મોટી ચિંતા: દેશમાં મહિલા અને બાળકોની અડધોઅડધ વસ્તી એનિમિયાનો શિકાર
ગુજરાતમાં 6-59 મહિનાની વયજૂથના 81.2 ટકા બાળકો એનિમિયાગ્રસ્ત
અબતક, નવી દિલ્હી:
દેશમાં એનિમિયાને લઈને ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે. તાજેતરમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5)નો રિપોર્ટ જારી થયો છે. જેમાં મોટો ચિંતાજનક એ ખુલાસો થયો છે કે દેશમાં બાળકો અને મહિલાઓની અડધાથી વધુ વસ્તી એનિમિયાથી પીડિત છે. જટિલ બનતા જઈ રહેલા એનિમિયાના કેસ દેશમાં નિયંત્રિત થવાને બદલે જાણે વધતા જઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારની એનીમિયા અટકાવવાની યોજના નિષ્ફળ ગઇ હોય તેમ લાગી રહ્યું છે. જેના પરિણામે હવે સરકારે આ રોગને નિયંત્રિત કરવા માટે નવેસરથી રણનીતિ બનાવવી પડે તેવી નોબત આવી છે.
જણાવી દઈએ કે NFHS-5 માં, 2019 અને 2021ની વચ્ચે, રાજ્યોની વસ્તી, પ્રજનનક્ષમતા, બાળ આરોગ્ય, પોષણ અને અન્ય પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરમાં 14 રાજ્યોના સર્વે સાથે તેના બીજા તબક્કાનો રિપોર્ટ જાહેર કર્યો. પ્રથમ તબક્કામાં ડિસેમ્બર 2020માં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. નવા અહેવાલમાં બંને અહેવાલોને સંયોજિત કરતું રાષ્ટ્રીય ચિત્ર પણ બહાર આવ્યું છે. રિપોર્ટ NFHS-4 હેઠળ 2015-16માં તૈયાર કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે લોહીની ઉણપના કારણે એનિમિયા- પાંડુરોગ થાય છે. ગ્રામીણ ભારતમાં, 2020-21માં 6 થી 59 મહિનાની વયજૂથના 68.3 ટકા બાળકો એનિમિયા ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. જે છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં 15 ટકા વધુ છે. 2015-16માં હાથ ધરાયેલા NFHS-4માં 59.5 ટકા બાળકો એનિમિયા હોવાનું જણાયું હતું. NFHS-5 તબક્કા Iના ડેટા અનુસાર, ગુજરાતમાં 6-59 મહિનાની વયજૂથના 81.2 ટકા બાળકો એનિમિયા છે, જમ્મુ અને કાશ્મીરમાં 73.5 ટકા, તેલંગાણામાં 72.8 ટકા છે.
NFHS-5ના બીજા તબક્કાના ડેટા અનુસાર, 2020-21માં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં 81.7 ટકા, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં 76.8 ગ્રામીણ બાળકો એનિમિયા ધરાવતા હોવાનું જણાયું હતું.