પારદર્શક રૂપાણી સરકાર માટે લાલબત્તી સમાન રાજકીય હસ્તક્ષેપ
જેમાં ગેરરિતી થવાના આક્ષેપો થયા છે તે બિનસચિવાલય કલાર્ક જેવી પભીક્ષા યોજનાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનપદે ભાજપી હોદ્દેદાર હોય કોંગ્રેસને સીધો જ રૂપાણી સરકાર પર આક્ષેપ કરવાની તક મળી ગઇ છે: પરીક્ષાની પારદર્શકતા માટે આવા મંડળોમાં રાજકીય ચંચુપાત રોકવા માંગ ઉઠવા પામી છે
રાજય સરકાર માટે વર્ગ ૩ અને ૪ કક્ષાના કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કાર્ય પધ્ધતિ ફરી વિવાદમાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસિસ્ટ વર્ગ-૩ની પરિક્ષા યોજવામાં આવી હતી. ૩૯૦૧ જગ્યામાટે યોજાયેલી આ પરીક્ષામાં રાજયભરમાંથી ૧૦.૪ લાખ જેટલા પરીક્ષાર્થીઓએ સરકારી નોકરીની આશામાં પરીક્ષા આપી હતી. પરંતુ આ પરીક્ષાના સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લાઓનાં પરિક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ આચરવામાં આવ્યાની ફરિયાદો ઉઠવા પામી હતી. ગઈકાલે કોંગ્રેસે આ પરિક્ષામાં આચરાયેલી ગેરરીતિના સીસીટીવી કેમેરાના ફૂટેજ જાહેર કરીને ભાજપ સરકારની રહેમનજર તળે આવી ગેરરીતિ આચરવામાં આવી હોવાના એટલું જ નહી મંડળના ચેરમેન ભાજપના પૂર્વ હોદેદારો હોય રાજકીય ચંચુપાતથી આ ગેરરીતિ આચરવામા આવ્યાના આક્ષેપો કર્યા હતા. આ પૂરાવા સાથેના કોંગ્રેસના આક્ષેપોથી પારદર્શક ગણાતી રૂપાણી સરકારને લુણો લાગવા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
રાજય સરકાર દ્વારા લાંબા સમયથી ખાલી પડેલી કલાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા થોડા સમય પહેલા નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે આ વર્ગની પરિક્ષા યોજના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ૩ની ૩૯૦૧ જગ્યાઓ માટે નોકરી વાંચ્છુકો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ જગ્યા માટે ધો. ૧૨ પાસની લાયકાત રાખવામાં આવતા રાજયભરમાંથી મોટી સંખ્યામાં અરજદારોએ અરજીઓ કરી હતી જેથી આ ૩૯૦૧ જગ્યાઓ માટે અધધ.. કહી શકાય તેટલા ૧૦.૪૫ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી આ પરિક્ષા માટે મંડળે પાછળની ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધો.૧૨માંથી વધારીને ગ્રેજયુએટ કરી નાખી હતી જેથી ધો.૧૨ પાસ લાખો પરિક્ષાર્થીઓને અન્યાય થવાની સંભાવના ઉભી થતા રાજયભરનાં પરિક્ષાર્થીઓમાં ભારે ઉહાપોહ થવા પામ્યો હતો. વિરોધ પક્ષ કોંગ્રેસે આ મુદાને રાજકીય રંગ આપીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા. જેથી, સંવેદનશીલ ગણાતી રૂપાણી સરકારે આ નિર્ણય ફેરવીને મિનિમમ લાયકાત ગ્રેજયુએટમાંથી ફરીથી ધો.૧૨ કરી હતી.
