40 હજાર ફૂટ જમીનમાં રેસ્ટોરન્ટ અને પંચરની દુકાન ખડકી દેવા છતા લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી ન કર્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાઈ
તત્કાલીન કલેકટર, એસ.પી, ડીડીઓ અને જાડાના ઓફિસર સામે ફરિયાદમાં આક્ષેપ
લાલપુર તાલુકાના ઝાખર ગામના સર્વે નંબર 123ની 40 હજાર ફૂટ જમીન પર ગેરકાયદે દબાણ કર્યા અંગેની લેન્ડ ગ્રેબીંગમાં થયેલી ફરિયાદ અંગે તંત્ર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા જમીન માલીકે તત્કાલીન કલેકટર સહિતના અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવતા સનદી અધિકારીઓમાં દોડધામ થઈ ગઈ છે.
ઝાખર ગામમાં હાલ જામનગરના સુભાષ કેશવજીભાઈ શાહ તથા અન્ય આસામીની માલિકીની બિનખેતી થયેલી અંદાજે 40 હજાર ચોરસ ફૂટ કિંમતી જમીન સર્વે નં.123માં આવેલી છે. આ જમીન ઝાખર ગામના મહિલા સરપંચના દિયર અજીતસિંહ ભીખુભા જાડેજાએ પચાવી પાડતા જિલ્લા કલેકટર કચેરીમાં ફરિયાદ કરતા લેન્ડ ગ્રેબીંગ સમિતિને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારબાદ તત્કાલિન જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીની સુચનાથી મામલતદારે સ્થળ પર જઈ પંચનામું કરી બંને પક્ષના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
જેમાં અજીતસિંહે નિવેદનમાં આ જગ્યા પોતાની છે તેમ માની ભૂલથી તેમાં દબાણ કર્યું હોય આ જગ્યા ખાલી કરી આપવાની બાહેંધરી આપી હતી. કમીટીની તપાસમાં લેન્ડ ગ્રેબીંગનો ગુનો બનતો હોવા છતાં એફઆઈઆર નહીં નોંધી જગ્યા ખાલી કબજે આપવી તેવો હુકમ કર્યો હતો. આ કાર્યવાહી પછી મહિનાઓ વીતી જવા છતાં મૂળ માલિક સુભાષભાઇને તેમની જગ્યા પરત નહીં મળતા કાનૂની જંગના મંડાણ કર્યા છે.
જેમાં તેમણે ખાસ સેશન્સ કોર્ટમાં પુરાવા રજૂ કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો બનતો હોવા છતાં એફઆઈઆર નહીં નોંધાવવા અંગે તત્કાલીન જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, એસપી, ડીડીઓ એમ. પટેલ, આરડીસી જીગ્નેશ પંડયા, જાડાના ઓફિસર ગઢવી, મ્યુનિ. કમિશનર ખરાડી સામે આઈપીસી કલમ 166 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.તંત્રના ઉચ્ચ અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદથી સરકારી કર્મચારીઓમાં ચકચાર જાગી છે.ખાનગી જમીનમાં રેસ્ટોરન્ટ અને પંકચરની દુકાન બનાવી હતી
ઝાખરની અન્યની ખાનગી માલીકીની જમીનમાં અજીતસિંહે પતરા મૂકી રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. ત્યારબાદ આ જમીનમાં એક ક્ધટેઇનર મૂકી તેમાં પંક્ચરની દુકાન શરૂ કરાવતા સુભાષભાઈએ પોતાની જમીન પચાવી પાડયાની કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી છે.
ઝાખરના મહિલાસરપંચના દિયર અજીતસિંહ જાડેજા સામે આ અગાઉ ખૂન, અપહરણ અને દારૂના ગુના નોંધાયા છે. રાજકીય વગરના કારણે અજીતસિંહ જાડેજાસામે તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબીંગની કાર્યવાહી ન થતા ઉચ્ચ અધિકારીઓ સામે જામનગર કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે.