- મિડલ ઇસ્ટ સાથે ભારતનો રૂ.16 લાખ કરોડનો દ્વિપક્ષીય વેપાર: ભારત મશીનરીથી લઈને દવાઓ સુધીની અનેક વસ્તુની ત્યાં નિકાસ કરે છે સામે ક્રુડ, કુદરતી ગેસ અને ખાતરની આયાત કરે છે: યુધ્ધની અસર મિડલ ઇસ્ટમાં કામ કરતા 90 લાખ ભારતીયોને પણ પડે તેવી ભીતિ
લેબનોનમાં હિઝબુલ્લાહ પર ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને લગભગ 200 મિસાઈલોથી ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ મિડલ ઇસ્ટમાં તણાવ વધી ગયો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઈરાનના હુમલાનો વળતો કેવો જવાબ આપે છે તેના ઉપર આખા વિશ્વની નજર મંડરાયેલી છે. તેવામાં જેમ જેમ તણાવ વધશે તેમ તેમ ભારતની વિકાસની ગાડીને ઠેસ પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ભારત અને મિડલ ઇસ્ટ વચ્ચે માત્ર ક્રૂડના સંબંધો જ નથી અન્ય ઘણા વેપાર સંબંધો પણ છે. ભારત મશીનરીથી લઈને દવાઓ સુધીની દરેક વસ્તુની નિકાસ કરે છે, જ્યારે મિડલ ઇસ્ટના દેશો ભારતમાં તેલ, કુદરતી ગેસ અને ખાતર મોકલે છે. ભારત અને મિડલ ઇસ્ટ વચ્ચે દ્વિપક્ષીય વેપાર 195 બિલિયનનો છે. તે માત્ર માલસામાન પૂરતું મર્યાદિત નથી. મિડલ ઇસ્ટમાંથી રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક સ્ટાર્ટઅપ્સ સહિતની ઘણી મદદ મળે છે. ઉપરાંત, ભારતીય કંપનીઓ ગલ્ફમાં મેન્યુફેક્ચરિંગ અને હોસ્પિટાલિટીમાં પોતાની ઓળખ બનાવી રહી છે.
મિડલ ઇસ્ટમાં કોઈપણ અસ્થિરતા આ આર્થિક સંબંધોને જોખમમાં મૂકી શકે છે. બીજી તરફ લગભગ 90 લાખ ભારતીયો ગલ્ફ દેશોમાં કામ કરે છે, લાખો ડોલર ઘરે મોકલે છે જે ભારતીય અર્થતંત્રને વેગ આપે છે. જો સંઘર્ષ આગળ વધે છે, તો તે આ કામદારોની નોકરીઓ અને આવકમાં વિક્ષેપ લાવી શકે છે, જે સંભવિત રીતે ઘરના પરિવારો માટે ગંભીર પરિણામો લાવી શકે છે.
ભારત સંભવિત મુક્ત વેપાર કરારો અંગે ઘણા ગલ્ફ દેશો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. આ પ્રદેશો વચ્ચે વેપાર અને રોકાણના પ્રવાહને વેગ આપી શકે છે, પરંતુ પ્રાદેશિક અસ્થિરતા આ યોજનાઓને અવરોધી શકે છે.
તેથી, જો મિસાઇલો હજારો માઇલ દૂર ઉડતી હોય તો પણ તેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડી શકે છે. સંઘર્ષ કેટલો સમય ચાલે છે અને તે કેવી રીતે વિકસિત થાય છે તે નિર્ધારિત કરવા માટે મહત્વપૂર્ણ છે કે ભારત તેનો કેટલો સામનો કરે છે.
ઈરાન-ઇઝરાયેલ યુધ્ધ ક્રૂડની સાથે સોના-ચાંદીના ભાવને પણ ભડકે બાળશે
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 75 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 71 ડોલરની નજીક પહોંચી ગયું છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. એમસીએક્સ પર, સોનું ડિસેમ્બર ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ આજે 0.35% અથવા રૂ. 270 ના ઘટાડા સાથે રૂ. 76,120 પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યું હતું,
જ્યારે ચાંદીના ડિસેમ્બર વાયદાના કોન્ટ્રેક્ટ 0.49% અથવા રૂ. 450 ના વધારા સાથે રૂ. 91,825 પર ખૂલ્યા હતા. જો કે હવે સોનાના ભાવમાં પણ ઉછાળાના સંકેતો મળી રહ્યા છે.
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1200 પોઇન્ટ તૂટ્યો
સેન્સેક્સ 83002 અને નિફટી 25451 પોઇન્ટ જેટલા નીચલા સ્તરે સ્પર્શ્યા: પ્રિ માર્કેટમાં મોટા કડાકા બાદ માર્કેટમાં થોડી રિકવરી શરૂ થતાં જ રોકાણકારોને રાહત
ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલાને પગલે યુદ્ધ છંછેડાવાની ભીતિને પગલે ભારતીય શેરબજારમાં હડકંપ મચી ગયું છે. આજે સ્ટોક માર્કેટ પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સમાં એકઝાટકે 1264 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી 50માં પણ 345 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.
શેરબજારમાં કડાકા પાછળ હાલમાં ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા બાદ યુદ્ધ થવાની આશંકાને મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભારતીય શેરબજારમાં સૌથી વધુ ઓટો સ્ટોક્સમાં નુકસાન દેખાયું. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.07 ટકા તૂટ્યો. એફએમસીજીમાં પણ 1.52 ટકાનો કડાકો બોલાયો છે. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ, પીએસયુ બેન્ક, હેલ્થકેરમાં એક-એક ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ, ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સહિત મોટાભાગના ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 2.24% ઊંચો છે. તે જ સમયે, હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 2.43% અને કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.22% નીચે છે. 2 ઓક્ટોબરના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.09% વધીને 42,196 પર અને નસદાક 0.08% વધીને 17,925 પર બંધ થયો. એસએન્ડપી 500 પણ 0.01% વધીને 5,709 પર છે.