રાજ્યમાં રાતથી સવાર સુધી ઠંડીનો ચમકારો જોવા મળે છે. જેમ જેમ દિવસ વિતતો જાય છે તેમ તેમ ગરમીનો પણ ચમકારો વધતો જોવા મળે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. હાલ ઉત્તર ગુજરાત પર ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે.
શુક્રવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. રાજીના 17 શહેરમાં 15 ડિગ્રીથી પારો નીચે ગગડ્યો હતો. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ બન્યું હતું. આ સાથે ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટ,ડીસા,ભુજમાં 12 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અમદાવાદ સહિત 3 શહેરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાત હવામાન અંગેની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ કે, 31 જાન્યુઆરી સુધીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધિના કારણે ઠંડીમાં ઘટાડો થશે. જો કે 28 થી 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોવાનો અનુભવ થશે. માત્ર ઉત્તર ગુજરાતનાં ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. આ વખતે મધ્ય ગુજરાતનાં ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ થવાનું અનુમાન છે. આ સાથે મહત્તમ તાપમાન 30-31 થવાની શ્ક્યતા છે. એટલે હવે ધીમે ધીમે ઠંડી જશે અને ગરમીમાં વધારાની સાથે સાથે માવઠાની પણ આગાહી રહેશે.