કૃષિ વિધેયકના લેખા – જોખા પર રાજ્યોનું ભવિષ્ય નક્કી થશે!!

ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતનો ૬૦% થી વધુ હિસ્સો કૃષિ પર આધારિત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે, કૃષિની આવક બમણી કરવી જેથી કૃષિ સમૃદ્ધ તો દેશ સમૃદ્ધની ઉક્તિ સાચી ઠરી શકે. જેના માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવી રહ્યા છે. જેના ભાગરૂપે સંસદના ચોમાસુ સત્રમાં કૃષિ વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. કૃષિ વિધેયકમાં કોન્ટ્રાકટ આધારિત ફાર્મિંગ, ફોરવર્ડ ટ્રેડિંગ, એપીએમસીની બહાર ખેડૂત – વેપારીની સીધી સંધિ સહિતના પગલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી જગતનો તાત કોઈ પણ જાતની ચિંતા જેમ કે, પોષણક્ષમ ભાવ મળશે કે કેમ? ઉપજ સારી આવશે કે કેમ? ખાતર – બિયારણ માટેની મૂડી ઉપજશે કે કેમ? સહિતની ચિંતા વગર સારી રીતે ખેતી કરી સારી ઉપજ થકી સારા ભાવ મેળવી સમૃદ્ધ થઈ શકે. પરંતુ બિન ભાજપી રાજ્યો હાલ કૃષિ વિધેયકનો વિરોધ કરી રહ્યાં છે. બિન ભાજપી રાજ્યોએ ગ્રંથી બાંધી છે કે, આ વિધેયકથી ખેડૂતો હેરાન – પરેશાન થશે. જેથી કૃષિ વિધેયકને રોકવા અંગે પ્રયત્નો કરી રહ્યાં છે.

બિન ભાજપી રાજ્યો પૈકી ખાસ તો પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ કૃષિ વિધેયકને રોકવા અંગે ખાસ સત્રનું આયોજન કરી રહ્યા છે. ઉપરાંત અન્ય બિન ભાજપી રાજ્યો પણ આ વિધેયકનો વિરોધ કરી રહ્યા છે કારણ કે, તેમનું કહેવું છે કે, આ વિધેયક અમલી બનવાથી ખેડૂતો બેહાલ બની જશે. આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની સબ કમિટીનું ગઠન કર્યું છે. જે કૃષિ વિધેયકના તમામ પાસાઓ અને જોગવાઈઓનું બારીકાઈથી અવલોકન કરશે અને ત્યારબાદ રાજ્યમાં કૃષિ વિધેયક અમલી બનાવવું કે કેમ તે અંગે નિર્ણય કરીને કેન્દ્ર સરકારને જાણ કરશે. ઓડિશાની પ્રાદેશિક પાર્ટી બીજેડી કે જે હાલ સતામાં છે તે ધારાસભ્યો અને સાંસદસભ્યો તેમજ કૃષિ અગ્રણીઓની એક કમિટી બનાવીને કૃષિ વિધેયકની તમામ જોગવાઈઓ અને અસરોનું બારીકાઈથી નિરીક્ષણ કરીને રાજ્યમાં કૃષિ વિધેયકના અમલીકરણ અંગે નિર્ણય કરશે.

ઉલ્લેખનીય છે કે, કેરળના સાંસદ ટીએન પ્રથપ્પને સુપ્રીમમાં કૃષિ વિધેયકની જોગવાઈઓને પડકારતી અરજી દાખલ કરી છે. પશ્ચિમ બંગાળ આ અરજી મુદ્દે સુપ્રીમના ચુકાદા પર મીટ માંડીને બેઠું છે. જેની સામે કેરળ સરકાર ખેડૂતો પર નીર્ધાર માંડીને બેઠું છે. કેરળમાં ખેડૂતોના મંતવ્યો લેવામાં આવશે અને જો ખેડૂતો કૃષિ વિધેયકના સમર્થનમાં જશે તો જ અમલીકરણ કરવામાં આવશે. કેરળ સરકારે કાયદા વિભાગના સેક્રેટરીને વિધેયકના તમામ જોગવાઈઓનો અભ્યાસ કરી રિપોર્ટ રજૂ કરવા સૂચન કર્યું છે.

તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કૃષિ વિધેયકને અમલી બનાવવા તરફ આગળ વધી રહી હોય તેવું સામે આવી રહ્યું છે. તેલંગણા સરકાર આ બાબતને સમજી ગયું છે કે, નવા કૃષિ વિધેયકમાં ખેડૂત અને વેપારીનો સીધો સમન્વય થશે જેથી વચેટીયાઓની ભૂમિકા દૂર થશે. જેથી ખેડૂતોને લાભ થશે. ઉપરાંત હાલ સુધી કોઈ પણ ઉપજના વેચાણ પર શેષ ચૂકવવી પડતી હતી તે પણ નાબૂદ થશે જે ખેડૂતના હિતનું પગલું છે.

કૃષિ વિધેયકમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને ધ્યાને લેવામાં આવે તો એકંદરે આ વિધેયક ખેડૂતોના હિતનું પગલું સાબિત થઈ શકે છે. પણ જે રાજ્યોમાં આ વિધેયકને રોકી દેવામાં આવશે ત્યાં એક સમય જતા ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળે તો નવાઈ નહીં. કારણ કે, જ્યારે એક રાજ્યના ખેડૂતો સીધો વેપાર કરી શકશે અને વધુ નફો રળી શકશે ત્યારે અન્ય રાજ્યોના ખેડૂતો પણ કૃષિ વિધેયકનું સમર્થન કરી રાજ્યોને અમલ કરવા અંગેની માંગણી કરશે અને જો રાજ્યો આ મુદ્દે ગંભીરતા નહીં બતાવે તો રાજ્ય સરકારોએ ખેડૂત વિરોધનો સામનો કરવો પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.