સ્થાનીક સ્વરાજયથી લઈ લોકસભા સુધી પ્રજાના પ્રશ્ને ખેવનાનો અભાવ, લોકોના પ્રશ્નો કોરાણે મૂકીને માત્ર સતાની સાઠમારી જ દેખાઈ છે : સ્થિતિ સુધરે તો દેશ આગળ વધે
સરકારને ભીડવવા વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત ‘ કારગત’ નીવડશે ? આ પ્રશ્ન અત્યારે ગાઢ બન્યો છે. બીજી તરફ સ્થાનીક સ્વરાજયથી લઈ લોકસભા સુધી પ્રજાના પ્રશ્ને ખેવનાનો અભાવ દેખાય છે. લોકોના પ્રશ્નો કોરાણે મૂકીને માત્ર સતાની સાઠમારી જ દેખાઈ છે ત્યારે હવે સ્થિતિ સુધરે તો દેશ આગળ વધે.
સંસદના ચોમાસુ સત્રનો આજે પાંચમો દિવસ છે. છેલ્લા ચાર દિવસથી મણિપુર મુદ્દે ગૃહમાં ચર્ચા ચાલી રહી છે. દરમિયાન વિપક્ષી દળો દ્વારા સતત હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. આજેલોકસભામાં કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો અવિશ્વાસ પ્રસ્તાવ પર સહમત થયા છે. કોંગ્રેસે આ અંગે પોતાના સાંસદોને વ્હીપ પણ જારી કર્યો છે. વિપક્ષ માંગ કરી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મણિપુર મુદ્દાઓ પર નિવેદન આપે, જ્યારે સરકારનું કહેવું છે કે તે મણિપુર પર ચર્ચા કરવા માટે તૈયાર છે,
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ મણિપુરની સ્થિતિ પર ચર્ચાની માંગ સાથે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી છે. ડીએમકે સાંસદ તિરુચી સિવા, આરજેડી સાંસદ મનોજ કુમાર ઝા, કોંગ્રેસના સાંસદો રાજીવ શુક્લા અને રંજીત રંજન અને આપ સાંસદ રાઘા ચઢ્ઢાએ મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે નિયમ 267 હેઠળ રાજ્યસભામાં નોટિસ આપી છે.
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ગૃહમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય. આ પહેલા જુલાઈ 2018માં પણ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર 11 કલાકની ચર્ચા બાદ મતદાન થયું હતું. જો કે, મોદી સરકારે પોતાની બહુમતી સરળતાથી સાબિત કરી હતી.
જ્યારે લોકસભામાં વિપક્ષને લાગે છે કે વર્તમાન સરકાર લઘુમતીમાં છે અથવા સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવ્યો છે, ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે. બંધારણમાં અનુચ્છેદ-75માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલમ-75 મુજબ કેન્દ્રીય મંત્રી પરિષદ લોકસભાને જવાબદાર છે. આવી સ્થિતિમાં જો ગૃહમાં બહુમતી ન હોય તો વડાપ્રધાન સહિત સમગ્ર મંત્રી પરિષદને રાજીનામું આપવું પડે છે.
બીજી તરફ કેન્દ્ર સરકાર 17 દિવસમાં મહત્વના 31 બિલ પાસ કરવાની છે. જેમાં કરવેરા બિલ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને બેંક બિલ, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ટપાલ સેવા બિલ, જન વિશ્વાસ બિલ, દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનો બિલ, પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો બિલ, ડીએનએ ટેકનોલોજી રેગ્યુલેશન બિલ, જૈવિક વિવિધતા (સુધારા) વિધેયક, મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ સહિતના બિલોનો સમાવેશ થાય છે.
જેમના અમુક બીલો તો લોકસભામાં પાસ થઈ ચૂક્યા છે. પરિણામે સંસદમાં ગરમાગરમીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં વિપક્ષને ખ્યાલ છે કે તેનું સંખ્યાબળ પૂરતું નથી. લોકસભાની 543 બેઠકો છે. જેમાં એનડીએ પાસે 330 બેઠકો છે. જ્યારે વિપક્ષના નવા ઇન્ડિયા સંગઠન પાસે 140 જેટલી બેઠકો છે. જ્યારે 60થી વધુ બેઠકો નિષ્પક્ષ નેતાઓની છે. આમ છતાં વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત કારગત નીવડશે કે કેમ તેના ઉપર સૌની નજર છે.