- જરૂરી કાગળોના અભાવે 35થી વધુ વેપારીઓને પોલીસે કારણદર્શક નોટિસ ફટકારી : સોમવારે બેઠકમાં આવશે નિર્ણય
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવા સમયમાં શહેરમાં સીઝનલ વેપાર માટે પ્રખ્યાત સદર બજારના ફટાકડાના 35થી વધુ વેપારીઓને પોલીસે નોટીસ ફટકારતા વેપારીઓ અને પોલીસ વચ્ચે ફટાકડાના વેચાણ અર્થે કાયમી લાયસન્સ પ્રક્રિયા મામલે મડાગાંઠ ઉદભવ છે. જે હવે ઉકેલાશે કે કેમ તે એક સવાલ છે. બીજી બાજુ ટીઆરપી ગેમઝોનની ગોઝારી ઘટના બાદ હવે તંત્ર તમામ નિયમોનું પાલન થાય તો જ મંજૂરી આપવામાં આવશે તેવું વલણ દર્શાવતી હોય વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
શહેર પોલીસ વિભાગ દ્વારા સદર બજારમાં ફટાકડાના 35 લાયસન્સ રદ કરવા 35 વેપારીઓને નોટીસ પાઠવતા ખળભળાટ મચી ગયો છે. વેપારીઓ દ્વારા ફટાકડા લાયસન્સ રિન્યુ કરવા અરજી કરતા અધુરા કાગળોના કારણે પોલીસ સ્ટેશન દ્વારા લાયસન્સ રિન્યુ નહીં કરવા અભિપ્રાય આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સોમવાર સુધીની વેપારીઓને જરૂરી ડોકયુમેન્ટ પુરા પાડવા મુદ્દત આપવામાં આપી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સદર બજારમાં ફટાકડાના હોલસેલ વેપારીઓ ધંધો કરે છે. જેઓ બારેમાસ ફટાકડા વેચતા હોવાથી તેઓને કાયમી ફટાકડા લાયસન્સ લેવાનું હોય છે. જેને દર વર્ષે રિન્યુ કરાવવામાં આવે છે. ફટાકડાના વેપારીઓ દર વર્ષે લાયસન્સ રીન્યુ કરાવતા હતા. જો કે ચાલુ વર્ષે બનેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. પોલીસ, કોર્પોરેશન અને પીજીવીસીએલ નિયમોમાં કોઇ બાંધછોડ કરવા માંગતા ન હોવાથી વેપારીઓને લાયસન્સ રિન્યુ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
સદર બજારના વેપારીઓ દ્વારા તેમના કાયમી લાયસન્સ એક વર્ષ માટે રિન્યુ કરવા પોલીસમાં અરજી કરી હતી. જે અરજીઓમાં પ્ર.નગર પોલીસ દ્વારા ફાયર એનઓસી, ઇલેકટ્રીક યોગ્યતા અંગેનું વાયરમેનનું પ્રમાણપત્ર અને ગુમાસ્તાધારા હેઠળનું પ્રમાણપત્ર અને એકસપ્લોઝીવનું સોગંદનામું ન હોવાથી લાયસન્સ રિન્યુ ન કરવા ડીસીપી ઝોન-2ને અભિપ્રાય મોકલ્યો હતો. આ ઉપરાંત એસીપી પશ્ચિમ દ્વારા પણ લાયસન્સ રીન્યુ કરવા અભિપ્રયા ન આપતા ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ સદર બજારના 35 વેપારીઓને કારણ દર્શક નોટીસ પાઠવી સોમવાર સુધીની મુદ્દત આપવામાં આવી છે. જેના પગલે વેપારીઓમાં દોડધામ મચી જવા પામી છે.
ક્યાં કાગળો સર્જી રહ્યા છે વિવાદના વમળો?
* ગુમાસ્તાધારાનું પ્રમાણપત્ર માંગવામાં આવ્યું છે પણ ખરેખર વર્ષ 2018માં જ ગુમાસ્તાધારો રદ્દ કરી દેવામાં આવ્યો હોય હવે તે પ્રમાણપત્ર આપી શકાય તેમ નથી. જેના સ્થાને વેપારીઓએ પ્રોફેશનલ ટેક્સની પહોંચ રજૂ કરી દીધી છે.
* મનપાની ફાયર એનઓસી
રાજકોટ મહાનગરપાલિકાએ ગત 9 ઓક્ટોબરની આસપાસ જ વેપારીઓને ફાયર એનઓસી આપી છે જે પહેલા જ ડીસીપી ઝોન-2 ના ટેબલ પર ફાઈલ પહોંચી ગઈ હોય ત્યારે ફાયર એનઓસીની નકલ રજૂ કરાઈ ન હતી. ઉપરાંત મનપા દ્વારા ફક્ત 15 દિવસની એનઓસી આપવામાં આવી છે જયારે પોલીસે આખા વર્ષની એનઓસીની માંગણી કરી છે.
* પીજીવીસીએલનું સર્ટિફિકેટ
બહુમાળી ભવનમાં બેસતી પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટના વાયરમેન દ્વારા પ્રમાણિત સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે પણ બહુમાળી ભવનમાં આવેલા વિભાગે આ પ્રકારનું સર્ટિફિકેટ આપવાની પોતે કોઈ જ સતા નહિ હોવાથી જણાવ્યું હતું. જેથી વેપારીઓએ સરકાર માન્ય એન્જીનીયરનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.
વેપારીઓની સમસ્યાનો ઉકેલ લાવવા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા મેદાને : યોગ્ય કરવા સૂચના અપાઈ
સમગ્ર મામલામાં અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે જરૂરી કાગળો છે તે રજૂ કર્યા બાદ કાયમી લાયસન્સ આપી દેવામાં આવશે. પોલીસ તંત્ર શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે કટીબદ્ધ હોય ત્યારે જરૂરી ધારા ધોરણોનું પાલન થવું અત્યંત અનિવાર્ય છે. આ મામલે અધિક પોલીસ કમિશ્નરે તાત્કાલિક લાયસન્સ બ્રાન્ચના પીઆઈને પણ તાત્કાલિક વેપારીઓની મૂંઝવણને દૂર કરવા સૂચના આપી હતી.
મનપાએ 15 દિવસની એનઓસી આપી પણ પોલીસ આખા વર્ષની માંગે છે : નિમિષભાઈ કારીયા (વેરાયટી સ્ટોર)
અબતક સાથેની વાતચીતમાં વેરાયટી સ્ટોરના નિમીષભાઈ કારિયાએ જણાવ્યું હતું કે, સદર બજારમાં 50 વર્ષથી વધુ સમયથી વેપાર કરી રહ્યા છીએ. ફટાકડા માટે કાયમી લાયસન્સમાં ગુમાસ્તધારા હેઠળનું પ્રમાણપત્ર, ઈલેક્ટ્રીક વાયરમેનનું સર્ટિફિકેટ, એનઓસી ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે. મનપા દ્વારા એનઓસી 15 દિવસની જ આપવામાં આવી છે.પોલીસ તંત્ર દ્વારા આખા વર્ષની એનઓસી માગવામાં આવી રહી છે. અમે કાયમી લાયસન્સ કરાવીએ છીએ પણ અત્યારે એવું કહેવામાં આવે છે કે ટેમ્પરરી લાયસન્સ લઈ લો. આર્કીટેક સ્ટ્રક્ચર રિપોર્ટ, લાઈટનું પ્રમાણપત્ર,ગુમાસ્તધારા હેઠળનું સર્ટીફીકેટ છેલ્લા દિવસોમાં નીકળી શકે એમ નથી.
ગુમાસ્તાધારાનો કાયદો રદ્દ થઇ ગયો છતાં પ્રમાણપત્રની માંગણી : મિલન અઢિયા (મોર્ડન સ્ટોર)
અબતક સાથેની વાતચીતમાં મોર્ડન સ્ટોર નામે પેઢી ધરાવતા મિલન અઢીયાએ જણાવ્યું હતું કે, સદર બજારમાં છેલ્લા 18 વર્ષથી ફટાકડાનો કાયમી વેપાર કરી રહ્યા છીએ. નવા નિયમ મુજબ અમુક ડોક્યુમેન્ટ ઘટતા હતા તે ડોક્યુમેન્ટ પૂર્ણ કરી દેશું એટલે લાયસન્સ મળી જશે તેવો આશાવાદ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ 2018થી રદ થઈ ગયેલ છે તેમ છતાં પ્રમાણપત્રની માંગણી કરવામાં આવી છે જે ક્યાંથી લાવવું તે મોટો સવાલ છે.
જરૂરી તમામ કાગળો રજૂ કરી દેવાયા ચેતન કારીયા (નવરંગ સ્ટોર)
અબતક સાથેની વાતચીતમાં ચેતન કારિયાએ જણાવ્યું હતું કે, સદર બજારમાં 50 વર્ષ જૂની પેઢી છે અને ત્યારથી જ કાયમી લાઇસન્સ ધરાવીએ છીએ. ટીઆરપી અગ્નિકાંડ થયો ત્યારબાદ અનેક મુશ્કેલીઓ આવી છે. તંત્ર દ્વારા માંગવામાં આવેલા સાધનો અને તેના કાગળો જેમ કે, વાયરમેનનો રિપોર્ટ, ફાયર એનઓસી, એક્સપ્લોઝીવ એક્ટ સહિતના અલગ અલગ કાગળો રજૂ કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં સદર બજારના ઘણા વધા વેપારીના કાયમી લાઇસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યા છે અને તેની સામે હંગામી લાયસન્સ આપવાની વાત રજૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ફાયર સેફ્ટીના બધા જ સાધનો પણ અહીં રાખવામાં આવ્યા છે.