ગાંધી પરિવારના ટ્રસ્ટોમાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન થયું છે કેમ? તેની તપાસ કરવા ખાસ સમિતિ રચાઈ
જનસેવાના નામે રાજકારણમાં આવતા રાજકારણીઓ સમાજમાં માનદ્સેવા આપતા હોવાનું કહેવાય છે. પરંતુ આવી માનદ સેવા આપતા રાજકારણીઓ ટુંકા સમયમાં અબજો રૂા.ની આર્થિક સમૃધ્ધિમાં આળોટતા થઈ જાય છે. માત્ર એટલુ નહી રાજકારણમાં પોતાનું વર્ચસ્વ જળવાય રહે તે માટે સમયાંતર લખલૂંટના ખર્ચે મોટા તાપફાઓ અને ચૂંટણીમાં કરોડો રૂા.ના ખર્ચાઓ કરતા હોય છે. ત્યારે લોકોના પ્રશ્નાર્થ ઉભા થાય છે કે માનદ સેવા કરતા રાજકારણીઓ પાસેથી અબજો રૂા. આવે છે. કયાંથી ? આવો જ એક પ્રશ્નાર્થ તાજેતરમાં ગાંધી પરિવારનાં ટ્રસ્ટોના ફંડ પર ઉઠવા પામ્યો છે. કેન્દ્રની મોદી સરકારેઆ ટ્રસ્ટોના ફંડની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. જેની આ તપાસ કોંગ્રેસ પક્ષની આર્થિક કરોડરજજુ ભાંગી નાખવા થઈ છે કે કેમ? તેવી ચર્ચાઓ રાજકીય પંડીતોમાં જોર પકડયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બુધવારે કોંગ્રેસ સાથે સંકળાયેલ ૩ એનજીઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટમાં કાયદાકીય જોગવાઇઓના ઉલ્લંધન માટે આંતરમંત્રાલય સમિતિની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના પ્રવક્તાએ બુધવારે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ઇન્કમટેક્સ એક્ટ, ફોરેન ક્ધટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટ જેવા વિવિધ કાયદાઓના કરાયેલા ઉલ્લંઘનની તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એક આંતરમંત્રાલય સમિતિની રચના કરાઇ છે. આ સમિતિનું નેતૃત્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સ્પેશિયલ ડિરેક્ટર કરશે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હવાલા દ્વારા મેળવાતા નાણાં અંગેના કેસો પર લાગુ થાય છે જ્યારે ફોરેન ક્ધટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત વિદેશમાંથી મેળવાયેલા ભંડોળના કેસોની તપાસ થતી હોય છે. ૧૫ દિવસ પહેલાં ભાજપે આરોપ મૂક્યા હતા કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીની દૂતાવાસ દ્વારા ડોનેશન અપાયું હતું. લદ્દાખમાં એલએસી ખાતે ચીન અને ભારતની સેનાઓ વચ્ચે સર્જાયેલા સરહદી વિવાદ મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકાર પર કરાતા આરોપના જવાબમાં ભાજપે કોંગ્રેસ પર ચીન પાસેથી ડોનેશન લેવાનો આરોપ મૂક્યો હતો.
થોડાં વર્ષ પહેલાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીની દૂતાવાસ દ્વારા ડોનેશન અપાયું હોવાનો આરોપ મૂકતાં કેન્દ્રીયપ્રધાન રવિશંકર પ્રસાદે સવાલ કર્યો હતો કે શું ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર કરારના લોબિંગ માટે ચીન દ્વારા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને લાંચ પેટે ડોનેશન અપાયું હતું? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આરોપ મૂક્યો હતો કે, ૧૯૯૧માં મનમોહનસિંહે બજેટમાં રાજીવગાંધી ફાઉન્ડેશન માટે રૂપિયા ૧૦૦ કરોડની ફાળવણી કરી હતી.
૧૮ વર્ષની નિવૃતિ બાદ ગુજરાત કેડરનાં આઈએએસ સંજય ગુપ્તાની મિલકતને ઈડીએ ટાંચમાં લીધી
૧૯૮૫ બેચના ગુજરાત કેડરનાં આઈએએસ સંજય ગુપ્તા વર્ષ ૨૦૦૨માં તેમની ફરજ ઉપર નિવૃત થયા હતા પરંતુ તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન અનેકવિધ રીતે ગેરરીતી આચરી હતી. સંજય ગુપ્તાનું નામ મેટ્રો લીંક એકસપ્રેસ પ્રોજેકટમાં પણ સામે આવ્યું છે. તેમનાં ઉપર હવાલા કૌભાંડને લઈ પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સેવા નિવૃતિનાં ૧૮ વર્ષ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ એટલે કે ઈડીએ કરોડો રૂપિયાની મિલકતને ટાંચમાં લીધેલી છે. ગત વર્ષે ઈડીએ ૩૬.૧૨ કરોડ રૂપિયાની પ્રોપર્ટી કે જે સંજય ગુપ્તા અને તેમના પરિવારનાં નામે હતી તેને ટાંચમાં લીધેલી હતી જે પ્રોપર્ટી એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ દ્વારા હસ્તગત કરવામાં આવી છે તેમાં ભૂતપૂર્વ આઈએએસ સંજય ગુપ્તાનો નોઈડામાં ફલેટ, દહેજમાં આવેલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ, થલતેજમાં હોટલ કેમ્બે સહિતની અનેકવિધ મિલકતોને ઈડીએ હસ્તગત કરી છે. ભૂતપૂર્વ આઈએએસ સંજય ગુપ્તાએ ઘણીખરી બોગસ કંપનીઓ ઉભી કરી બોગસ દસ્તાવેજોને પણ ઉભા કર્યા છે જેમાં ખોટી પેઢી ઉભી કરી ઘણાખરા બેંક એકાઉન્ટો પણ ખોલવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મેગા એટલે કે મેટ્રો લીંક એકસપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની લીમીટેડનાં બોગસ બીલો પણ ઉભા કરવામાં આવ્યા હતા અને આરોપ પણ લગાવવામાં આવ્યો હતો કે, તેઓએ તેમનાં પાવરનો ખોટો ઉપયોગ કરી આ તમામ ગેરરીતી આચરી છે. ઈડી દ્વારા આઈએએસ સંજય ગુપ્તા અને તેના સાગરીતો સામે ગુજરાત સીઆઈડી હસ્તે એફઆઈઆર અને ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી છે.