અબજોની કિંમતની જમીનોનું ગૂંચવાતું કોકડું સરકારી તંત્ર માટે પણ માથાના દુખાવા સમાન: પૂર્વ રાજવીએ વેચેલી જમીન બેથી ત્રણ પાર્ટી પાસે ફરીને જેમની પાસે આવી તેઓને રેલો પડતા પરિસ્થિતિ જોવા જેવી થઈ
પૂર્વ રાજવીએ આઝાદી પછી વેચાણ કરેલી મિલકતો કાયદેસર ઠરશે કે કેમ તેવો સોમણનો સવાલ વર્તમાન પરિસ્થિતિમાં ઉદ્દભવીત થઈ રહ્યો છે. અબજોની કિંમતની જમીનનું કોકડું હાલ એવી રીતે ગૂંચવાઈ રહ્યું છે કે તે તંત્ર માટે પણ માથાના દુખાવા સમાન બની રહ્યું છે. પૂર્વ રાજવીએ વેચેલી જમીન બેથી ત્રણ પાર્ટી પાસે ફરીને જેમની પાસે આવી તેઓને રેલો પડતા પરિસ્થિતિ જોવા જેવી થઈ છે. હાલ તો આ મામલે વેઇટ એન્ડ વોચ જ એકમાત્ર રસ્તો બચ્યો છે.
રાજકોટમાં એક પૂર્વ રાજવીએ ભૂતકાળમાં મોટા પ્રમાણમાં જમીનનું વેચાણ કર્યું હતું. આ વેચાણ વર્ષ ૧૯૪૯માં થયું હોય જેથી આ વેચાણ થયેલી મિલકતો લોચામાં મુકાંઈ ગઈ છે. વીરાણી અઘાટ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, કોઠારીયા સહિતની જગ્યામાં જમીનના પ્રકરણ પેચીદા બની ગયા છે. આ જગ્યાઓએ આવેલી અબજોની કિંમતની જમીન વર્ષ ૧૯૪૯માં પૂર્વ રાજવીએ વેચી નાખી હતી. તેના સ્ટેટના દસ્તાવેજ પણ ખરીદનારને આપ્યા છે. પણ હવે એ દસ્તાવેજ ચાલે કે કેમ તેના ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે.
પૂર્વ રાજવીએ વેચાણ કરેલી આ જમીનના પ્રકરણ વ્યાપક પ્રમાણમાં કલેક્ટરમાં ચાલી રહ્યા છે. જે કલેક્ટર તંત્ર માટે પણ માથાના દુખાવા સમાન બની ગયા છે. ખાસ કરીને બામણબોર અને વાવડી પ્રકરણએ વહીવટી તંત્રને ભારે માથાનો દુખાવો આપ્યો છે. આ પ્રકરણ છેક ગાંધીનગર સુધી પણ પહોંચ્યા છે. આમ પૂર્વ રાજવીએ વેચાણ કરીને દસ્તાવેજ કરી આપ્યા તે દસ્તાવેજ માન્ય રહે છે કે કેમ તેના ઉપર પ્રશ્નાર્થ હોય તંત્ર પણ મૂંઝવણમાં મુકાઈ ગયું છે. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ આ દસ્તાવેજને માન્ય ન રાખવામાં આવે તેના આધારે તંત્ર નિર્ણય કરી રહ્યું છે.
આઝાદી મળ્યા બાદ પૂર્વ રાજવીને મિલકત વેચવાનો કોઈ હક્ક નહિ?
આ પ્રકરણમાં એક મુદ્દો એવો પણ ઉછળી રહ્યો છે કે વર્ષ ૧૯૪૭માં દેશને આઝાદી મળી હતી. ત્યારે રાજવીઓએ સ્વેચ્છાએ પોતાની મિલકતો સરકારને સોંપી દીધી હતી. હવે ત્યારબાદ મિલકતને વેચીને તેના દસ્તાવેજ બનાવી આપવામાં આવ્યા હોય તો તે દસ્તાવેજ કઈ રીતે માન્ય ગણવા. ચર્ચાતી વિગત મુજબ આઝાદી મળ્યા બાદ પૂર્વ રાજવીને મિલકત વેચવાનો કોઈ હક્ક નથી.
ગણતંત્રની સ્થાપના ૧૯૫૦માં, તે પૂર્વે સ્ટેટની મિલકત રાજવીઓની જ ગણાય?
આ પ્રકરણમાં એક મુદ્દો એવો પણ ચર્ચાઈ રહ્યો છે કે ભારતને આઝાદી ૧૯૪૭માં મળી હતી. પણ ગણતંત્રની સ્થાપના ૧૯૫૦માં થઈ હતી. એટલે ગણતંત્રની સ્થાપના પૂર્વે સ્ટેટની મિલકત રાજવીઓની જ ગણાય. આ પ્રકરણમાં પૂર્વ રાજવીનું પણ એવું જ કહેવું છે કે ૧૯૫૦ સુધી તેઓ મિલકતના માલિક ગણાતા હતા. ૧૯૪૯માં તેઓએ જમીનનું વેચાણ કર્યું તે કાયદેસર જ છે.