મની લોન્ડરિંગ એકટની કલમ 50 અને 63 હેઠળ આપવામાં આવેલી વિશેષ સત્તાઓ અંગે સુપ્રીમમાં ધા
હાલ દેશમાં ઇડી જેવી તપાસ એજન્સીનો દુરુપયોગ કરાઈ રહ્યો છે તેવો આક્ષેપ મુખ્યત્વે વિપક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઇડીને પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જે વિશાળ સત્તાઓ આપવામાં આવી છે તેનો સીધો ઉપયોગ વિપક્ષોને ટાર્ગેટ કરવા માટે થઈ રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ દિલ્લી સરકારના બે મંત્રીઓને પણ આ પ્રકારે જેલ હવાલે કરવામાં આવ્યા છે અને અનેક રાજકીય આગેવાનોને ઇડી દ્વારા ગમે ત્યારે તેંડુ મોકલવામાં આવે છે ત્યારે મની લોન્ડરિંગ એક્ટની કલમોનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય તેવા આક્ષેપ સાથે ઇડીને અપાયેલી વિશેષ સત્તાઓ પર અંકુશ મુકવામાં આવે તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ મંગળવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની કલમ 50 અને 63ની બંધારણીય માન્યતા તપાસવા માટે સંમત થઈ છે, જે ઇડી અધિકારીઓને કોઈ પણ વ્યક્તિને તેનું નિવેદન રેકોર્ડ કરવાનું કોઈ કારણ આપ્યા વિના બોલાવી શકે છે અને ખોટી માહિતી આપવા માટે અથવા માહિતી આપવામાં નિષ્ફળતા માટે સજાની જોગવાઈ કરે છે.
અરજદાર વિપક્ષના સાંસદ નેતા ગોવિંદ સિંહે આરોપ લગાવ્યો કે એજન્સીને આપવામાં આવેલી બેલગામ સત્તાનો દેશભરના વિપક્ષી નેતાઓને ચૂપ કરવા માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા અને સાત વખતના ધારાસભ્ય ગોવિંદ સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ,2002ની કેટલીક જોગવાઈઓ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન સમાન છે.
અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને વકીલ સુમીર સોઢીએ જસ્ટિસ સંજય કિશન કૌલ, અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અરવિંદ કુમારની બેંચને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે જોગવાઈની માન્યતાને યથાવત રાખી હતી પરંતુ વિનંતી કરી હતી કે આ મુદ્દાની નવી તપાસની જરૂર છે. અરજદારે આક્ષેપ કર્યો હતો કે આ મુદ્દા પર નિર્ણય લેવાનો છે કારણ કે જોગવાઈઓ ઇડીને વિશાળ સતા આપનારી છે જેનો દુરુપયોગ થઈ રહ્યો છે.
અરજદારે કોર્ટને રજૂઆત કરી હતી કે, જે વ્યક્તિને પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કારણ આપ્યા વિના ઇડી પૂછપરછ માટે તેંડુ મોકલી શકે છે.
કલમ 50 અને 63ની જોગવાઈઓ બંધારણની કલમ 20(3) હેઠળ સમાવિષ્ટ સ્વ-અપરાધ સામેના મૂળભૂત અધિકારોનું સીધું ઉલ્લંઘન કરે છે, તેવી અરજદારે દલીલ કરી છે.
સંક્ષિપ્ત સુનાવણી બાદ કોર્ટે કેન્દ્ર અને ઇડીને નોટિસ જારી કરી ત્રણ સપ્તાહની અંદર તેમના જવાબો દાખલ કરવા જણાવ્યું છે. ત્યારપછી અરજદારને કેન્દ્ર અને ઇડીના જવાબ મામલે પ્રતિભાવ આપવા બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો અને કેસને મે માસમાં વધુ સુનાવણી માટે મુકવામાં આવ્યો હતો.