વગર આયાતે નિકાસ શકય?

ભંડોળ ઘણું ઉપલબ્ધ પણ સમજપૂર્વકનો ઉપયોગ નહીં થાય તો દેશ માટે ‘ખતરે કી ઘંટી’

દેશમાં સત્તા અને વિરોધ પક્ષના આગેવાનોની ‘શેડો કેબિનેટ’ની તાતી જરૂર

દેશને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકાર દ્વારા અભિયાન તિવ્ર ગતિએ ચાલી રહ્યું છે. અન્ય દેશો પર નિર્ભર ન રહેવું પડે તે માટે યેનકેન પ્રકારે આયાતી વસ્તુઓ ઉપર રોક લગાવવામાં આવે છે. બીજી તરફ દેશમાંથી નિકાસ વધુને વધુ થાય તે માટે પ્રયાસો હાથ ધરાય છે જોકે આર્થિક નિષ્ણાંતોનું માનવું છે કે, આત્મનિર્ભરતામાં માત્ર નિકાસ ઉપર જ ધ્યાન આપવાનું નથી, વસુદ્યૈવ કુટુમ્બકમની ભાવના દાખવવી પડશે નહિંતર જો આત્મનિર્ભરતાની સમજણમાં અનર્થ થશે તો આર્થિક અનર્થ થવાની પણ ભીતિ છે.

દેશને આત્મનિર્ભર બનાવવા મોદીએ હાંકલ કરી છે અલબત આત્મનિર્ભરતા શબ્દનો અનર્થ થશે તો દેશ માટે ખતરે કી ઘંટી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. વર્તમાન સમયે સરકારે આયાત-નિકાસને બેલેન્સ કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે જોકે આયાતમાં ટેરીફ ઝીંકવાનો નિર્ણય ઘણી વખત લેવાયો છે. આવા સંજોગોમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનનું કહેવું છે કે, માત્ર આયાતને દબાવવાથી આત્મનિર્ભરતાની વ્યાખ્યા સરભર નહીં થાય. ઉત્પાદન વધારવા ઉપર સતત ભારણ લાવવાની જરૂર નથી.

વર્તમાન સમયે દેશની તિજોરીમાં ભંડોળ ઘણુ છે પરંતુ તેનો અર્થ એવો નથી કે ભંડોળનો આંખ બંધ કરીને ઉપયોગ કરવો. સમજપૂર્વક ઉપયોગ નહીં થાય તો દેશ માટે કપરા ચઢાણ રહેશે. જેમ નિકાસની જરૂર છે તેમ આયાતની પણ જરૂર છે. આયાત વગર નિકાસની કલ્પના કરવી મુશ્કેલ છે. સરકારને ખર્ચ ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ. ચેક બુક કોરી છે પરંતુ તેનો મતલબ એવો નથી કે ગમે તેમ ઉપયોગ કરવો. ટાર્ગેટેડ જગ્યાએ ઉપયોગ કરવાથી તેનું વળતર મળતું હોય છે જેથી સરકારે બુદ્ધિપૂર્વક તેનો ઉપયોગ કરવો જરૂરી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે વિરોધ પક્ષના નિષ્ણાંતોનો મત લેવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, વિદેશમાં સરકારની કેબિનેટની જેમ જ શેડો કેબિનેટનું ચલણ છે. શેડો કેબિનેટમાં સત્તાધારી અને વિરોધ એમ બંને પક્ષનાં નિષ્ણાંતો સામેલ હોય છે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ પણ શેડો કેબિનેટમાં કરવામાં આવે છે. આ કેબિનેટ દેશના આર્થિક અને સંરક્ષણ સહિતના પાસાઓ ઉપર મનન કરી સરકારને પોતાના મંતવ્યો આપતી હોય છે જોકે આવું ભારતમાં નથી. વિરોધ પક્ષનો વિચાર તો જાણવામાં આવે છે પરંતુ કોઈ ખાસ શેડો કેબિનેટ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.