રાજકોટ માર્કેટીંગ યાર્ડની 16 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા છેલ્લી ઘડી સુધી ભારે ખેંચતાણ: ભાજપની નો-રિપિટ થીયરી: તમામ નવા ચહેરાઓને ટિકિટ
સૌરાષ્ટ્રની પ્રથમ હરોળના રાજકોટ માર્કેટીંગ યાર્ડની 16 બેઠકો માટે આગામી પાંચમી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો દિવસ છે. છેલ્લી ઘડી સુધી સત્તાધારી પાર્ટી ભાજપ પોતાના ઉમેદવારો ફાઇનલ કરી શકી નથી. જબરી ખેંચતાણ ચાલી રહી છે. સહકારી ક્ષેત્રમાં હવે પક્ષનો સત્તાવાર પગ પેસારો ભાજપને ફળશે કે વર્લાથી સહકારી ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવીને બેઠેલા માંધાતાઓ માટે નવો સુર્યોદય સાબિત થશે તેના પર તમામની મીટ મંડાયેલી છે. રાદડીયા પરિવાર ફરી એકવાર સહકારી સામ્રાજ્ય કબ્જે કરવા મેદાનમાં આવી ગયો છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠકો, વેપારી વિભાગની 4 બેઠકો અને અન્ય રૂપાંતર વિભાગની વિભાગની 2 બેઠકો સહિત કુલ 16 બેઠકો માટે આગામી પાંચમી ઓક્ટોબરના રોજ મતદાન યોજાવાનું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 1150 મતદારો, વેપારી વિભાગની 4 બેઠકો માટે 500 મતદારો અને અન્ય રૂપાંતરિત વિભાગની બે બેઠકો માટે 100 મતદારો છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે એક જ દિવસ છે.
ગઇકાલે મોડી રાત સુધી રાજકોટ ઉપરાંત ગાંધીનગર સુધી બેઠકોનો ધમધમાટ આવ્યો હતો. એકપણ જૂથ નમતુ તોળવા તૈયાર નથી. જેના કારણે પેનલના નામો ફાઇનલ થઇ શક્યા નથી. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ સમગ્ર મામલો પોતાના હાથ પર લઇ લીધો છે. તમામને સવારે 10:30 કલાકે રાજકોટ જિલ્લા બેન્ક ખાતે બોલાવવામાં આવ્યા છે. જે વ્યક્તિનું નામ ફાઇનલ થશે તેને જિલ્લા બેન્ક પરથી સિધ્ધા ઉમેદવારી ફોર્મ ભરવા મોકલી દેવામાં આવશે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી બિનહરિફ થાય તેવા છેલ્લી ઘડી સુધી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ બિનહરિફની શક્યતા ખૂબ જ ઓછી છે. ખેડૂત વિભાગની 10 બેઠકો જેમ-તેમ કરી બિનહરિફ કરી દેવામાં આવે તો પણ વેપારી વિભાગની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાઇ તેવી સંભાવના દેખાઇ રહી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે થોડા સમય પહેલા જ જાહેરાત કરી હતી કે હવે પક્ષ સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ લડશે અને ઉમેદવારીને મેન્ડેટ અપાશે. રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોને મેન્ડેટ અપાશે કે પછી પોતાને સમર્પીત ઉમેદવાર છે તેવા પ્રચાર સાથે ચૂંટણી લડાશે તે પણ ગણતરીની કલાકોમાં પડદો ઉંચકાય જશે. સહકારી સામ્રાજ્યમાં પક્ષનો સત્તાવાર પગ પેસારો ભાજપને ફળશે કે સહકારી માંધાતાઓને તે વાત તો હવે ખબર પડશે. પણ હાલ જબરૂ સસ્પેન્સ ચાલી રહ્યું છે. જો યાર્ડમાં ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે તો અનેકના રાજકારણ ખતમ થઇ જશે.
બીજી તરફ કેબિનેટ મંત્રી પદ ગુમાવ્યા બાદ હવે જયેશ રાદડીયા પોતાની તાકાત પૂરવાર કરવા માટે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ફતેહ કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. ફરી એકવાર સહકારી ક્ષેત્રમાં રાદડિયા પરિવારમાં નવો સુર્યોદય થાય તેવું મનાઇ રહ્યું છે. લલીતભાઇ રાદડીયા રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ઝંપલાવી વિધિવત રીતે રાજકારણમાં એન્ટ્રી કરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
સહકારી ક્ષેત્રમાં કોઇ પક્ષ દ્વારા સત્તાવાર મેન્ડેટ આપી ઉમેદવારો ઉભા રાખવામાં આવતા નથી પરંતુ પક્ષ પ્રત્યે નિષ્ઠા ધરાવતા લોકોની પેનલ બનાવવામાં આવતી હોય છે. ભાજપે પ્રથમવાર હવે સહકારી ક્ષેત્રની ચૂંટણી પક્ષના સિમ્બોલ પર લડવાની જાહેરાત કરી છે હવે સી.આર.પાટીલનો આ નિર્ણય પક્ષ માટે ફાયદાકારક રહેશે કે વર્લાથી સહકારી ક્ષેત્રે સામ્રાજ્ય ધરાવતા મોટા માથાઓ માટેની રાહ આસાન કરી દેશે. વર્લાથી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં કુલડીમાં ગોળ ભાંગી લેવામાં આવે છે. અંદરો-અંદર વાતાઘાટો કરી બેઠકો વહેંચી લેવામાં આવે છે અને ત્યારબાદ હોદ્ાની પણ વહેંચણી કરી લેવામાં આવે છે.
જો હવે પક્ષ દ્વારા સત્તાવાર મેન્ડેટ આપવામાં આવે તો ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂંક પણ પ્રદેશ હાઇકમાન્ડના ઇશારે કરવામાં આવશે. આ નિર્ણયથી સહકારી ક્ષેત્રમાં પક્ષની તાકાત ચોક્કસ વધશે જો પરાજય મળે તો પક્ષની આબરૂ જવાની પણ ભીતી રહેલી છે. બીજી તરફ વર્લાથી સહકારી આગેવાન ગણતા મોટા માથાને ચોક્કસ પક્ષનો સિમ્બોલ પણ મળી જશે.