પણ સરકાર રાખી શકે. સરકાર એવા જ ઉધોગોને સહાય કરશે જે સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપશે. પ્રાંતવાદના ઝેરના કારણે ગુજરાતના ઔધોગિક એકમોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ઉધોગોમાં મોટાભાગે પરપ્રાંતિયો મજુરી સાથે જોડાયેલા હોય છે. વર્તમાન સમયમાં પરપ્રાંતિયો સામે થતા હુમલાથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો પોતાના રાજયમાં પરત ફરી રહ્યા છે. પરીણામે ઉધોગોને મુશ્કેલી પડી રહી છે.
પરપ્રાંતિયો ઉપર થતા હુમલા મામલે રાજયની પોલીસ સતર્ક થઈ છે. સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસે ૧૨૦ એકાઉન્ટ શોધી કાઢયા છે. જેમાં પરપ્રાંતિયો સામે ઝેર ઓકવામાં આવતું હોય આવા એકાઉન્ટ સામે પગલા ભરવામાં આવનાર છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પરપ્રાંતિયો ઉપરના હુમલામાં પોતાનો હાથ ન હોવાનો બચાવ કર્યો છે. પરપ્રાંતિયોની વિરુઘ્ધમાં વાઈરલ થયેલા વિડીયો બાદ હવે અલ્પેશ ઠાકોરથી દુર રહેવાનો પ્રયાસ રાજકિય અને સામાજીક નેતાઓ કરી રહ્યા છે.
જોકે રાજયમાં પ્રાંતવાદના ધોળાયેલા ઝેર વચ્ચે ગુજરાતના ઉધોગપતિઓની માનવતા મહેકી છે. પરપ્રાંતિયોને હુમલાથી બચાવવા માટે ૬૦૦૦ પરપ્રાંતીયોને આણંદમાં ઉધોગોએ છત આપી રક્ષણ આપ્યું છે. ઘણા પરપ્રાંતિયોને રક્ષણ આપવા માઉન્ટ આવુ અને શિરડી મોકલી દેવામાં આવ્યા છે.
રાજકોટમાં વસતા પરપ્રાંતિય પરિવારની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત
થોરાળા અને આજી વસાહતમાં ડીસીપી સૈનીએ રૂબરૂ મુલાકત લઇ હૈયાધારણા આપી
સાંબરકાંઠમાં માસુમ બાળકી પર પરપ્રાંતિય શખ્સે આચરેલા દુષ્કર્મની ઘટના પગલે રાજકોટમાં વસતા પરપ્રાંતિય પરિવારની સુરક્ષા માટે ડીસીપી રવિ મોહન સૈનીએ થોરાળા અને આજી વસાહતની રૂબરૂ મુલાકાત લઇ પરપ્રાંતિય પરિવારની સલામતી માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સાબરકાંઠાની હેવાનિયતની ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડયા છે અને નિર્દોષ પરપ્રાંતિય પરિવાર પર હુમલાની ઘટનાના બનાવ બનતા અટકાવવા રાજયભરની પોલીસ સાબદી બની પરપ્રાંતિય પરિવારની સુરક્ષા માટે વ્યવસ્થા ગોઠવવા રાજયના પોલીસ વડાના આદેશના પગલે રાજકોટ શહેરમા પરપ્રાંતિય પરિવાર પર વિના કારણે હુમલા ન થયા તે માટે ચાપ્તો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ડીસીબી રવિમોહન સૈનીએ શહેરના થોરાળા અને આજી વસાહતમાં પરપ્રાંતિય પરિવારો વસવાટ કરતા હોવાથી ડીસીપી રવિ મોહન સૈનીએ બંને વિસ્તારના પી.આઇ. એસ.એન.ગડુ અને વાઘેલાને સાથે રાખી મુલાકાત લીધી હતી અને તેમના પર હુમલો નહી થાય તેવી હૈયાધારણા આપી કામ ધંધો કરવા સલાહ આપી હતી તેમજ તેમને કોઇ ભય જણાય ત્યારે તુરંત પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. બંને વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે.