હાલની સમયમર્યાદાના કારણે હોટલ અને રેસ્ટોરન્ટોને ભારે નુકશાન થઈ રહ્યું હોય, આ સમયમર્યાદા વધારવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજૂઆત થઈ
વિશ્ર્વના મોટાભાગના દેશોમાં હાહાકાર મચાવનારા કોરોનાના કહેરને દેશમાં ફેલાતો રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો. આ લોકડાઉન દરમ્યાન જીવનજરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાય બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ લોકડાઉનથી અર્થતંત્રને થતા નુકશાનને બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા અનલોકન જાહેર કરીને વિવિધ છુટછાટો આપી હતી. ‘અનલોક-૧’માં હોટલ, રેસ્ટોરન્ટ સહિતના તમામ ધંધા રોજગારો ખોલવાની છુટ આપવામાં આવી હતી પરંતુ જેને રાત્રે સાત વાગ્યા બાદ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ નિર્ણયના કારણે રાત્રે મદત્તમ ગ્રાહકો ધરાવતા હોટલ અને રેસ્ટોરન્ટોને ભારે તકલીફ ભોગવવી પડતે હતી. જેથી હોટલ:, રેસ્ટોરન્ટો સંચાલકોએ રાજય સરકારને ‘અનલોક-૨.૦’માં બંધ કરવાની સમય મર્યાદામાં છુટછાટ આપવા માંગ કરી હતી રાજય સરકારે ‘અનલોક-૨.૦’ હોટલ અને રેસ્ટોરન્ટોને રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રહેવા દેવાની છૂટ આપવનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
રાજયનાં હોટલ અને રેસ્ટોરન્ટ એસોસીએશનના આગેવાનોએ તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળીને અનલોક-૧માં સમયમર્યાદાનાં કારણે તેમના વ્યવસાયને ભારે નુકશાન થઈ રહ્યું છે અમરા વ્યવસાયમાં ગ્રાહકોનો સમય રાત્રીનો હોય મોટાભાગન હોટલ અને રેસ્ટોરન્ટો રાત્રે જ ધમધમે છે. રાત્રે સાત વાગ્યે બંધ કરવાની હાલની મર્યાદાના કારણે રાજયના હોટલ અને રેસ્ટોરન્ટોમાંથી ૭૦ ટકા બંધ જેવી હાલતમાં છે. લોકડાઉનમાં સંપૂર્ણ બંધ રહેવાના કારણે ભારે આર્થિક મુશ્કેલી અનુભવનારા આ ઉદ્યોગ પર સાંજે સાત વાગ્યા બાદ બંધ કરી દેવાની મર્યાદા પડયા પર પાટા સમાન છે. જેથી, આગામી ૧લી જુલાઈથી અમલી બનનારા અનલોક ૨.૦માં હોટલ અનેક રેસ્ટોરન્ટોને રાત્રે ૧૧ વાગ્યા સુધી ખૂલ્લી રાખવાનીછૂટ આપવા રજૂઆત કરી હતી.
હોટલ અને રેસ્ટોરન્ટ એસોસીએશનની આ રજૂઆત અંગે રાજયની સંવેદનશીલ ગણાતી રૂપાણી સરકારે યોગ્ય નિર્ણય કરવાની ખાત્રી આપી છે. રાજય સરકારે ‘અનલોન-૨.૦’ માટેની છૂટછાટો અંગે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની યાદી બનાવી છે.
તેમાં પણ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસીએશનની રજૂઆતનો સમાવેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી આગામી ૧લીજુલાઈથી રાજયભરમાં હોટલ અને રેસ્ટોરન્ટો રાત્રે ૧૧ વાગ્યા સુધી ધમધમી શકશે તેવો સુત્રોએ દાવો કર્યો છે.