વોન્ટેડ બુટલેર સહિત છ શખ્સો નશો કરેલા અને બે શખ્સો ક્રિકેટનો સટ્ટો રમાડતા પકડાતા પોલીસ દ્વારા હોટલ સંચાલક અને માલિક સામે આકરી કાર્યવાહીના નિર્દેશ
ક્રિકેટ સટ્ટા માટે બુકીઓને હોટલમાં રૂમ ભાડે આપી સગવડ પુરી આપનાર સામે પણ ગુનો નોંધાશે
આઇપીએલ ક્રિકેટ ટૂનાર્મેન્ટ શરૂ થતાની સાથે જ રાજકોટના કેટલાક બુકીઓ દ્વારા સટ્ટાની સટાસટી કરવા માટે નવતર પ્રયોગ શરૂ કર્યો હોય તેમ હોટલમાં રૂમ ભાડે રાખી પોલીસથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બસ સ્ટેશન પાછળની હોટલ વાત્સલ્યમાં ક્રિકેટ સટ્ટા અને દારૂની મહેફીલ અંગે પાડેલા દરોડાથી હોટલનું લાયસન્સ રદ કરવા અને હોટલ સંચાલક સામે ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહીના પોલીસ સુત્રો દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે.
હોટલ વાત્સલ્યમાં દારૂની મહેફીલ અને ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી છ શખ્સોને નશો કરેલી હાલતમાં ધરપકડ કરી હતી તે પૈકી બે શખ્સો ક્રિકેટનો સટ્ટો રમતા હોવાથી તેની સામે ક્રિકેટ સટ્ટાનો અલગ કેસ કરવામાં આવ્યો છે.
હોટલ વાત્સલ્યમાંથી રૈયા રોડ પર ધ્રુનગરના વિપુલ છબીલદાસ ધોળકીયા, રાધેશ્યામ સોસાયટીના ચંદ્રેશ ઉર્ફે કાળુ જગદીશ ચાઉ, કોઠારિયા કોલોનીના જીજ્ઞેશ કિશોર ગોહેલ, જયેન્દ્રસિંહ ખુમાનસિંહ પરમાર, એવરેસ્ટ પાર્કમાં રહેતા ધર્મેશ દેવેન્દ્ર રાણપરા અને સુભાષનગરમાં રહેતા મેહુલ મોહન ગોહેલ નામના શખ્સો હોટલમાં દારૂની મહેફીલ માણતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. વી.જે.જાડેજા, એએસઆઇ. જયેશભાઇ નિમાવત, રાજદજીપસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા અને અને અમીનભાઇ ભલુર સહિતના સ્ટાફે વાત્સલ્ય હોટલમાં દરોડો પાડયો હતો.
હોટલમાં વિપુલ ધોળકીયા, ચંદ્રેશ ઉર્ફે કાળુ, જીજ્ઞેશ ગોહેલ અને જયેન્દ્રસિંહ પરમાર નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે ધર્મેશ સોની અને મેહુલ ગોહેલ શારજહામાં રાજસ્થાન અને ચેન્નાઇ રમાયેલી મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતા મળી આવ્યા હતા તેમજ આ બંનેએ નશો કરેલો હોવાથી તેની સામે પ્રોહિબીશન મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. હોટલ વાત્સલ્યના માલિક અને સંચાલક દ્વારા આઇપીએલ ટૂર્નામેન્ટમાં સટ્ટો રમાડવા અને કેટલાક લુખ્ખાઓને દારૂની મહેફીલ માટે ભાડે અપાતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વાત્સલ્ય હોટલમાં ચાલતા સટ્ટાકાંડ અને મહેફીલના પડદા પાછળ જેતપુરના કહેવાતા પત્રકારોની પણ ભૂંડી ભૂમિકા સામે આવી છે. આ અંગે પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવે તો અનેક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ છે. હોટલ વાત્સલ્યમાં સટ્ટાકાંડ અને દારૂની મહેફીલ સિવાય પણ અન્ય ગોરખધંધા ચાલતા હોવાની શંકા સાથે પોલીસે પૂછપરછ કરી રહ્યા છે. હોટલ વાત્સલ્યના માલિક અને સંચાલક સામે ગુનો નોંધવાની અને હોટલનું લાયન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમજ વાત્સલ્ય હોટલમાં દારૂ કયાંથી આવ્યો તે અંગે પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથધરવામાં આવી છે.
ક્રિકેટનો સટ્ટો રમાડતા ઝડપાયેલા બંને શખ્સો કપાત કયાં કરવતા તે અંગે પણ પોલીસે પૂછપરછ કરી મુખ્ય સુત્રધારને ભીડવવા ચક્રોગતિમાન કર્યા છે. હોટલ વાત્સલ્યમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયેલા રાધેશ્યામ સોસાયટીના ચંદ્રેશ ઉર્ફે કાળુ જગદીશ ચાઉ દારૂના અંગે ગુનામાં સંડોવાયેલો હોવાનું અને તાજેતરમા જ તેની સામે નોંધાયેલા દારૂ અંગેના ગુનામાં તેનું નામ ખુલતા તેને પકડવાનો બાકી હોવાથી અગાઉના ગુનામાં પણ તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચંદ્રેશ ઉર્ફે કાળુ કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનનો સાગરીત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.