નીતીશ કુમાર અને લાલુ પ્રસાદની સોનિયા ગાંધી સાથે મુલાકાત, એક થવા કોંગ્રેસે સહમતી દાખવી
2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે ભીડવા માટે વિપક્ષ એક થવાની પુરજોશમાં તૈયારી કરી રહ્યું છે. ખાસ તો નીતીશ કુમાર અને લાલુએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયુ છે.
દિલ્હીમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. આ બંને નેતાઓની પૂર્વ-આયોજિત બેઠક હતી. આ પહેલા નીતીશ કુમાર દિલ્હીના પ્રવાસે આવ્યા હતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી.
સોનિયા ગાંધીને મળ્યા બાદ લાલુ યાદવ અને નીતિશ કુમાર બહાર આવ્યા હતા. આ દરમિયાન નીતિશે કહ્યું કે જ્યારે વિપક્ષની એકતાની વાત આવે છે તો આપણે બધા એક જેવા છીએ. અમે આગળના માર્ગ પર ચર્ચા કરી છે. આપણી તમામ વિચારધારાઓ એક જ છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે નીતીશ જી કહી ચૂક્યા છે. અમારે બીજેપીને હટાવી દેશને બચાવવો છે માટે સાથે આવવું પડશે. જેમ આપણે બિહારમાં કર્યું છે તેમ આપણે દેશમાં પુનરાવર્તન કરવું પડશે.
તેમણે કહ્યું- અમે સોનિયા ગાંધીને અન્ય વિપક્ષી નેતાઓને પણ બોલાવવા કહ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પછી, અમે આગળની રણનીતિ પર ચર્ચા કરવા માટે 12-13 દિવસમાં ફરી મળીશું. કોંગ્રેસમાં અત્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે.
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નીતિશ કુમાર વિપક્ષી એકતા માટેના પ્રયાસોમાં લાગેલા છે. સોનિયા સાથેની બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ સિવાય અન્ય રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો ભાજપને ઘેરવાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે.
હવે સમય આવી ગયો, 2024માં સરકાર બદલવા તમામ કામે લાગે : શરદ પવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે 2024માં કેન્દ્રમાં સરકાર બદલવા માટે નેતાઓ કામ કરે.પવારે અહીં આયોજિત રેલીમાં એક મંચ પર ઘણા વિપક્ષી નેતાઓની હાજરીમાં આ વાત કહી. કૃષિ કાયદા સામેના આંદોલનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ખેડૂતોની આત્મહત્યા એ કોઈ ઉકેલ નથી અને વાસ્તવિક ઉકેલ સરકારમાં પરિવર્તન લાવવામાં આવશે. ઇન્ડિયન નેશનલ લોક દળ દ્વારા આયોજિત એક વિશાળ રેલીને સંબોધતા પવારે કહ્યું કે ખેડૂતોએ રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર વિરોધ કર્યો, પરંતુ કેન્દ્ર સરકારે તેમની માંગણીઓ પર લાંબા સમય સુધી ધ્યાન આપ્યું ન હતું.
પવારે કહ્યું કે પરિવર્તન લાવવું એ વાસ્તવિક ઉકેલ છે અને દરેકે 2024માં કેન્દ્રમાં સરકાર બદલવાનો પ્રયાસ કરવો જોઈએ. કેન્દ્ર સરકારે ખેડૂત નેતાઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી તેને પૂરું કર્યું નથી.
2024માં મહાગઠબંધન રચાશે અને ભાજપને હરાવશે: નીતીશ કુમાર
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે દેશમાં ત્રીજું નહીં પરંતુ મુખ્ય ગઠબંધન બનશે, જે ભાજપને હરાવી દેશે. તમામ વિરોધ પક્ષોએ સાથે આવવું પડશે. અમે કોંગ્રેસને પણ વિનંતી કરી છે. જો તમામ પક્ષો મુખ્ય ગઠબંધન સાથે જોડાય છે અને વર્ષ 2024માં ચૂંટણી લડે છે, તો ભાજપ ખરાબ રીતે હારી જશે. કેન્દ્રની ભાજપ સરકારે મીડિયા સહિત દરેક વસ્તુ પર નિયંત્રણ કર્યું છે. તેઓ સમાજને હિંદુ-મુસ્લિમમાં વહેંચવા માંગે છે. પોતાના 20 મિનિટના ભાષણમાં નીતિશ કુમારે કહ્યું કે ભાજપ સરકારે બિહાર રાજ્યનું પછાતપણું દૂર કરવા માટે કંઈ કર્યું નથી. એટલા માટે અમે તેમની સાથે ગઠબંધન તોડીને રાષ્ટ્રીય જનતા દળનો ટેકો લીધો હતો. હવે ભાજપ ન તો લોકસભાની ચૂંટણી જીતશે અને ન તો બિહારમાં વિધાનસભા. બિહારમાં સાત પાર્ટીઓ એકસાથે આવી છે, માત્ર એક ભાજપ અલગ છે.