• સંજોગો સ્વભાવ બદલાવે
  • ભાજપને એકલા હાથે બહુમતી ન મળતા હવે કડક નિર્ણયો લેવા સરકાર માટે બની રહેશે પડકારરૂપ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ સુધી અને ત્યારબાદ ભારતના વડાપ્રધાન તરીકે સતત 10 વર્ષ સુધી સત્તા ભોગવનાર નરેન્દ્રભાઇ મોદી માટે હવેનો સમય પડકારરૂપ બની રહેશે. મોદી ક્યારેય કોઇના દબાણમાં રહીને કામ કરતા નથી. પરંતુ હવે પછીના પાંચ વર્ષ તેઓએ સાથી પક્ષના દબાણમાં રહીને કામ કરવું પડશે. કડક નિર્ણયો લેવા માટે સરકારે સતત સાથી પક્ષો પર નિર્ભર રહેવાનો સમય આવ્યો છે.

હમેંશા તોતીંગ બહુમતીમાં કામ કરવા ટેવાયેલા અને મન પડે તેવા નિર્ણયો લેવા તે નરેન્દ્ર મોદીનો સ્વભાવ રહ્યો છે. પરંતુ હવે સ્થિતિ થોડીક બદલાઇ ગઇ છે. લોકસભાની ચૂંટણીના પરિણામો ભાજપની ધારણાથી તદ્ન અલગ આવ્યા છે. ભાજપ એકલા હાથે 370 બેઠકો જીતશે અને એનડીએ 400થી વધુ બેઠકો સાથે કેન્દ્રમાં સરકાર બનાવશે તેવો વધુ પડતો આત્મવિશ્ર્વાસ ભાજપ માટે ખતરનાક સાબિત થયો છે. દેશની જનતાએ ભાજપ પ્રેરિત એનડીએને ચોક્કસ બહુમતી આપી છે પરંતુ સામા પક્ષે ઇન્ડિયા ગઠબંધનને પણ તોતીંગ બેઠકો આપી મજબૂત વિપક્ષ બનવાની તક આપી દીધી છે. 2014 અને 2019 બાદ હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ભાજપે હવે સરકાર બનાવવા અને સરકાર ચલાવવા માટે સંપૂર્ણપણે સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. ભાજપ પાસે માત્ર 243 બેઠકો છે. જે બહુમતીથી 29 બેઠકો ઓછી છે. જો કે, બહુમતી 272 બેઠકોની છે. જેની સામે એનડીએ ગઠબંધનને 297 જેટલી બેઠકો પ્રાપ્ત થઇ રહી છે. આવામાં સરકાર બનાવવા સામે હાલ કોઇ જ પડકાર ઉભો નથી. પરંતુ જે રિતે ભાજપ છેલ્લા 10 દાયકામાં સાથી પક્ષોની અવગણના કરીને પોતાને મન પડે તેવા નિર્ણયો લેતું હતું. તે હવે લઇ શકશે નહિં. તેઓએ દરેક નિર્ણયો લેતા પહેલા તમામ સાથી પક્ષોને વિશ્ર્વાસમાં લેવા પડશે.

બહુમતી સાથે છેલ્લા 22 વર્ષથી શ્રેષ્ઠ શાસક તરીકે ઉજાગર થયેલા નરેન્દ્રભાઇ મોદી માટે હવેનો સમય જ પડકારજનક માનવામાં આવી રહ્યો છે. જો કોઇ કારણોસર સાથી પક્ષોને રતિભાર પણ વાંકુ પડશે તો કેન્દ્રમાં સરકાર ચલાવવી ભાજપ અને ખાસ કરીને નરેન્દ્રભાઇ મોદી માટે મુશ્કેલ બની રહેશે. અણધાર્યા પરિણામ માટે અનેક પરિબળો કારણભૂત છે. જે રિતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દરેક સભામાં છાશવારે એવું કહેતા હતા કે ત્રીજી ટર્મમાં દેશવાસીઓએ કલ્પના પણ નહિં કરી હોય તેવા આકરા નિર્ણય લેવામાં આવશે. જેનાથી દેશની જનતામાં થોડો ડર પેસી ગયો હતો. 400થી વધુ બેઠકો જીતવાના આત્મવિશ્ર્વાસ સાથે મેદાનમાં ઉતરેલા ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનને હાલ 300 બેઠકોના પણ ફાંફાં પડી રહ્યા છે. હમેંશા નરેન્દ્રભાઇ મોદી એવું કહે છે કે આફતને અવસરમાં પલટાવવો તે મારી સૌથી મોટી આવડત છે. હવે ખરેખર છેલ્લા એક દશકા બાદ સાથી પક્ષોને સાથે રાખી સરકાર ચલાવવી ભાજપ માટે સૌથી મોટો પડકાર આવ્યો છે. હવે આ પડકારને ભાજપ કંઇ રીતે અવસરમાં પલટાવે છે. તેના પર તમામની નજર રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.