જે બાદ, તાજેતરમાં રાજયભરનાં ૩૧૭૩પરિક્ષા કેન્દ્રો પર આ પરિક્ષા યોજાઈ હતી. આ પરિક્ષા દરમ્યાન અનેક કેન્દ્રો પર પેપર પહોચ્યા પહેલા પેપરના બંડલોના સીલ તુટેલા હોવાના ઉપરાંત અનેક સ્થાનો પર કેન્દ્ર સંચાલકો પરિક્ષાર્થીઓને જવાબ લખવામાં મદદ કરી હોવાના તથા વધારે સમય આપ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ ફરિયાદો બાદ રાજયભરનાં મોટાભાગનાં પરિક્ષાર્થીઓને તેમનો અન્યાય થઈ રહ્યાની લાગણી ઉભી થવા પામી હતી. દરમ્યાન, ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને સુરેન્દ્રનગરમાં બિનસચિવાલયની પરિક્ષામાં ખુલ્લે આમ ગેરરીતિ આચરવામાં આવ્યાના આક્ષેપો કર્યા હતા. ચાવડાએ તેમના આક્ષેપોના પૂરાવામાં અનેક પરિક્ષાકેન્દ્રોનાં સીસીટીવી કેમેરાના રેકોર્ડીંગની કોપી પણ રજૂ કરી હતી. ચાવડાએ આક્ષેપો કર્યા હતા કે આ ગેરરીતિમાં ભાજપ સરકારમાં બેઠેલા અમુક હોદેદારો સામેલ છે. આ સમગ્ર ગેરરીતિ ભાજપી હોદેદારોનાં ઈશારે જ થતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
ચાવડાના આક્ષેપોથી ભાજપની પારદર્શક ગણાતી રૂપાણી સરકાર સામે આંગળીઓ ઉઠવા લાગી છે. અમુક વિપક્ષી આગેવાને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદે રહેલા આસિત વોરા કે જે ભાજપના પૂર્વ હોદેદાર હોય તેમની રહેમ નજર તળે આ ગેરરીતિ આચરવામા આવ્યાની અને તેમના સુધી ગેરરીતિની ફરિયાદો પહોચી હોવા છતાં તેમને કોઈ કડક કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપો કર્યા હતા આ વિપક્ષી આગેવાને લાખો બેરોજગારોને સરકારી નોકરી આપવાની તક ઉભી કરતા ગૌણ સેવા પસંદગી મંડળમાં રાજકીય ચંચુપાત ટાળવા ચેરમેન પદે રાજકીયના બદલે સનદી અધિકારીની નિમણુંક કરવામાં પણ માંગણી કરી છે. આ સમગ્ર ગેરરીતિ પ્રકરણમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન સહિતના જવાબદારોની ભૂમિકા શંકાસ્પદ હોવાના આક્ષેપો થઈ રહ્યા હોય રાજયની પારદર્શક ગણાતી રૂપાણી સરકારની પ્રતિષ્ઠશને લુણો લાગવાની શરૂઆત છે. આ પહેલા પણ સરકારી નોકરી માટે વિવિધ મંડળોએ યોજેલી પરિક્ષામાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો થતા રહ્યા છે. જેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની પારદર્શક સરકારની છાપને છાંટા ઉડાડતી આવી ઘટનાઓ રોકવા તુરંત યોગ્ય કાર્યવાહી કરીને આવી પરિક્ષામાં રાજકીય ચંચુપાત રોકવા પડશે તેવી રાજકીય પંડિતોમાં ચર્ચાઓનં પ્રારંભ થયો છે.
સુરેન્દ્રનગરમાં બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આરોપ સાથે કોંગ્રેસે CCTV ફુટેજ જાહેર કર્યા
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની ૩૯૦૧ જગ્યાની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના પુરાવા રૂપે સુરેન્દ્રનગરના બે સેન્ટરોના સીસીટીવી ફૂટેજ પણ જારી કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક પરીક્ષાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપતો દેખાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની એસ.એમ વિદ્યાલયમાં ૧૨થી ૨ વાગ્યા સુધીની પરીક્ષા દરમિયાન એક યુવક ૧:૧૪વાગે કલાસરૂમ છોડીને બહાર જાય છે અને અંદાજે ૩૦ મિનિટ બાદ કલાસરૂમમાં પરત આવે છે અને આવ્યા બાદ ચિઠ્ઠીમાંથી જવાબ લખતો નજરે પડે છે.અન્ય એક કિસ્સામાં સી.યુ.શાહ ઈંગ્લીશ સ્કૂલમાં પણ મોબાઈલ ફોન અને નેટના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં એક યુવક ૧:૧૪ વાગે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો દેખાય છે અને પરીક્ષા પૂર્ણ થતાં જવાબવાહીનો ફોટો પોતાનો મોબાઈલમાં કેદ કરતો દેખાય છે.
આ સમગ્ર મામલાનો ગજઞઈં અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં છેલ્લે લેવાયેલી ૧૧ પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. સરકાર વિરુદ્ધ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ સરકાર પાસે તમામ કેન્દ્રોના સીસીટીવીની માંગણી કરી છે. આ મામલો મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં ગેરરીતિના બે સીસીટીવી જાહેર કરાયા છે, જે પરીક્ષા ખંડના છે. જેમાં એક સીસીટીવી સુરેન્દ્રનીગરની એસ, એન. વિદ્યાલયના છે, જેમાં એક વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ બપોરે ૧.૧૪ કલાકે ક્લાસ રૂમની બહાર નીકળે છે અને ૧.૪૨ સુધી તે પરત આવતો નથી. સંકુલના બીજા સીસીટીવીમાં આ વિદ્યાર્થી ક્યાંય દેખાતો નથી. પછી ક્લાસમાં આવીને પોતાના ખિસ્સામાંથી ચબરકી કાઢીને પેપર લખે છે.
