કાચિંડાની જેમ કલર બદલતો કોરોના

છેલ્લા દોઢ વર્ષથી વિશ્વઆખાને દંઝાડી રહેલા કોરોનાએ થોડો બ્રેક લીધા બાદ ફરી પોતાનો નવો અવતાર બતાવતા દુનિયાભરના દેશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાચીંડાની જેમ ’કલર’ બદલતો કોરોના સમયાંતરે પોતાનું નવું નવું સ્વરૂપ લાવતા તેને સંપૂર્ણપણે ઓળખવો કપરો બની ગયો છે. હાલ દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો અવતાર ઓમિક્રોન સામે આવ્યો છે. જેની સ્પષ્ટપણે ઓળખ કરવી ખૂબ કપરી છે. વૈજ્ઞાનિકોના મતાનુસાર આ નવો વેરિએન્ટ ડેલ્ટા કરતા પણ ઘાતકી અને 6 ગણો વધુ ફેલાય છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થય મંત્રાલય અનુસાર, ઓમિક્રોન વેરિએન્ટ માઈલ્ડ એટલે કે સામાન્ય છે. આમ, કોરોનાના આ નવા અવતારને કોઈ ઓળખી શક્યું નથી.

કોરોનાના નવા અવતાર ઓમિક્રોનને દેશમાં ન પ્રવેશવા દેવા કેન્દ્ર સરકાર એકશન મોડમાં; રાજય સરકારોને અનુલક્ષી ગાઈડલાઈન જાહેર

જો કે સાવચેતી જ સુરક્ષા છે…. દક્ષિણ આફ્રિકામાં શોધાયેલા નવા વેરિએન્ટને પોતાના દેશમાં પ્રવેશવા ન દેવા વિશ્વભરનાં દેશોએ આંતરરાષ્ટ્રીય મુસાફરી પર ફરી પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં પણ સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓને ટાળવા કેન્દ્ર સરકાર પણ ઓમિક્રોન સામે એલર્ટ થઈ ગઈ છે. નવા વેરિએન્ટને હળવાશમાં ન લઈ તેને અનુરૂપ સાવચેતી અને સુરક્ષા વર્તવા કેન્દ્ર સરકારે ગઈકાલે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. જેમાં ક્ધટેન્મેન્ટ ઝોનને ધ્યાનમાં રાખી કોરોના સંક્રમણ દર પાંચ ટકાથી નીચે રહે તેવા પ્રયાસો કરવા રાજયોને નિર્દેશ આપ્યા છે.

તો આ સાથે કોરોના હોટસ્પોટ સ્થળોની ઓળખ કરીને સંક્રમિત સંખ્યા નિયંત્રિત રાખવા સતત પગલાં ભરવા આદેશ આપ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્રમાં અન્ય દેશોમાંથી આવતા મુસાફરોની તપાસ અને 14 દિવસની ક્વોરેન્ટાઇન કરવાની સલાહ આપી છે.

હોટસ્પોટ વિસ્તારોમાં જોવા મળતા પોઝિટિવ દર્દીઓના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબમાં મોકલવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જે  તરત બાદ રવિવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર પત્ર લખી નવા વેરિએન્ટ ઓમિક્રોન સામે પગલાં ભરવા આદેશ જારી કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.