અમૂલ ડેરી દ્વારા ગઇકાલે દૂધની કિંમતોમાં લીટર દીઠ રૂપિયા 2નો તોતીંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. દૂધના વધેલી ભાવોની પળ વળે તે પહેલાં જ લોકોને સરકાર પડ્યા પર પાટું માર્યુ હોય તેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. ઘરેલું રાંધણ ગેસની કિંમતોમાં 25.50 રૂપિયાનો તોતીંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ પણ 84 રૂપિયા જેટલા વધી જતા લોકોની રાડ બોલી જવા પામી છે. એકતરફ ઇંધણના ભાવ થઇ રહેલાં વધારાના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે હવે બાકી રહેતું હતું તો ગેસના ભાવ પણ વધતાં ગૃહિણીના બજેટ વેરવીખેર થઇ ગયાં છે.

ઘરેલું રાંધણ ગેસના ભાવમાં 25.50 રૂપિયાનો તોતીંગ  વધારો: 

દૂધની કિંમતોમાં થયેલા ભાવવધારાની કળ પણ વળી નથી ત્યાં ગેસના ભાવ વધતાં લોકોને પડ્યા પર પાટું: કોમર્શિયલ સિલિન્ડરમાં પણ રૂા.84નો વધારો

દર મહિને ગેસ કંપનીઓ દ્વારા દર વર્ષે ગેસની કિંમતોમાં વધારો-ઘટાડો કરવામાં આવે છે. આજે જુલાઇ મહિનાના આરંભે ગેસ કંપની દ્વારા ઘરેલું રાંધણ ગેસના બાટલામાં રૂપિયા 25.50નો તોતીંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી ઘરેલુ સિલિન્ડર રૂપિયા 814.50માં મળતું હતું તેના હવે 840 ચૂકવવા પડશે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરમાં પણ 84 રૂપિયાનો તોતીંગ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ હાલ 1458 રૂપિયા છે જે

વધારીને 1542 રૂપિયા કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં રાંધણ ગેસની કિંમતમાં 150 રૂપિયા જેવો તોતીંગ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.

ગઇકાલે દૂધની કિંમતોમાં લીટરે 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત અમૂલ ડેરી દ્વારા કરવામાં આવી છે. તેની આજથી અમલવારી પણ કરી દેવામાં આવી છે. ત્યારે મોંઘવારી વચ્ચે પીસાતી જનતાને સરકાર ગેસની કિંમતોમાં તોતીંગ ભાવ વધારો કરી ડામ દીધો છે. પેટ્રોલીયમ પેદાશોમાં પણ સતત ભાવ વધારો થઇ રહ્યો હોય મોંઘવારીએ માઝા મૂકી છે. સતત ભાવ વધારાના કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મોંઘવારીને નાથવા કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે નિષ્ફણ નિવડી હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.