બીજો વીડિયો સુરેન્દ્રનગરની સી.યુ.શાહ ઈગ્લિંશ સ્કૂલનો છે. જેમાં ત્રીજી હરોળમાં બેસેલ વિદ્યાર્થી મોબાઈલમાંથી જોઈને પેપર લખે છે. કોંગ્રેસે આક્ષેપ ક્રયો કે, પરીક્ષાર્થીઓનો આક્ષેપ કે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવની ક્વોલીટી લો કરી નાખવામાં આવી હતી. પરીક્ષા સમયે ઈન્ટરનેટ પણ ચાલુ હતું. વિદ્યાર્થી આન્સર કીનો ફોટો ક્લિક કરતો હતો તે સમયે વિદ્યાર્થી પાસે મોબાઇલ હોવાનું નિરીક્ષક અને અન્ય વિદ્યાર્થીઓના ધ્યાને આવ્યું હતું. એનએસયુઆઇનો આક્ષેપ કે આવી ગેરરીતી અનેક જગ્યાઓએ થઇ છે. સીસીટીવી માંગવા છતાં સ્કુલ સંચાલક સીસીટીવી આપતા નથી.
૧૭ નવેમ્બરના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા બપોરે ૧૨થી૨ વાગ્યા દરમિયાન લેવાઈ હતી. અગાઉ પેપરલિકને કારણે આ પરીક્ષા કેન્સલ થઈ હતી, ત્યારે ગૌણ સેવા મંડળ દ્વારા બીજીવાર ખાસ તકેદારી રાખવામાં આવશે તેવી વાત કરી હતી. ૧૭ નવેમ્બરે લેવાયેલા પરીક્ષામાં પણ પેપરની સીલ તૂટ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે કોંગ્રેસે પરીક્ષામાં કેવી રીતે ગેરરીતિ આચરવામાં આવી છે તેના પુરાવા આપ્યા છે.કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ સીસીટીવી ઉજાગર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં શિક્ષણ મોંઘું થયું, ખાનગરીકરણ થયું છે. આવામાં યુવા વર્ગ ભણીને બહાર આવે અને પરીક્ષામાં આવા પ્રકારની ગેરરીતિ સામે આવે છે. પરીક્ષાર્થીઓની નોકરી મેળવવાની અપેક્ષાઓ ઠગારી નીવડી છે. સરકારી નોકરીની ભરતીમાં અનેક કૌભાંડ આવ્યા છે. આંદોલન થયા છતાં સરકાર મિલીભગતના કારણે મળતીયાઓને લાભ અપાવવા માટે પારદર્શક ભરતી કરતી નથી. બિનસચિવાલય પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં પેપર લિક થયા છે. એનએસયુઆઈની ટીમે મહામહેનતે સીસીટીવી મેળવ્યા છે. આ બેદરકારી માત્ર સુરેન્દ્રનગરની જ નહિ, પણ અન્ય સેન્ટરોની પણ છે. પરંતુ સરકાર આ કિસ્સાઓની તપાસ કરવા માંગતી નથી. મધ્યપ્રદેશના વ્યાપમ કરતાં મોટું કૌભાંડ ગુજરાતમાં સરકારી નોકરીની ભરતીમાં ચાલે છે. સરકાર ભાજપના મળતિયાઓને સરકારી નોકરીમાં ઘૂસાડવા માંગે છે. છેલ્લે થયેલી સરકારી ભરતીની પારદર્શક તપાસ થવી જોઇંએ. છેલ્લે લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરિતીને ધ્યાને પરીક્ષા રદ કરવી જોઈએ.
કોંગ્રેસે જણાવ્યું કે, આખી ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ. સરકારે તમામ સેન્ટરના સીસીટીવી ઉપલબ્ધ કરવે તો ઘણી ગેરરીતી સામે આવી શકે છે. કોંગ્રેસ ગુજરાતના યુવાનોની સાથે છે. આવનારા દિવસોમાં જિલ્લા મથકે આંદોલન કરવામાં આવશે અને યુવાઓ દ્વારા ગાંધીનગર જઈને મુખ્યમંત્રીનો ઘેરાવ કરવામાં આવશે. નિષ્પક્ષ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર કરવામાં ન આવે. સરકાર ઉતાવળે પરીક્ષાનું પરિણામ જાહેર કરવા તૈયારી કરી રહી છે. ત્યારે એનએસયુઆઈ દ્વારા નંબર જાહેર કરી જે પરીક્ષાર્થીઓ પીડિત હોય એમની પાસેથી માહિતી એકત્ર કરવામાં આવશે.