બીજા દિવસના અંતે ભારતે 5 વિકેટ ગુમાવી 151 રન નોંધાવ્યા, ફોલોઓનથી બચવા હજુ 118 રનની જરૂરિયાત
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવાની જરૂરિયાત હતી જે નિર્ણય ન લેતા ભારતીય ટીમ માટે ચિંતા ના વાદળો ઘેરાયા છે એટલું જ નહીં રવિશ્ચંદ્ર અશ્વિનને ટીમમાં સ્થાન ન અપાતા ટીમ ઉપર ખૂબ મોટું પ્રેશર આવી ગયું છે કારણ કે બીજા દિવસે જ ઓવલની વિકેટ ટર્નિંગ જોવા મળી હતી. બીજી તરફ ભારતીય ફાસ્ટ બોલરોએ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ઓવરપીચ બોલ રમાડ્યા હતા અને પરિણામ સ્વરૂપે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 469 રન ફટકાર્યા હતા. જ્યારે ભારતે તેની પાંચ વિકેટ શોર્ટ ઓફ ગુડ લેન્થ બોલ ઉપર જ ગુમાવી હતી. આ તમામ સ્થિતિને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ થઈ છે કે ભારતની ટીમ પીચ ને ઓળખવામાં અને ટીમ સિલેક્શનમાં ઉતરી છે અને તેનું પરિણામ મેચના પરિણામ ઉપર પણ આવશે અને કદાચ જો આજ સ્થિતિ યથાવત રહી તો ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ નો તાજ પણ ગુમાવવો પડશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ મેચના બીજા દિવસે પ્રથમ ઈનિંગમાં 469 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટ્રેવિસ હેડ અને સ્ટિવ સ્મિથની લડાયક બેટીંગની મદદથી ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટો સ્કોર બનાવવામાં સફળ થઈ છે. આ અગાઉ પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટ ગુમાવીને 327 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવીસ હેડ અને સ્ટીવ સ્મિથ વચ્ચે ગઈકાલે 250થી વધુ રનની ભાગીદારી થઈ હતી. ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચમાં અશ્વિન ભારતીય ટીમના સૌથી સફળ બોલર શાબિત થયા છે. તેને 13 મેચમાં 61 વિકેટ લીધી હતી. તે ઓવર ઓલ ટેલીમાં ત્રીજા નંબરે છે. આ મામલે નાથન લાયન પહેલા નંબરે છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચોમાં 83 વિકેટ લીધી છે.
બીજા દિવસના અંત સુધીમાં અડધી ભારતીય ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ધ ઓવલમાં રમાઈ રહેલા મુકાબલામાં ગુરૂવારે બીજા દિવસના અંતે ભારતે તેના પ્રથમ દાવમાં પાંચ વિકેટે 151 રન નોંધાવ્યા છે. દિવસના અંતે અજિંક્ય રહાણે 29 અને શ્રીકર ભરત પાંચ રને રમતમાં છે. ભારતીય ટીમ હજી 318 રન પાછળ છે.ઓસ્ટ્રેલિયાના 469 રનના સ્કોર સામે બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાના ધૂરંધરો ફ્લોપ રહ્યા હતા જેના કારણે ઓસ્ટ્રેલિયાએ મેચ પર પોતાની પકડ વધારે મજબૂત બનાવી દીધી છે.
કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી ઓપનિંગમાં આવી હતી પરંતુ આ જોડી ટીમને યોગ્ય શરૂઆત અપાવી શકી ન હતી. ત્યારબાદ ટીમે ઉપરા-ઉપરી વિકેટો ગુમાવી હતી. રોહિત શર્મા 15 અને શુભમન ગિલ 13 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી જોડી બેટિંગમાં હતી. ટીમને આ જોડી પાસેથી એક સારી ભાગીદારીની આશા હતી પરંતુ આ જોડીએ પણ નિરાશ કર્યા હતા. પૂજારા અને કોહલી બંને 14-14 રન નોંધાવીને આઉટ થયા હતા.
ભારતના મોહમ્મદ શિરાજે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ ઝડપી
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે લંડનના ઓવલ ખાતે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં શાનદાર બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન સિરાજે 4 વિકેટ ઝડપી હતી. તેણે ઉસ્માન ખ્વાજા અને ટ્રેવિસ હેડ જેવા દિગ્ગજ ખેલાડીઓની વિકેટ લીધી હતી. સિરાજે આ મેચ દરમિયાન એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તેણે ટેસ્ટ કારકિર્દીમાં 50 વિકેટ પૂરી કરી. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે સિરાજ 38માં નંબર પર છે.સિરાજે અત્યાર સુધી રમાયેલી 34 ટેસ્ટ ઇનિંગ્સમાં 51 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 73 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે.