રાજયમાં મિલકતના બજારભાવ અને સ્ટેમ્પ ડયુટીના જંત્રી દરમાં ભારે તફાવત હોય સરકારી તિજોરીને થતા આર્થિક નુકશાનને રોકવા સરકારનો નિર્ણય: આ નિર્ણયના અમલથી મિલકત ખરીદવી મોંઘી થશે

સતત વિકસતા જતા ગુજરાતમાં મિલ્કતો અને જમીનના ભાવો સતત વધતા જાય છે. પરંતુ આ જમીન અને મિલ્કતોના વેંચાણ પર સરકારે સ્ટેમ્પ ડયુંટી નકકી કરવા નિયત કરેલી જંત્રીના દરમાં વર્ષો સુધી ફેરફાર કરાતા ન હોય સરકારી તિજોરીમાં ખાસ આવક થતી નથી. જેથી ગુજરાત સરકારે મિલ્કતના વેંચાણ પર સ્ટેમ્પ ડયુટી રકમ વસુલવા વિસ્તારવાઈઝ જંત્રીના દર દર વર્ષે બજારભાવ પ્રમાણે આકરવાનું નકકી કર્યુ છે. મહારાષ્ટ્ર સરકારના જંત્રી માટેના મોડલમાંથી પ્રેરણા લઈને ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં ઓનલાઈન ઈ-સ્ટેમ્પ ડયુટી જંત્રી છે. જે મિલ્કતની સાચી બજાર કિંમત ગણવામાં મદદ કરે છે.

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ 2016માં રાજય સરકારને એવું સુચન કર્યું હતુ કે મિલ્કતની સ્ટેમ્પ ડયુટીના ફી નકકી કરતી જંત્રીના દર દર વર્ષે બદલાવા જોઈએ મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા કમિટીએ એવી ઓથોરીટીની રચના કરવાનું સૂચન આપ્યું હતુ. જેમાં ખૂબ જ ઉંચા કે નીચા જંત્રીના દર સામે અપીલ કરી શકાય આ અંગે મહેસુલ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતુ કે અમને આશા છે કે જુલાઈના ચોમાસુ સત્ર પૂરૂ થાય પછી અમે આ માટે મજબૂત ફોર્મ્યુલા લઈને આવીશું અમારો પ્રયત્ન જંત્રી અને બજાર દર વચ્ચેનો ગાળો ઘટાડવાનો રહેશે. આ નવા નિયમ બાદ જંત્રીદર વાસ્તવિક બજાર ભાવની નજીક રહેશે તેમ અધિકારીએ ઉમેર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લે જંત્રીના દરમાં ફેબ્રુઆરી 2007માં 50 ટકાનો વધારો થયો હતો. આ પહેલા જંત્રી દરમાં સુધારો 1999માં કરાયો હતો ત્યાર પછી 2011માં જંત્રી દરમાં ફરી સુધારો કરાયો હતો. આ અંગે મહેસુલ અધિકારીએ વધુમાં જણાવ્યું હતુ કે અત્યારે રાજયમાં જંત્રી દર અને મિલ્કતની વાસ્તવિક બજાર ભાવમાં મોટો ફરક છે. ગ્રામ્ય વિસ્તારમાં આ ફરક 50 ટકાનો જયારે શહેરી વિસ્તારમાં આ ફરક 80 ટકા જેવો જોવા મળે છે. આ ફરકને ઘટાડીને સરકારને વધુ આવક થાય તે માટે આ કવાયત હાથ ધરાય રહી છે. આ અંગે મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતુ કે તેમના વિભાગ દ્વારા જંત્રીદરને રિવાઈઝ કરવા આયોજન ચાલી રહ્યું છે.

પટેલે વધુમાં જણાવ્યું હતુકે અમારી પ્રાથમિકતા એવા વિસ્તારો પર વધારે છે જયાં મિલ્કતના બજારભાવ અને જંત્રીદરમાં બહુ મોટો ફરક છે. અમે હજુ સુધી આ અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓને આ અંગે કોઈ સતાવાર સુચના આપી નથી. પરંતુ સરકાર એક વખત રિવ્યુ કી લે પછી અમે આ દિશામાં આગળ વધીશું કેગે પણ ગયા વર્ષે ધ્યાન દોર્યું હતુ કે હાલના જંત્રી દર અને મિલ્કતના વાસ્તવિક બજાર ભાવમાં ભારે ફરક હોય રાજયની તિજોરીને ભારે નુકશાન થઈ રહ્યું છે. આ અહેવાલમાં કેગે જણાવ્યું હતુ કે ગુજરાત સરકાર 2012 થી 2017 સુધીનાં વાર્ષિક સ્ટેટમેન્ટ દર લાગુ કરવામાં નિષ્ફળ રહી છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.