વંથલી ખાતે માસ્ક ન પહેરવા જેવી નાની બાબતમાં ૪ માસ અગાઉ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ દ્વારા એક યુવકને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યા બાદ વંથલી કોર્ટ દ્વારા પી.એસ.આઈ. ચાવડા અને અન્ય ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વંથલીમાં પાંચેક માસ અગાઉ આદિલ નામના શખ્સને માસ્ક ન પહેર્યા જેવી નજીવી બાબતે પોલીસે રોકી, વંથલીના પીએસઆઇ તથા અન્ય ૪ પોલીસ કર્મીઓએ આ યુવકને જાહેરમાં રોડ વચ્ચે માર મારેલ હતો. જેનો એ સમયે સોશિયલ મીડિયામાં વિડીયો પણ ખૂબ વાયરલ થયેલ હતો. દરમિયાન પોલીસ મારનો ભોગ બનેલા યુવક આદિલે ન્યાય મેળવવા માટે જૂનાગઢ એસ.પી.ને આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ કરેલ હતી. પરંતુ આ પોલીસ કર્મીઓ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરાતા, ભોગ બનનાર આદિલે વંથલીના એડવોકેટ સમાં બ્રધર્સનો સંપર્ક કરી વકીલ નાગોરી ઝાકીરહુસેન સાખલાને રોકેલ હતા. જેમના મારફત વંથલી કોર્ટ સમક્ષ આ પોલીસ કર્મીઓ વિરૂદ્ધ પ્રાઇવેટ કંમ્પ્લેઇન દાખલ કરી મહત્વના પુરાવાઓ રજૂ કરી ધારદાર દલીલો કરવામાં આવેલ હતી.
દરમિયાન વંથલી કોર્ટે આજે પીએસઆઇ ચાવડા, ભરતસિંહ સીસોદીયા, જગદીશભાઈ વિરમભાઈ, સોમંતસિંહ સીસોદીયા તથા જનકસિંહ સિસોદિયા વિરુદ્ધ ગુન્હો દાખલ કરવાનો હુકમ કરેલ છે. પોલીસના અમુક કર્મીઓ દ્વારા કાયદો હાથમાં લઈ નાગરિકોને ઢોર માર મારવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ નજરે સામે આવી રહ્યા છે. ત્યારે આ ચુકાદો આવા પોલીસ કર્મીઓ વિરુદ્ધ લાલ બત્તી સમાન સાબિત થશે તેમ કાયદાના નિષ્ણાતો જણાવી રહ્યા છે.